મહેસાણામાં 561 મતદારોની જાણ બહાર નામ કમી કરવા અરજી થઈ

મહેસાણાના ચંદ્રોડામાં SIR ની કામગીરીમાં મુસ્લિમ સમાજના 561 મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢવા અરજી થઈ.
Mehsana Chandroda SIR

ગુજરાત સહિત દેશભરમાં SIR ની કામગીરીને લઈને અનેક વિવાદો સામે આવી રહ્યાં છે. ખાસ કરીને લઘુમતી સમાજના મતદારોના નામ તેમની જાણ બહાર મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે અજાણ્યા લોકો દ્વારા અરજી કરવામાં આવતી હોવાની એકથી વધુ ઘટનાઓ સામે આવી છે. ગુજરાતમાં અમદાવાદના ગોમતીપુરમાં એક સાથે 17 હજાર લઘુમતી મતદારોના નામો કમી થઈ ગયાની ફરિયાદ કલેક્ટર સુધી પહોંચી છે. આ સિવાય બોટાદ, જૂનાગઢ અને વડોદરામાં પણ મોટી સંખ્યામાં લઘુમતી સમાજના મતદારોના નામ તેમની જાણ બહાર, અજાણ્યા લોકો દ્વારા ફોર્મ 7-એ ફરીને કાઢી નાખવા માટે અરજીઓ કરાઈ રહી હોવાની ફરિયાદો થઈ રહી છે.

આવો જ વધુ એક કિસ્સો મહેસાણા જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીંના બેચરાજી તાલુકાના ચંદ્રોડા ગામે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શંકાના દાયરામાં આવ્યો છે. ગામના સરપંચ અને સ્થાનિક લઘુમતી સમાજના લોકોએ ગંભીર આક્ષેપ કર્યા છે કે, ગામના 500થી વધુ જીવીત અને ત્યાં જ રહેતા લઘુમતી સમાજના મતદારોના નામ કમી કરવા માટે ખોટી વાંધા અરજીઓ કરવામાં આવી છે. પેઢીઓથી ગામમાં રહીને ખેતી કરતા લોકોના નામ પર કાતર ફેરવવાના પ્રયાસથી ગામલોકોમાં ભારે રોષ ફેલાયો છે.
561 લોકોના નામ કાઢી નાખવા અરજી થઈ

બેચરાજી તાલુકાનું ચંદ્રોડા ગામ હાલ મતદાર યાદીના વિવાદને કારણે ચર્ચામાં છે. ગામના સરપંચ પ્રહલાદભાઈ પરમાર અને સ્થાનિક આગેવાનોનો દાવો છે કે, ગામના 561 જેટલા મતદારો સામે અચાનક વાંધા અરજીઓ મૂકવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે જેમના નામ સામે વાંધા છે, તે તમામ લોકો ગામમાં જ સ્થાયી છે અને વર્ષોથી ત્યાં જ વસવાટ કરે છે.

આ પણ વાંચો: આજે નહીં તો કાલે, હું ચોક્કસ રાજકારણમાં જોડાઈશઃ વિક્રમ ઠાકોર

ખોટા કારણો આપીને અરજી કરાયાના આક્ષેપ

ગામના આગેવાનોનું કહેવું છે કે, તેઓ લઘુમતી સમાજમાંથી આવે છે અને તેમના બાપ-દાદાઓના સમયથી અહીં ખેતી સાથે સંકળાયેલા છે. તેમ છતાં, આજુબાજુના ગામના લોકો દ્વારા તેઓ ‘ગામ છોડીને જતા રહ્યા છે’ અથવા ‘મૃત્યુ પામ્યા છે’ તેવા ખોટા કારણો આગળ ધરીને વાંધા અરજીઓ કરવામાં આવી છે. ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે લઘુમતી સમાજના મતોને મતદાર યાદીમાંથી દૂર કરવા માટે આ એક રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું છે.

આ પણ વાંચો: બોલો લો! ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોનું કોઈ સાંભળતું નથી!

સરપંચે શું કહ્યું?

ચંદ્રોડા ગામના સરપંચ પ્રહલાદ પરમારે જણાવ્યું કે, આજુબાજુના ગામના લોકોએ 561 વાંધા અરજીઓ મૂકી છે અને તે અરજીઓ ખોટી છે. ગામમાં તમામ વ્યક્તિઓ રહે છે, કાયમી તેમનું ત્યાં રહેઠાણ છે. કોઈ સ્થળ બદલ્યું નથી છતાં તેમનું સ્થળ બદલ્યું એની વાંધા અરજી મૂકી છે. એટલે કાયદેસર રીતે આ સાવ ખોટી અરજી છે. 2002ની યાદીમાં પણ તેમનું નામ છે.

મામલતદાર સમક્ષ રજૂઆત કરવામાં આવી

આ અંગે ગામલોકોએ બીએલઓ (BLO) અને મામલતદાર સમક્ષ રૂબરૂ રજૂઆત કરી છે કે તેઓ હયાત છે અને ગામમાં જ રહે છે. ગ્રામજનોની માંગ છે કે ખરાઈ કર્યા વગર કોઈ પણ મતદારનું નામ યાદીમાંથી કમી ન કરવામાં આવે અને ખોટી અરજીઓ કરનારા સામે પગલાં લેવામાં આવે.

આ પણ વાંચો: પદ્મશ્રી હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા અરજી થઈ!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x