ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં મંગળવારનો દિવસ રાજકીય ગરમાવા અને પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચેના સંઘર્ષનો સાક્ષી બન્યો હતો. એક તરફ વિધાન સભાની અંદર બજેટ સત્રની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ બહાર રસ્તાઓ પર હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. સિરાથુ બેઠકના ધારાસભ્ય અને અપના દળ (કમેરાવાદી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પલ્લવી પટેલ સેંકડો મહિલા સમર્થકો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પલ્લવી પટેલ ‘યુજીસી ઈક્વિટી રેગ્યુલેશન 2026’ ના સમર્થનમાં અવાજ ઉઠાવવા માટે વિધાન સભાનો ઘેરાવ કરવાના મક્કમ ઈરાદે કૂચ કરી રહ્યા હતા.
આ કૂચ જ્યારે આઈટી ચોકથી આગળ વધીને રિઝર્વ પોલીસ લાઈન પાસે પહોંચી ત્યારે સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી. પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે અગાઉથી જ લોખંડનR મોટી અને કાંટાળી બેરિકેડિંગ લગાવીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જોકે, પલ્લવી પટેલે આ બેરિકેડ્સ પર ચઢીને તેને ઓળંગવાનો પ્રયાસ કરતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી શરૂ થઈ હતી.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર સ્ટે મૂક્યો, કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
પોલીસે વાળ ખેંચીને ઢસડ્યાનો વિવાદ
પોલીસ અને પલ્લવી પટેલ વચ્ચેની ઝપાઝપી બાદ મામલો વધુ બિચક્યો હતો. જ્યારે પોલીસે તેમને આગળ વધતા અટકાવ્યા, ત્યારે ધારાસભ્ય પલ્લવી પટેલ પોતાના સમર્થકો સાથે સડક પર જ ધરણા પર બેસી ગયા હતા. લગભગ 15 થી 20 મિનિટ સુધી પોલીસ અધિકારીઓએ તેમને સમજાવવાના અને રસ્તો ખાલી કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ પલ્લવી પટેલ પોતાની માંગણીઓ પર અડગ રહ્યા હતા. અંતે, કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે પોલીસે બળપ્રયોગ શરૂ કર્યો અને એક-એક કરીને કાર્યકરોની અટકાયત કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

જ્યારે મહિલા પોલીસકર્મીઓ પલ્લવી પટેલને પોલીસ વાન તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેઓ રસ્તા પર જ સૂઈ ગયા હતા. તેમને વાન સુધી લઈ જવા માટે પોલીસે ભારે મહેનત કરવી પડી હતી. સૌથી ગંભીર આરોપ ત્યારે લાગ્યો જ્યારે પલ્લવી પટેલે દાવો કર્યો કે ધરપકડ દરમિયાન મહિલા પોલીસે તેમની સાથે અત્યંત અભદ્ર વર્તન કર્યું હતું. આરોપ મુજબ, પોલીસે તેમને ગાડીમાં ધકેલવા માટે તેમના વાળ પકડીને ખેંચ્યા હતા અને બળજબરીથી અંદર બેસાડ્યા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિપક્ષી નેતાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: UGC ના સમાનતાના નિયમ સામે સવર્ણોને શું વાંધો છે?
માંગણીઓ અને રાજકીય સમીકરણો
પલ્લવી પટેલે પોલીસ કસ્ટડીમાંથી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “યુજીસી ઈક્વિટી રેગ્યુલેશન 2026 ને પાછળ ઠેલવું અથવા તેને અમલમાં મૂકવામાં વિલંબ કરવો એ દેશના દલિત, પછાત અને વંચિત વર્ગોના શૈક્ષણિક અધિકારો સાથે સીધો અન્યાય છે.” તેમણે ઉમેર્યું કે જ્યાં સુધી આ વર્ગોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.
उच्च शिक्षा संस्थानों में भेदभाव के उन्मूलन हेतु लाए गए UGC विनियम, 2026 के समर्थन में लखनऊ में शांतिपूर्ण प्रदर्शन कर रही विधायक बहिन पल्लवी पटेल जी को पुलिस द्वारा बेक़दरी से हिरासत में लिया जाना अत्यंत निंदनीय है।
एक निर्वाचित महिला जनप्रतिनिधि के साथ इस तरह की कार्रवाई न… pic.twitter.com/PFBRIEjHyA
— Chandra Shekhar Aazad (@BhimArmyChief) February 10, 2026
નોંધનીય છે કે પલ્લવી પટેલ હાલમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધનમાં છે અને પછાત વર્ગોના મુદ્દે સતત સરકારને ઘેરી રહ્યા છે. આજની આ ઘટનાએ સાબિત કર્યું છે કે આગામી સમયમાં યુજીસીના મુદ્દે ઉત્તર પ્રદેશનું રાજકારણ વધુ ગરમાશે. પોલીસની આ કાર્યવાહીને વિપક્ષ દ્વારા લોકશાહીની હત્યા ગણાવવામાં આવી છે, જ્યારે સત્તાધારી પક્ષે તેને કાયદાકીય પ્રક્રિયાનો ભાગ ગણાવ્યો છે. હાલમાં તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરી તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
આ પણ વાંચો: BHU માં OBC વિદ્યાર્થીઓએ નવા UGC નિયમોના ટેકામાં જંગી રેલી કાઢી










