दण्ड शास्ति प्रजाः सर्वा दण्ड एवाभिरक्षति।
दण्ड सुप्तेषु जागर्ति, दण्ड धर्म विदुर्वधा ।।
Bahraich case: ઉપર તમે જે વાંચ્યો તે મનુસ્મૃતિનો શ્લોક છે. તેનો અર્થ એ છે કે સમાજ અને પ્રજાના કલ્યાણ માટે સજાની વ્યવસ્થા જરૂરી છે. સજાનો ડર લોકોને તેમના ધર્મ અને ફરજોથી ભટકતા અટકાવે છે, અને તે સમાજમાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવી રાખવાનું એક સાધન છે.
બહરાઈચમાં હિંસા મામલે ચૂકાદો સંભળાવતી વખતે ફર્સ્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પવનકુમાર શર્માએ મનુસ્મૃતિમાં કહેવામાં આવેલી અનેક બાબતોનો ઉલ્લેખ કરીને બ્રાહ્મણ યુવકના હત્યારા એવા મુસ્લિમ યુવકોને સજા સંભળાવી હતી. જજના આવા વર્તનથી ઉપસ્થિત લોકો અને વકીલોમાં હોબાળો મચી ગયો હતો.
આ પણ વાંચો: દિલ્હી યુનિવર્સિટીમાં મનુસ્મૃતિ, રામાયણ, મહાભારત ભણાવાશે?
એ વાત હવે કોઈથી છૂપી નથી કે ભારતની કોર્ટોમાં બેઠેલા અનેક બ્રાહ્મણ જજોને દેશના બંધારણ કરતા પણ બ્રાહ્મણોને સર્વશ્રેષ્ઠ ગણાવતી અને અન્ય સમાજના લોકોને તેમનાથી નિમ્ન ગણાવતી જાતિવાદી મનુસ્મૃતિ પ્રત્યે ભારે લગાવ છે. મનુવાદી અનેક જજો ખૂલ્લેઆમ અનેક ચૂકાદાઓમાં મનુસ્મૃતિનો ઉલ્લેખ કરતા રહે છે અને તેમ છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઘટના તેનો વધુ એક પુરાવો છે.
બ્રાહ્મણ જજ પવન કુમાર શર્માએ, રામગોપાલ મિશ્રાની હત્યાના મુખ્ય આરોપી સરફરાઝ ઉર્ફે રિંકુને દોષિત ઠેરવી અને તેને મૃત્યુદંડની સજા ફટકારી. આ સજાની અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા પુષ્ટિ કરવાની બાકી છે. 142 પાનાના ચુકાદામાં, જજ પવનકુમાર શર્માએ મનુસ્મૃતિના સાતમા અધ્યાયના 18મા શ્લોકનો ઉલ્લેખ કર્યો હતો.
ન્યાયાધીશ પવન શર્માએ પહેલા કહ્યું કે એવી સજાઓ આપવી જોઈએ જે સમાજમાં અસ્તિત્વ ધરાવતા આવા રાક્ષસોમાં ભય પેદા કરે અને ન્યાયિક વ્યવસ્થામાં વિશ્વાસ જગાડે. ત્યારબાદ પવન શર્માએ વિવિધ કલમોમાં કરવામાં આવેલી જોગવાઈઓને બદલે મનુસ્મૃતિના એક શ્લોકનો ઉલ્લેખ કરીને સજાની જરૂરિયાત સમજાવી. ચુકાદાનો આ ભાગ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ભારતમાં બંધુઆ મજૂરોમાં 100 ટકા SC, ST અને OBC
જોકે, આ કેસમાં, જજના ચૂકાદા અને પોલીસના નિવેદનમાં વિસંગતતા છે. હકીકતમાં, બહરાઇચ પોલીસે ઘટના પછી એક પોસ્ટમાં મીડિયાને અપીલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, “એક હિન્દુ વ્યક્તિની હત્યામાં કોમી સૌહાર્દ બગાડવાના ઈરાદાથી સોશિયલ મીડિયા પર તેને વીજ કરંટ અપાયો, તલવારના ઘા માર્યા અને નખ ખેંચી કાઢ્યા જેવી ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવવામાં આવી રહી છે, જેમાં કોઈ સત્ય નથી.”
જોકે, કોર્ટે પોતાના ચુકાદામાં પોલીસના દાવાને સ્વીકાર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે રામ ગોપાલને માત્ર ગોળી મારી દેવામાં આવી ન હતી, પરંતુ તેમના પગ પણ એવી રીતે સળગાવી નાખવામાં આવ્યા હતા કે તેના નખ પણ બહાર આવી ગયા હતા.
કોર્ટે જે કેસમાં આ ચુકાદો આપ્યો તે લગભગ એક વર્ષ જૂનો છે. આ ઘટના 13 ઓક્ટોબર, 2024 ના રોજ બહરાઇચથી લગભગ 40 કિલોમીટર દૂર મહારાજગંજ બજારમાં બની હતી. તે દિવસે, સાંજે 6 વાગ્યે, દુર્ગા પ્રતિમા વિસર્જનનું સરઘસ ચાલી રહ્યું હતું. એવો આરોપ છે કે મુસ્લિમ સમાજના કેટલાક લોકોએ મસ્જિદની સામે ઉશ્કેરણીજનક ગીતો વગાડવા બદલ ડીજે બંધ કરવાની માંગ કરી હતી. પરિસ્થિતિ વધુ વણસી ગઈ, જેના કારણે ઝઘડો થયો, ત્યારબાદ પથ્થરમારો થયો અને પછી ગોળીબાર થયો.
આ પણ વાંચો: મોદી સરકારની લેબર પોલિસી મનુસ્મૃતિના નિયમો પ્રમાણે બનાવાઈ છે?
આ ઘટના દરમિયાન, રામગોપાલ મિશ્રા અબ્દુલ હમીદના ઘરની છત પર ચઢી ગયો અને ધાર્મિક ધ્વજ ઉતારી લીધો અને તેના સ્થાને ભગવો ઝંડો લગાવી દીધો. આનાથી મુસ્લિમ સમાજ ગુસ્સે ભરાયો. અહેવાલો અનુસાર, અબ્દુલ હમીદ અને તેનો પુત્ર સરફરાઝ અન્ય આરોપીઓ સાથે, રામગોપાલને અંદર ખેંચી ગયા. તેઓએ તેને ઘરની અંદર માર માર્યો અને પછી ગોળી મારીને હત્યા કરી દીધી.
રામગોપાલની હત્યા પછી, પરિસ્થિતિ હિંસક બની ગઈ. ટોળાએ આખી રાત રસ્તો રોકી દીધો અને સવારે રામગોપાલના મૃતદેહ સાથે વિરોધ પ્રદર્શન કર્યા. દુકાનો, શોરૂમ અને હોસ્પિટલોને આગ ચાંપી દેવામાં આવી. પોલીસે આખરે ટોળાને કાબૂમાં લીધું અને હિંસા બંધ કરાવી.
કોર્ટે આ કેસના મુખ્ય આરોપી સરફરાઝને મૃત્યુદંડની સજા ફટકારી. હત્યામાં સંડોવણી બદલ તેના પિતા અબ્દુલ હમીદ અને તેના બે ભાઈઓ, ફહીમ અને તાલિબ સહિત નવ અન્ય લોકોને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. દરેક દોષિતને ₹1,00,000 નો દંડ પણ ફટકારવામાં આવશે. પુરાવાના અભાવે કોર્ટે ત્રણ આરોપીઓ – ખુર્શીદ, શકીલ અને અફઝલ – ને નિર્દોષ જાહેર કર્યા હતા.
આ પણ વાંચો: અમરેલી કોર્ટમાં બંધારણ દિવસે બ્રાહ્મણ વકીલે ‘મનુસ્મૃતિ’ ભેટમાં આપી










