જૂનાગઢ કૉંગ્રેસ પ્રમુખના જાતિવાદથી કંટાળી કાર્યકરે ફિનાઈલ પીધી!

Dalit Atrocity News: જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ જાતિવાદ ચલાવતા હોવાના આક્ષેપો સાથે દલિત કાર્યકરે પ્રભારીઓની હાજરીમાં જ ફિનાઈલ પી લીધી.
Junagadh Dalit Atrocity News

Dalit Atrocity News: જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખના જાતિવાદથી કંટાળીને પક્ષના એક દલિત કાર્યકરે ઝોન પ્રભારીની હાજરીમાં કોંગ્રેસ ભવનમાં જ ફિનાઈલ પી લેતા ચકચાર મચી ગઈ છે. દલિત કાર્યકરે આ મામલે હવે જૂનાગઢ શહેર કૉંગ્રેસ પ્રમુખ મનોજ જોશી સામે ફરિયાદ નોંધાવી છે.

જૂનાગઢ શહેર-જિલ્લા કોંગ્રેસ ભવનમાં મંગળવારે બપોર પછી સૌરાષ્ટ્ર ઝોનના નવા પ્રભારી અને છત્તીસગઢના ધારાસભ્ય દેવેન્દ્રસિંહ યાદવ શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી રહ્યા હતા. એ દરમિયાન વોર્ડ નંબર 15ના કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખ અને કાર્યકર દીપક મકવાણાએ અચાનક પોતાના થેલામાંથી ફિનાઇલની બોટલ કાઢી અને પી લઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના પગલે સમગ્ર કોંગ્રેસ ભવનમાં ચકચાર મચી ગઈ હતી અને હાજર સૌરાષ્ટ્ર પ્રભારી સહિતના આગેવાનો દોડતા થઈ ગયા હતા.

 આ પણ વાંચો: રાજકોટ મનપામાં 200 સફાઈકર્મીઓના વારસદારોની નોકરી અટકી

શહેર કોંગ્રેસ પ્રમુખ જાતિવાદ ચલાવે છેઃ દીપક મકવાણા

ફિનાઇલ ગટગટાવ્યા બાદ તાત્કાલિક સારવાર માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને પોતાની ગાડીમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ખસેડાયેલા દીપક મકવાણાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ છેલ્લા 12 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે, પરંતુ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી અને તેમના પિતા પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી દ્વારા કોંગ્રેસમાં જ્ઞાતિવાદ ચલાવવામાં આવે છે. તેમણે 2019 અને 2022ની મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટની માગણી કરી હોવા છતાં તેમને ટિકિટ આપવામાં આવી નહોતી. આ અન્યાય અને શોષણથી કંટાળીને તેમણે આત્મહત્યાનો પ્રયાસ કરીને જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.

મનોજ જોશીએ શું કહ્યું?

આ સમગ્ર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, ઘટના બન્યા બાદ તેઓએ જ દીપક મકવાણાને તુરંત પોતાની ગાડીમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આપઘાતના પ્રયાસના મુદ્દે તેમણે કહ્યું કે, દીપક મકવાણા 2019 ની ચૂંટણી વખતે ભાજપમાં જોડાયા હતા. આજે જ્યારે સૌરાષ્ટ્રના નવા પ્રભારી દેવેન્દ્ર યાદવ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા, ત્યારે દીપક મકવાણા પણ ત્યાં આવ્યા હતા અને ગત મનપા ચૂંટણીમાં ટિકિટની ફાળવણી બાબતે ચર્ચા કરી અચાનક ફિનાઇલની બોટલ કાઢી હતી.

 આ પણ વાંચો: ‘IAS-IPS દારૂ-ડ્રગ્સ-જુગારમાંથી કમાઈને દ્વારકામાં ધજા ચડાવે છે’

મનોજ જોશીએ સવાલ ઉઠાવ્યો કે, “તેમના વોર્ડમાં અનામત સીટ અને મતદારોની સંખ્યાના આધારે અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી. ટિકિટની ફાળવણીના નિર્ણયો પ્રદેશ કક્ષાએથી થતા હોય છે. જો તેમને ટિકિટ નહોતી મળી તો ત્યારે કશું ના બોલ્યા અને આજે છેક બે વર્ષ પછી આ મુદ્દો ઉછાળ્યો તે અયોગ્ય છે.”

હાલમાં ફિનાઇલ પીનાર કોંગ્રેસ કાર્યકર દીપક મકવાણાની તબિયત સ્થિર હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ઘટનાને પગલે પોલીસે અને મામલતદાર દ્વારા તેમનું નિવેદન લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. રાજકીય પક્ષના કાર્યાલયમાં આ પ્રકારે આપઘાતનો પ્રયાસ થતાં સમગ્ર શહેરમાં આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે.

કૉંગ્રેસ ભવનમાં પ્રભારીઓની હાજરીમાં જ ફિનાઈલ પીધી

મળતી માહિતી મુજબ, જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર પ્રભારીની હાજરીમાં બેઠક ચાલી રહી હતી તે દરમિયાન શહેર પ્રમુખ મનોજ જોષી અને દીપક મકવાણા વચ્ચે કોઈ મુદ્દે તીવ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટના બાદ દીપક મકવાણા એટલા આઘાતમાં આવી ગયા કે તેમણે ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 આ પણ વાંચો:  ‘અહીં ગાયો કાપો છો?’ કહી દલિતો પર હિંદુ સંગઠનોનો હુમલો

પીડિત કૉંગ્રેસી કાર્યકરે શું કહ્યું?

આ મામલે દીપક મકવાણાએ જણાવ્યું હતું કે, “શહેર પ્રમુખ મનોજ જોષીએ મારી સાથે અને મારી જ્ઞાતિ વિશે અત્યંત અભદ્ર અને જાતિસૂચક ટિપ્પણીઓ કરી હોવાથી હું માનસિક રીતે તૂટી ગયો છું અને આ આત્મહત્યાનો પ્રયાસ તેમના આ ત્રાસને કારણે કર્યો છે.

શહેર કૉંગ્રેસ પ્રમુખ મનોજ જોશી સામે ફરિયાદ નોંધાઈ

આ ઘટનાને પગલે દીપક મકવાણાએ જૂનાગઢની બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મનોજ જોષી સામે જાતિસૂચક અપમાન અને અભદ્ર વાણી વિલાસની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ સ્વીકારી તપાસ હાથ ધરી છે.આ ઘટનાએ જૂનાગઢ કોંગ્રેસનો આંતરિક વિખવાદ ખુલ્લો પડયો છે અને પક્ષ માટે એક મોટી શરમજનક બાબત બની છે.

 આ પણ વાંચો: આદિવાસી સગીરાને કામના બહાને ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો

4 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x