ગીર સોમનાથના ઉના નજીક ચાંચકવડ ગામ પાસે આવેલા પૌરાણિક તપોવન આશ્રમના મંદિરમાં શનિવારે મોડી રાત્રે મોટી ચોરીની ઘટના બની હતી. તસ્કરોએ મંદિરના દરવાજાના તાળા તોડીને હનુમાનજીની મૂર્તિ પરથી આશરે 10 કિલોથી વધુ ચાંદીના દાગીના તેમજ દાનપેટીમાંથી રોકડ રકમ ચોરી લીધા હતા. કુલ રૂ. 17 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે.
તસ્કરો હનુમાનજીની ગદા અને મુગટ પણ લઈ ગયા
ચોરાયેલા દાગીનામાં 8 કિલો વજનની ચાંદીની માળા ફ્રેમ, 1.250 કિલોની બે ચાંદીની નાની-મોટી ગદા, 700 ગ્રામની ચાર ચાંદીની માળા અને 1 કિલો વજનનો હનુમાનજીની મૂર્તિનો મુગટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તસ્કરોએ સીસીટીવીનું ડીવીઆર અને દાનપેટીમાંથી આશરે 20 હજાર રૂપિયાની રોકડ પણ લઈ ગયા હતા.

આ પણ વાંચો: ભાજપ કાર્યકરે દર્દીને 10 રૂપિયાનું બિસ્કિટ આપ્યું, ફોટો પાડી પાછું લઈ લીધું
સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા
તસ્કરોએ રાત્રિના અંધારામાં મંદિરમાં પ્રવેશ કર્યા બાદ સૌપ્રથમ તમામ લાઈટો બંધ કરી દીધી હતી. ત્યારબાદ સીસીટીવી ડીવીઆર રાખેલા રૂમની પાછળની બારી તોડીને ડીવીઆર સાથે લઈ ગયા હતા. આ ઘટનાની જાણ મંદિરના પૂજારી નટવરલાલ દેવમુરારીને થતાં તેમણે તુરંત ટ્રસ્ટીઓ અને સેવકોને જાણ કરી, અને પછી ઉના પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીએ તપાસ શરૂ કરી
ચોરીની જાણ થતાં જ ડી.વાય.એસ.પી. ચૌધરી અને પી.આઈ. ચૌહાણ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં તસ્કરો જાણકાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે તસ્કરો મંદિરના પાછળના ભાગે આવેલી નદી તરફથી આવ્યા હશે, અને આ દિશામાં પણ તપાસ ચાલુ છે.
ચોરી થતા ભક્તો રોષે ભરાયા
તસ્કરો સુધી પહોંચવા માટે ડોગ સ્ક્વોડ અને એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. હાલ પૂજારીની ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. જો કે, ભક્તો ભગવાનની ગદા સહિતની ચીજવસ્તુઓ ચોરાતા રોષે ભરાયા છે.
આ પણ વાંચો: “અમારી જમીન પર સવર્ણોનો કબ્જો, હું CS રહ્યો છતાં છોડાવી ન શક્યો”











।। સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના ।।