બિહારમાં 5 દલિત સગીરાઓ ઝેર ગટગટાવ્યું, 4 ના મોત, એક ગુમ

બિહારના ઔરંગાબાદમાં 5 દલિત સગીરાઓએ ઝેર ગટગટાવતા ચારનાં કરૂણ મોત નીપજ્યાં છે. રહસ્યમય સંજોગોમાં થયેલાં મોતે અનેક સવાલો પેદા કર્યા છે.
dalit news

બિહારના ઔરંગાબાદ જિલ્લામાં એક હૃદયદ્રાવક અને રહસ્યમય ઘટના સામે આવી છે, જેમાં પાંચ દલિત સગીરાઓએ સામૂહિક રીતે ઝેર પી લીધું હતું. આ દુર્ઘટનામાં ચાર સગીરાઓનાં મોત નીપજ્યાં છે, જ્યારે એક બાળકી હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે. ઘટના બાદ સમગ્ર ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ધરપકડના ડરથી ગામના તમામ પુરુષો ફરાર થઈ ગયા છે. પોલીસ તપાસમાં ગ્રામજનો તરફથી કોઈ જ સહકાર ન મળતા આ કેસ અત્યારે એક વણઉકેલાયેલો કોયડો બની ગયો છે.

મામલો શું હતો?

આ ઘટના હસપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના મોતી બિગહા ગામના રાજવંશી વાસની છે. ૧ ફેબ્રુઆરીના રોજ સ્થાનિક પોલીસને બાતમી મળી હતી કે ગામમાં કેટલીક છોકરીઓએ સામૂહિક રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જ્યારે સ્ટેશન ઈન્ચાર્જ દિનેશ કુમાર અને એસડીપીઓ દાઉદનગર ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પોલીસના પહોંચતા પહેલા જ ચારેય મૃતક છોકરીઓના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. આ પાંચેય છોકરીઓ દલિત સમાજની હતી અને તેમની ઉંમર માત્ર 10 થી 14 વર્ષની વચ્ચે હોવાનું જણાવાયું છે.

એક જ ચિતા પર ચાર માસુમની અંતિમવિધિ કરાઈ

સ્થાનિક અહેવાલો મુજબ, ગામથી આશરે એક કિલોમીટર દૂર તળાવ પાસે આ છોકરીઓના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોમાં વિનોદ રાજવંશી, સીતા રાજવંશી, વીરેન્દ્ર રાજવંશી, નંદુ રાજવંશી અને રંજિત રાજવંશીનો સમાવેશ થાય છે. પાંચેય સહેલીઓ હતી. જેમાંથી ચારના મોત થયા હતા, જ્યારે વિનોદ રાજવંશીની દીકરી જીવિત હોવાની ચર્ચા છે, પરંતુ હાલ તેના ઘરે તાળું લાગેલું છે.

આ પણ વાંચો: પાટણના ચંદ્રુમાણામાં દલિતના વરઘોડા પર બુટલેગરનો તલવારથી હુમલો!

સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, ગ્રામજનોએ પોલીસને જાણ કર્યા વિના જ ચારેય છોકરીઓના શબને એક જ ચિતા પર સળગાવી દીધા હતા. ગામમાં એવી ચર્ચા છે કે પરિવારો પાસે આર્થિક સગવડ ન હોવાથી તેમણે સામૂહિક અગ્નિસંસ્કાર કર્યા, પરંતુ પોલીસને શંકા છે કે પુરાવા નાશ કરવા માટે આ ઉતાવળ કરવામાં આવી હતી.

ગામલોકોના મૌન પાછળનું રહસ્ય શું?

ઘટના બાદ ગામમાં પંચાયત બોલાવવામાં આવી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આ વાત ગામની બહાર ન જવી જોઈએ. જોકે, સમાચાર વહેતા થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આઈજી ક્ષત્રનીલ સિંહે પોતે ગામની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, “અમે દરેક એંગલથી તપાસ કરી રહ્યા છીએ. ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. ગામના પુરુષો ગાયબ છે અને મહિલાઓ કશું પણ બોલવા તૈયાર નથી, જે તપાસમાં મોટો અવરોધ છે.”

આ પણ વાંચો: સાચા ‘બ્રાહ્મણ’ કોણ, નહેરુ કે આંબેડકર?

પોલીસ હવે શાળાઓમાં જઈને ડેટા એકત્ર કરી રહી છે કે છેલ્લા ત્રણ દિવસથી કઈ બાળકીઓ ગેરહાજર છે. જે પાંચમી બાળકી બચી ગઈ હોવાની વાત છે, તેના ઘરને તાળું લાગેલું છે અને તે ક્યાં છે તેની કોઈને જાણ નથી.

મોતી બિગહા ગામનો આ રાજવંશી વાસ અત્યંત પછાત છે. અહીં રહેતી આ છોકરીઓ માત્ર પાંચમા ધોરણ સુધી જ ભણી શકી હતી, કારણ કે ગામમાં તેનાથી આગળના શિક્ષણની વ્યવસ્થા નથી. માટીના ઘરોમાં રહેતા આ પરિવારોની દીકરીઓ ઘરકામમાં મદદ કરતી હતી.

એકસાથે પાંચેય સખીઓએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે પ્રશ્ન હજુ પણ અનુત્તર છે. શું આ કોઈ સામાજિક દબાણ હતું કે પછી કોઈ પારિવારિક વિવાદ? પોલીસ હાલમાં રાખના નમૂનાઓ અને આસપાસના પુરાવાઓ દ્વારા સત્ય સુધી પહોંચવા પ્રયત્ન કરી રહી છે. હાલ તો આખા ગામમાં સ્મશાનવત શાંતિ છે અને પોલીસની ટુકડીઓ તૈનાત છે.

આ પણ વાંચો: મહેસાણામાં 561 મતદારોની જાણ બહાર નામ કમી કરવા અરજી થઈ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x