Dalit News: જૂનાગઢમાં એક દલિત યુવકનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થઈ જતા ચકચાર મચી ગઈ છે. અહીંના બીલખા રોડ પર આવેલી સી.એલ. કોલેજ પાસે ગઈકાલે મોડી રાત્રે આંબેડકરનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા 34 વર્ષીય જયદીપ સોસા નામના યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. મોડી રાત્રે યુવકના ભાઈને કોઈક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો કે જયદીપ અહીં પડ્યો છે.
જેથી તેનો ભાઈ ઘટના સ્થળએ પહોંચ્યો હતો, જ્યાં યુવક બેભાન જેવી હાલતમાં મળી આવ્યો હતો. એ દરમિયાન તેણે કહ્યું હતું કે, “મને છાતીમાં વાગી ગયું છે, બહુ દુઃખાવો થાય છે.” મૃતકના ભાઈએ આ મામલે યોગ્ય પોલીસ તપાસ થાય તેવી માગણી કરી છે, જેના પગલે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવક જયદીપના મૃતદેહને પીએમમાં મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વેરાવળના આદરી બીચ પર પ્રિ-વેડિંગ ફોટોશૂટમાં યુવતી તણાઈ ગઈ
મૃતકના ભાઈએ શું કહ્યું?
મૃતકના ભાઈ ભરતભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ગઈકાલે સાંજે આશરે સાડા સાત વાગ્યે જયદીપે તેમને જમવા અંગે પૂછ્યું હતું. ત્યારબાદ તે કોઈ કામ જોવા જવાનું છે એમ કહીને ઘરેથી નીકળ્યો હતો. રાત્રે લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ મને કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો કે, “તારો ભાઈ અહીંયા પડ્યો છે.” આ ફોન આવતા જ હું મારા મિત્રનું બાઇક લઈને તાત્કાલિક સી.એલ. કોલેજ નજીક પહોંચ્યો હતો.
ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે યુવક જમીન પર પડ્યો હતો
ઘટનાસ્થળે પહોંચીને ભરતભાઈએ જોયું કે મારો ભાઈ જયદીપ બેભાન જેવી હાલતમાં જમીન પર પડ્યો હતો. મેં જયદીપને ઉઠાડ્યો અને પૂછ્યું કે, “તને શું થયું છે?” જયદીપના અંતિમ શબ્દો હતા કે “મને છાતીમાં લાગી ગયું છે, અને છાતીમાં બહુ દુખાવો થાય છે. મેં અને મારા મિત્રએ તેને ગાડીમાં બેસાડીને ઘરે લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જયદીપ ત્યાં ઘરમાં જ ઢળી પડ્યો. તરત જ 108ને બોલાવવામાં આવી અને તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો: કચ્છ ભાજપના એક નેતાને ‘મીઠી ખારેક’ 90 લાખમાં પડી!

મૃતકના ભાઈએ માથાકૂટ થઈ હોવાની આશંકા વ્યક્ત કરી
ભરતભાઈ સોસાએ પોતાના ભાઈના મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, તેમનો ભાઈ જ્યાં પડ્યો હતો, તે જગ્યા પર રોજ બે-ચાર લોકો હોય છે. જોકે, જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે ત્યાં બીજું કોઈ હાજર નહોતું. ભરતભાઈએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું કે મારો ભાઈ જે રીતે પડ્યો હતો અને તેને છાતીમાં દુખાવો થતો હતો, તે જોતા કદાચ માથાકૂટ થઈ હોય અને એમાં તેને વાગી ગયું હોય એવું બની શકે છે.” આથી, તેમણે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે યોગ્ય અને ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી મજબૂત માગ કરી છે.
આ પણ વાંચો: ‘મેડમ, અમારી જમીન બચાવી લો, નહીંતર જીવ આપી દઈશું..’
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો
આ ગંભીર ઘટનાની જાણ થતા જૂનાગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે મૃતકના ભાઈ ભરતભાઈ સોસાનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. હાલ પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ (પી.એમ.) માટે ખસેડ્યો છે, જેના રિપોર્ટ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.
અકસ્માત કે હત્યાની દિશામાં તપાસ શરૂ કરાઈ
પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અકસ્માત કે હત્યાની આશંકા સહિત તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. મૃતકના છેલ્લા શબ્દો અને ભાઈના નિવેદનને આધારે પોલીસ તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરીને રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, સત્ય શું છે તે તપાસ બાદ જ સામે આવી શકશે.
આ પણ વાંચો: કડીની દલિત સગીરાને ભગાડી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની સજા











