અમદાવાદમાં 123 વર્ષ બાદ કતલખાનું બનશે, ભાજપે 32 કરોડ ફાળવ્યા!

અમદાવાદમાં 123 વર્ષ બાદ નવું કતલખાનું બનશે. ભાજપ શાસિત AMCના બજેટમાં રૂ. 32 કરોડની જોગવાઈથી વિવાદના મંડાણ.
A slaughterhouse will be built in Ahmedabad

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2026-27નું ₹17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરાયેલા આ બજેટમાં અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સની વચ્ચે એક એવી જાહેરાત કરવામાં આવી છે જેણે સૌને ચોંકાવી દીધા છે. શહેરમાં છેલ્લે વર્ષ 1903માં જમાલપુર ખાતે કતલખાનું બન્યું હતું, જેના બરાબર 123 વર્ષ બાદ હવે શાહવાડી-બહેરામપુરા વિસ્તારમાં નવું આધુનિક સ્લોટર હાઉસ બનાવવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.

શાહવાડીમાં 16 હજાર સ્ક્વેર મીટરમાં આકાર પામશે મોર્ડન સ્લોટર હાઉસ

બજેટની વિગતો મુજબ, દક્ષિણ ઝોનમાં આવેલા શાહવાડી-બહેરામપુરા વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 32 ખાતે આ પ્રોજેક્ટ સાકાર થશે. અંદાજે 15,882.13 સ્ક્વેર મીટર જેટલી વિશાળ જમીન પર ₹32 કરોડના ખર્ચે આ કતલખાનું બનાવવામાં આવશે. આગામી સમયમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને શહેરના આધુનિકીકરણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે. આ નવું સ્લોટર હાઉસ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જેમાં પશુઓને રાખવા માટેના સુવિધાજનક વાડા, મીટની ગુણવત્તા જાળવવા માટે કૂલિંગ અને ચીલિંગ ફેસિલિટી, તેમજ વેસ્ટ મેનેજમેન્ટ માટે રેન્ડરિંગ પ્લાન્ટ જેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે.

A slaughterhouse will be built in Ahmedabad

આ પણ વાંચો: સુપ્રીમના જજે કહ્યું, ‘સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો બદલી થાય છે!’

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરવાનો દાવો

તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ નવું સ્લોટર હાઉસ બનાવતી વખતે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ અને કેન્દ્ર-રાજ્ય સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. હાલમાં જમાલપુર સ્થિત જૂના સ્લોટર હાઉસમાં રોજની અંદાજે 80 થી 90 પશુઓની કતલ થાય છે. નવા પ્લાન્ટથી આ ક્ષમતા વધવાની સાથે સ્વચ્છતા અને ટેકનોલોજીના ધોરણો પણ સુધરશે તેવો તંત્રનો મત છે.

મોટા પશુ દીઠ રૂ.25, નાના પશુના રૂ.4 ફી લેવાશે

વર્તમાન વ્યવસ્થા મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્લોટર હાઉસમાંથી નજીવી આવક થાય છે. મોટા પશુ દીઠ ₹25 અને નાના પશુ દીઠ ₹4 લેખે ફી વસૂલવામાં આવે છે. અહીં માત્ર ભેંસ, ડુક્કર અને ઘેટા-બકરા જેવા પશુઓની કતલની જ મંજૂરી છે. જીપીએમસી એક્ટની જોગવાઈઓ મુજબ ચાલતા આ વ્યવસાયમાં હવે મોટું રોકાણ કરીને તેને ‘કોમર્શિયલ’ અને ‘હાઈજેનિક’ ટચ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ભાજપમાં જ ઉઠ્યો વિરોધનો સૂર

ધારાસભ્ય અમિત શાહની નારાજગી આ જાહેરાત થતાની સાથે જ સત્તાધારી પક્ષ ભાજપની અંદરથી જ વિરોધના સ્વરો ઉઠ્યા છે. એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત શાહે આ પ્રોજેક્ટ સામે આકરો વાંધો ઉઠાવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “એક તરફ આપણે ગૌવંશ અને પશુઓના સંરક્ષણની વાતો કરીએ છીએ, જીવદયાની વાત કરીએ છીએ, ત્યારે બીજી તરફ ભાજપના શાસનમાં આટલું મોટું નવું કતલખાનું બનાવવાની જાહેરાત અકલ્પનીય છે.”

A slaughterhouse will be built in Ahmedabad

આ પણ વાંચો: “તમારી હદમાં રહો, તમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી”

અમિત શાહે વધુમાં ઉમેર્યું કે, મ્યુનિસિપલ કમિશનરે આ જોગવાઈ તાત્કાલિક પરત ખેંચવી જોઈએ. જો કમિશનર આવું નહીં કરે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ જોગવાઈ બજેટમાંથી રદ કરવી જોઈએ તેવી પણ તેમણે માંગ કરી છે. પક્ષના આંતરિક વર્તુળોમાં પણ આ મુદ્દે ગણગણાટ શરૂ થયો છે કે શું ‘હિન્દુત્વ’ અને ‘જીવદયા’ની રાજનીતિ કરતો પક્ષ નવા કતલખાનાના નિર્માણને લીલી ઝંડી આપશે?

અમદાવાદમાં છેલ્લે 123 વર્ષ પહેલા કતલખાનું બન્યું હતું

અમદાવાદના વિકાસ નકશામાં 123 વર્ષ પછી ઉમેરાવા જઈ રહેલું આ કતલખાનું માત્ર વહીવટી નિર્ણય નથી, પરંતુ એક મોટો રાજકીય મુદ્દો બની રહ્યો છે. એક બાજુ શહેરની વધતી વસ્તી અને જરૂરિયાતોને પહોંચી વળવા આધુનિકીકરણની દલીલ છે, તો બીજી બાજુ ધાર્મિક અને નૈતિક મૂલ્યોને આગળ ધરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સ્ટેન્ડિંગ કમિટીમાં આ ₹32 કરોડની જોગવાઈ મંજૂર રહે છે કે પછી વિરોધને પગલે તેને પડતી મૂકવામાં આવે છે.

આ પણ વાંચો: ગાંધીજી સ્થાપિત મજૂર મહાજન સંઘે મજૂરો પાસેથી કરોડોની ‘ખંડણી’ વસૂલી!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x