કેરળના વિશ્વવિખ્યાત સબરીમાલા મંદિરમાં સોનાના આભૂષણોની ચોરીના હાઈ-પ્રોફાઈલ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ મંદિરના મુખ્ય પૂજારીની ધરપકડ કરી છે. લાંબા સમયથી ચાલી રહેલી તપાસના તાર હવે મંદિરના આંતરિક વહીવટ અને સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલા હોવાનું જણાઈ રહ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી મંદિરના કર્મચારી અને સીપીઆઈએમ નેતા પણ સામેલ છે.
મંદિરના પૂજારી પરિવારની સંડોવણી
મળતી માહિતી મુજબ, ભગવાન અયપ્પાના આભૂષણો ગાયબ થવાની ઘટના સામે આવ્યા બાદ રાજ્ય સરકારે આ કેસની તપાસ માટે ખાસ તપાસ સમિતિની રચના કરી હતી. તપાસ દરમિયાન પુરાવાઓ અને સાક્ષીઓની પૂછપરછમાં મુખ્ય પૂજારીની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી. SIT દ્વારા ગઈકાલે મંદિરના મુખ્ય પૂજારી કંદારારુ રાજીવ્વારુની ધરપકડ કરવામાં આવી છે. જેના કારણે શ્રદ્ધાળુઓ અને મંદિર પ્રશાસનમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પૂજારી સોનાની ચોરી થઈ રહી હોવાનું જાણતો હોવા છતાં તેણે આ બાબતે આંખ આડા કાન કર્યા હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: એમ્બ્યુલન્સ ન હોવાથી પુત્રના શબને પિતા થેલામાં ભરી ઘરે પહોંચ્યાં
સુરક્ષિત વિસ્તારમાં નો એન્ટ્રીમાંથી સોનું ચોરાયું?
પ્રાથમિક અહેવાલો મુજબ, ભગવાન અયપ્પાને અર્પણ કરવામાં આવેલી કરોડોની કિંમતની સોનાની માળાઓ, કિંમતી પથ્થરો જડેલા ઘરેણાં અને સોનાના સિક્કાઓનો મોટો જથ્થો ગાયબ છે. આ ચોરી ત્યારે પ્રકાશમાં આવી જ્યારે વાર્ષિક ઓડિટ દરમિયાન સોનાના જથ્થામાં મોટી ઘટ જોવા મળી. મંદિરના અત્યંત સુરક્ષિત ગણાતા વિસ્તારોમાં જ્યાં સામાન્ય માણસનો પ્રવેશ નિષેધ છે, ત્યાંથી ચોરી થવી એ સુરક્ષા એજન્સીઓ માટે શરમજનક બાબત છે.

પૂજારીએ કોન્ટ્રાક્ટર સાથે મળી કૌભાંડ આચર્યું?
આ ઘટનાએ મંદિરની સુરક્ષા અને પવિત્રતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોરી થયેલા સોનાના જથ્થાની વિગતો અને આમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે જાણવા માટે પોલીસ કસ્ટડીમાં પૂજારીની ઉલટતપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: વાદળી રંગ કેવી રીતે દલિત આંદોલન-દલિત રાજનીતિનું પ્રતિક બન્યો?
હાલમાં આ મામલે ટ્રસ્ટ અને સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ ધરપકડ બાદ કેરળના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. કહેવાય છે કે, મુખ્ય પૂજારીએ કોન્ટ્રાક્ટર સાથે મળી આ કૌભાંડ આચર્યું છે.
મંદિરના વહીવટમાં પારદર્શિતાની માંગ ઉઠી
સબરીમાલા એ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. જ્યારે મંદિરના રખેવાળ ગણાતા મુખ્ય પૂજારીનું નામ જ આવી ઘટનામાં જોડાય, ત્યારે ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાને લઈને ન્યાયની માંગ તેજ બની છે અને લોકો મંદિરના વહીવટમાં વધુ પારદર્શિતાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ‘ચર્ચમાં લોકોને નિશાન બનાવાય છે…” ખ્રિસ્તીઓએ પીએમને કરી અપીલ










