મહેસાણામાં ઠાકોર ભાઈએ મુસ્લિમ બહેનના સંતાનોનું લાખોનું મામેરું ભર્યું

મહેસાણાના વડોસણના ઠાકોર ભાઈએ 25 વર્ષના સંબંધની લાજ રાખી મુસ્લિમ બહેનના દીકરા-દીકરીના લગ્નમાં મામેરું ભર્યું.
Mehsana news

કોમવાદી તાકાતો દેશમાં સતત પોતાનો ભરડો વધારી રહી છે ત્યારે ગુજરાતના મહેસાણામાં માણસાઈ જ સૌથી મોટો ધર્મ છે તેની પ્રતીતિ કરાવતી એક સુંદર ઘટના સામે આવી છે. અહીંના એક ગામમાં એક ઠાકોર ભાઈએ અને મુસ્લિમ બહેનના સંતાનોનું મામેરું ભરીને ભાઈબહેનના પવિત્ર સંબંધની લાજ રાખી છે. ધર્મના ભેદભાવો ભૂલીને હિન્દુ ભાઈએ પોતાની માનેલી મુસ્લિમ બહેનના ઘરે પ્રસંગમાં હાજરી આપીને બહેનના સંતાનો માટે લાખો રૂપિયાનું મામેરું ભરીને સમાજને નવી દિશા ચીંધી છે.

મજૂરી કરતી વખતે ભાઈબહેનનો સંબંધ બંધાયો

ઘટના મહેસાણાના નાગલપુર અને વડોસણ ગામની છે. વડોસણ ગામના રહેવાસી સરતાનજી સરદારજી ઠાકોર અને નાગલપુરના સુલતાનાબીબી અયુબખાન ચૌહાણ વચ્ચે છેલ્લા 25 વર્ષથી ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ છે. આ સંબંધની શરૂઆત દેદિયાસણ જીઆઈડીસીમાં થઈ હતી, જ્યાં સરતાનજી અને સુલતાનાબીબી બંને મજૂરી કામ કરતા હતા. અલગ-અલગ ફેક્ટરીમાં કામ કરવા છતાં બંને વચ્ચે એક આત્મીય નાતો બંધાયો હતો અને સરતાનજીએ સુલતાનાબીબીને પોતાની ધર્મની બહેન માની હતી. ત્યારથી લઈને આજ સુધી, સુખ હોય કે દુઃખ, આ હિન્દુ ભાઈ પોતાની મુસ્લિમ બહેનની પડખે અડીખમ ઉભા રહ્યા છે.

Mehsana news

આ પણ વાંચો: બંધારણીય હોદ્દા પર ન હોવા છતા કથાકારને ‘ગાર્ડ ઓફ ઓનર’ અપાયું

વાજતે-ગાજતે મામેરું લઈને બહેનના ઘરે પહોંચ્યાં ભાઈ

નાગલપુર કસ્બામાં રહેતા સુલતાનાબીબીના ઘરે હાલ લગ્નનો માહોલ છે. તેમના પુત્ર અરમાન અને પુત્રી આફરીનના લગ્ન પ્રસંગે, સરતાનજી ઠાકોર એક સગા મામાની જેમ પોતાની ફરજ અદા કરવા પહોંચ્યા હતા. રવિવારે યોજાયેલા મામેરાના પ્રસંગમાં સરતાનજી વાજતે-ગાજતે, ઢોલ-નગારા સાથે બહેનના ઘરે આવ્યા હતા. પરંપરા મુજબ, બહેન સુલતાનાબીબીએ ભાઈ સરતાનજીનું કંકુ અને ચોખાથી તિલક કરીને ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દ્રશ્ય જોઈને ઉપસ્થિત સૌ કોઈની આંખો હર્ષના આંસુથી ભીની થઈ ગઈ હતી. સરતાનજીએ મામેરામાં રોકડ રકમ અને અન્ય ભેટ-સોગાદો મળીને કુલ રૂ. 1,01,000 (એક લાખ એક હજાર) નું મામેરું ભર્યું હતું. જેમાં 51 હજાર રૂપિયા રોકડા અને અન્ય પહેરામણીનો સમાવેશ થાય છે.

“મને હિન્દુ-મુસ્લિમનો કોઈ ભેદભાવ નથી” – સુલતાનાબીબી

આ પ્રસંગે ભાવુક થયેલા સુલતાનાબીબીએ જણાવ્યું હતું કે, “મને આજે ખૂબ જ ખુશી થઈ રહી છે. મારો ભાઈ જેવું મામેરું ભરે તેવું જ મામેરું આ માનેલા ભાઈએ ભર્યું છે. મને હિન્દુ-મુસ્લિમનો કોઈ જ ભેદભાવ નથી. તેઓ મને ખૂબ રાખે છે અને હું પણ તેમના ઘરે જાઉં છું. અમારા વચ્ચે 25 વર્ષથી આવો જ સંબંધ છે”. સુલતાનાબીબીના ચહેરા પરની ખુશી સ્પષ્ટ કરતી હતી કે લોહીના સંબંધ કરતા લાગણીના સંબંધો કેટલા ગાઢ હોઈ શકે છે.

આ પણ વાંચો: હિંદુ રક્ષા દળના કાર્યકરોએ ઘરે ઘરે ફરી તલવારો વહેંચી, 10ની ધરપકડ

Mehsana news

મુસ્લિમ બહેનનું ઠાકોર ભાઈએ લાખોનું મામેરું ભર્યું

વડોસણથી આવેલા સરતાનજી ઠાકોરે પણ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “અમારો સંબંધ મજૂરી કામ કરતા બંધાયો હતો. હું 1 લાખ 1 હજારનું મામેરું લઈને આવ્યો છું. નાગલપુરના લોકોએ પણ અમને સાથ-સહકાર આપ્યો છે. અમારો ભાઈચારો કાયમ આવો જ રહેશે. આપણે સૌએ એક થઈને રહેવું જોઈએ”.

જેના લગ્ન હતા તે, સુલતાનાબીબીના પુત્ર અરમાનખાન ચૌહાણે કહ્યું હતું કે, “અમે હિન્દુ-મુસ્લિમ ભેદભાવમાં માનતા નથી, માણસમાં માણસાઈ હોવી જોઈએ, જે સંબંધો સાચવી શકે. મારા મામા વડોસણથી આવ્યા છે અને તેમણે ખૂબ જ પ્રેમથી આ ફરજ નિભાવી છે”

આ પણ વાંચો: પહેલાં ગુપ્તાંગ તપાસ્યું, ‘મુસ્લિમ’ હોવાનો ખ્યાલ આવતા હત્યા કરી!

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x