બિહારના વૈશાલી જિલ્લામાંથી એક એવું દ્રશ્ય સામે આવ્યું છે જેણે માનવતા અને વહીવટી તંત્ર બંનેને શરમજનક સ્થિતિમાં મૂકી દીધાં છે. અહીં એક દલિત મહિલાનું અવસાન થયું હતું. વૃદ્ધાની અંતિમયાત્રા નીકળી પરંતુ સ્મશાન સુધી જતા રસ્તા પર સ્થાનિક દુકાનદારોએ દબાણ કરીને રસ્તો બંધ કરી દીધો હતો. તેમણે દાદાગીરી કરીને મહિલાની અંતિમયાત્રાને સ્મશાન સુધી જવા માટે રસ્તો નહોતો આપ્યો. આખરે વૃદ્ધાના પરિવારે મજબૂરીમાં ચોક વચ્ચે જ અંતિમક્રિયા કરવાની ફરજ પડી હતી.
આ ઘટના ગરૌલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સોંધો મુબારકપુર માંઝી ટોલામાં બની હતી. 91 વર્ષીય ઝપકી દેવીનું અવસાન થયું હતું. જ્યારે પરિવાર મૃતદેહ લઈને સ્મશાનગૃહ તરફ નીકળ્યો ત્યારે તેમને ખબર પડી કે તેમના સમાજના સ્મશાન સુધી જતા રસ્તા પર સ્થાનિક દુકાનદારોએ દબાણ કરી દીધું છે.

પરિવારનો આરોપ છે કે સ્થાનિક દુકાનદારોએ સ્મશાનગૃહ તરફ જતા જાહેર રસ્તા પર દબાણ કર્યું છે અને તેમને આગળ વધતા અટકાવ્યા હતા. જ્યારે અનેક વિનંતી અને દલીલો કરવા છતાં પણ કોઈ રસ્તો ન નીકળ્યો, ત્યારે ગુસ્સે ભરાયેલા અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોએ રસ્તાની વચ્ચે ચિતા તૈયાર કરી અને મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા.
આ પણ વાંચો: સાવરકુંડલામાં હિન્દુ વૃદ્ધાનું અવસાન થતા મુસ્લિમ યુવાને અંતિમવિધિ કરી

રસ્તાની વચ્ચે સળગતી ચિતાની તસવીરો વહીવટીતંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ રસ્તો લાંબા સમયથી બંધ છે, અને ફરિયાદો છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
મૃતક મહિલાના પુત્ર સંદેશ માઝીએ કહ્યું, “જ્યારે અમને સ્મશાનમાં જવાની મંજૂરી આપવામાં ન આવી, ત્યારે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. અમને રસ્તા પર અંતિમ સંસ્કાર કરવાની ફરજ પાડવામાં આવી હતી.”
દરમિયાન સ્થાનિક દુકાનદાર શંકર ઠાકુરે કહ્યું, “પહેલાં એક રસ્તો હતો, પરંતુ હવે ત્યાં દુકાનદારોએ દબાણ કરીને રસ્તો બંધ કરી દીધો છે. હવે તેઓ દલિતોને અહીંથી ચાલીને સ્મશાન સુધી જવા દેતા નથી. અંતિમ સંસ્કાર પહેલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ દુકાનદારોની દાદાગીરી સામે મૂકપ્રેક્ષક બનીને ઉભી રહી હતી અને પછી જતી રહી હતી.”
આ પણ વાંચો: સવર્ણોએ 6 કલાક સુધી દલિત યુવકની અંતિમવિધિ ન થવા દીધી
ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વૈશાલી જિલ્લા મેજિસ્ટ્રેટ વર્ષા સિંહે આ મામલાને ગંભીરતાથી લીધો. જોકે અધિકારીઓ હજુ પણ મીડિયા સામે આવવાથી બચી રહ્યા છે. હાલ એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. મહુઆના એસડીઓ, ડીએસપી અને ગઢૌલના બીડીઓ આ મામલાની સંયુક્ત તપાસ કરશે.
बिहार के वैशाली में 91 वर्षीय झपकी देवी जो महादलित तबके से थीं, उनके पार्थिव शरीर को श्मशान जाने तक का रास्ता नहीं मिला।
पुलिस प्रशासन वाहन पहुँचने के बाद भी कुछ नहीं कर पाई! मजबूरन परिजनों ने सड़क के चौराहे पर ही अंतिम संस्कार किया।
भारतीय समाज एक ऐसा समाज हैं, जहाँ मृत्यु के… pic.twitter.com/eR16UEMNWi
— Priyanka Bharti (@priyanka2bharti) January 30, 2026
વહીવટીતંત્રનો દાવો છે કે દબાણ કરનારાઓ અને બેદરકારી માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક નેતા રૂબી દેવીએ આ ઘટનાને ખૂબ જ દુઃખદ અને ખરાબ ગણાવી. તેમણે કહ્યું કે બધા પક્ષો સાથે બેસીને આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધશે જેથી ભવિષ્યમાં અન્ય કોઈ પરિવારને આવી લાચારીનો સામનો ન કરવો પડે.
આ પણ વાંચો: અંતિમવિધિના પૈસા ન હોવાથી મૃતદેહ હોસ્પિટલમાં તરછોડી દીધો












