ભાજપના નેતાઓ વારંવાર વિપક્ષના પરિવારવાદની ટીકા કરતા હોય છે. પરંતુ ભાજપમાં સ્વયં પરિવારવાદના અનેક મોટા દાખલા છે. તાજો ચર્ચાસ્પદ દાખલો મહારાષ્ટ્રનો છે. અહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે નાંદેડ જિલ્લાની લોહા નગરપાલિકામાં કારમો પરાજય સહન કરવો પડ્યો છે. ભાજપે અહીં પરિવારવાદનો દાવ ખેલતાં એક જ પરિવારના છ સભ્યોને ટિકિટ આપી હતી, પરંતુ અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ(NCP) આ તમામ છ ઉમેદવારોને હરાવીને ભાજપના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે.
ખાસ વાત એ છે કે અજિત પવાર પોતે દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં નાયબ મુખ્યમંત્રી છે અને મહાયુતિ ગઠબંધનનો હિસ્સો છે, તેમ છતાં લોહામાં બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી.

આ પણ વાંચો: બે દલિત બાળકોની બલિ ચઢાવી દેનાર તાંત્રિક આઝાદ ફરે છે
એક જ પરિવારના તમામ 6 ઉમેદવારો હારી ગયા
લોહા નગરપાલિકામાં મેયર પદ માટે ભાજપે પ્રભાવશાળી નેતા ગજાનન સૂર્યવંશી પર પસંદગી ઉતારી હતી, પરંતુ એનસીપીના શરદ પવારે તેમને પરાજય આપ્યો હતો. ગજાનન સૂર્યવંશી ઉપરાંત તેમના પત્ની ગોદાવરી, ભાઈ સચિન, ભાભી સુપ્રિયા, બનેવી યુવરાજ વાઘમારે અને ભત્રીજાની પત્ની રીના વ્યવહારે એમ પરિવારના તમામ છ સભ્યો ચૂંટણી હારી ગયા છે. લોહા નગર પરિષદમાં એનસીપીનું વર્ચસ્વ જોવા મળ્યું હતું, જ્યાં પ્રમુખ પદ સહિત કુલ 17 બેઠકો પર એનસીપીનો વિજય થયો છે, જ્યારે ભાજપ, શિવસેના(UBT) અને કોંગ્રેસના ફાળે માત્ર એક-એક બેઠક આવી છે.

અશોક ચવાણની હાજરી છતાં લોહામાં ભાજપ હાર્યું
ચૂંટણી પહેલા એક જ પરિવારના છ સભ્યોને મેદાનમાં ઉતારવાના ભાજપના નિર્ણયની ભારે ટીકા થઈ હતી. વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીએ(MVA) ભાજપ પર ‘વંશવાદી રાજનીતિ’નો આરોપ લગાવીને કટાક્ષ પણ કર્યો હતો. અજિત પવાર જૂથના નેતા પ્રતાપરાવ ગોવિંદરાવ ચીખલીકરે પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપને સ્થાનિક સ્તરે યોગ્ય ઉમેદવારો ન મળતાં તેમણે એક જ પરિવાર પર નિર્ભર રહેવું પડ્યું હતું.
નાંદેડ જિલ્લામાં અશોક ચવ્હાણ જેવા દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા હોવા છતાં લોહામાં પક્ષની આ હાર ચર્ચાનો વિષય બની છે. સમગ્ર જિલ્લાની વાત કરીએ તો એનસીપીએ લોહા, કંધાર, દેગલૂર અને ઉમરીમાં જીત મેળવી છે, જ્યારે ભાજપે કુંડલવાડી, મુધખેડ અને ભોકર નગર પરિષદો પર કબજો જમાવ્યો છે.
આ પણ વાંચો: ‘તમે દલિત છો? નીચે ઉતરી જાવ’ કહી BJP MLAએ સરપંચનું અપમાન કર્યું










