વડતાલ સ્વામિનારાયણ મંદિરના 2 સંતોએ 1.25 કરોડની ઠગાઈ કરી!

વડતાલ સ્વામિનારાયણ મંદિરના બે સંતોએ ડાકોરમાં મંદિર બનાવવાનું કહી નિવૃત્ત શિક્ષણ અધિકારી સાથે 1.25 કરોડની છેતરપિંડી આચરી.
vadtal swaminarayan saint 1 25 crore fraud

રાજકોટ: ડાકોરમાં 300થી 400 વીઘા જમીનમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળા બનાવવાના નામે નિવૃત્ત શિક્ષણાધિકારી પાસેથી ₹1.25 કરોડ પડાવી લેવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી અને દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી સહિત 5 વ્યક્તિઓ સામે રાજકોટ શહેરની આર્થિક ગુના નિવારણ શાખા (EOW) દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, આફ્રિકાથી મંદિર માટે કરોડો રૂપિયાનું દાન આવવાનું હોવાનું કહી જમીન ખરીદીમાં રોકાણ કરાવવાની લાલચ આપવામાં આવી હતી. દાન આપનાર વ્યક્તિને જમીનનું અસલ સાટાખત બતાવવાનું હોવાનું કહી ફરિયાદી પાસેથી દસ્તાવેજ પણ લઈ લેવામાં આવ્યો હતો. જોકે, વર્ષો વીતી ગયા છતાં ન તો જમીનનો દસ્તાવેજ થયો કે ન તો રોકાણ કરેલા રૂપિયા પરત મળ્યા.

5 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો

ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદના ચિંતન અશ્વિનભાઈ પરમાર, અંકલેશ્વરના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી, આણંદના દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા અને ડાકોરના જેકીકુમાર શરદભાઈ રામીનાં નામ આપવામાં આવ્યાં છે.

ચોટીલાના નિવૃત્ત શિક્ષણાધિકારી નરસિંહ લઘરભાઈ વાઢેરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ વર્ષ 2004-05 દરમિયાન મોરબીના શિક્ષણ વિભાગમાં નોકરી કરતા હતા. તે સમયે રાજકોટથી મોરબી અપડાઉન દરમિયાન તેમની ઓળખ ભાવેશ પરમાર સાથે થઈ હતી. ભાવેશની મોરબીની કાપડની દુકાને ચિંતન પરમાર પણ આવતા હતા. ચિંતન જમીન-મકાનની દલાલીનું કામ કરતા હોવાથી તેમની સાથે ફરિયાદીની ઓળખાણ થઈ હતી.

મંદિર પ્રોજેક્ટમાં રોકાણ અને સારા વળતરની લાલચ આપી

ફરિયાદ મુજબ, મે 2020માં ચિંતન પરમારે ફોન કરીને ડાકોરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો 400 વીઘા જેટલી જમીનમાં ભવ્ય મંદિર બનાવવા માગતા હોવાનું જણાવ્યું હતું. આ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી સંતો સાથે મુલાકાત કરાવવાની વાત કરી હતી. ત્યારબાદ ફરિયાદીએ પોતાના મિત્ર વિપુલ મનસુખભાઈ કાપડીયાને ભાગીદાર બનાવી રોકાણ કરવાની તૈયારી દર્શાવી હતી.

ચિંતન ફરિયાદીને રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરે લઈ ગયો હતો. ત્યાં માધવપ્રિય સ્વામી, દર્શન પ્રકાશ સ્વામી અને લાલજી બાવભાઈ ઢોલા સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ, બંને સંતોએ ડાકોરના સૂઇ અને સૈયત ગામમાં મહુધા રોડ પર 300થી 400 વીઘા જમીન ખરીદીને મંદિર તથા ગૌશાળા બનાવવાની યોજના હોવાનું જણાવ્યું હતું.

સંતોએ આફ્રિકાથી મોટા પ્રમાણમાં દાન આવવાનું હોવાનું કહી જમીન સીધી ખરીદવાને બદલે ફરિયાદી અને તેમના ભાગીદારના નામે ખરીદવાની દરખાસ્ત મૂકી હતી. તેમના જણાવ્યા મુજબ, સીધી જમીન ખરીદવામાં ખેડૂતો વધુ કિંમત માગી શકે છે, જ્યારે ફરિયાદી પોતાના નામે સાટાખત કરાવશે તો તેમને જમીનની રકમ ઉપરાંત સારું કમિશન પણ આપવામાં આવશે.

354 વીઘા જમીનનો સોદો નક્કી થયો

ફરિયાદમાં જણાવ્યા મુજબ, લાલજી ઢોલાએ પોતે વડતાલ મંદિરના ખજાનચી તરીકે કામ કરતા હોવાનું જણાવી રોકાણની રકમ પરત અપાવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ ચિંતન અને લાલજી ફરિયાદીને ડાકોરના ખેડૂત જેકીકુમાર રામી પાસે લઈ ગયા હતા. ત્યાં સૂઇ અને સૈયત ગામની જમીન બતાવવામાં આવી હતી. જમીનના 7/12 અને 8-અના ઉતારા પણ બતાવવામાં આવ્યા હતા.

જમીનના કાગળો તપાસ્યા બાદ કુલ આશરે 354.70 વીઘા જમીન ખરીદવાનો સોદો નક્કી થયો હતો. ફરિયાદ મુજબ, જમીનનો સોદો નક્કી કરવા માટે જેકી રામીને પ્રથમ ₹1 લાખ રોકડા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ બાકીની રકમમાંથી ₹1.25 કરોડ રોકડા આપવાની વાત થઈ હતી.

8 જૂન, 2020ના રોજ ફરિયાદી, તેમનો દીકરો, ભાગીદાર, ભત્રીજો, દીકરાનો મિત્ર, ચિંતન પરમાર અને લાલજી ઢોલા ડાકોર ગયા હતા. ત્યાં જેકી રામીને જમીન ખરીદી પેટે ₹1.24 કરોડ રોકડા આપવામાં આવ્યા હતા. આ સમગ્ર વ્યવહારનો વીડિયો દીકરાના મિત્ર ગૌરાંગ ઘોરડાએ મોબાઇલમાં ઉતાર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

અસલ સાટાખત સંતોએ પોતાની પાસે રાખ્યું

રોકડ રકમ આપ્યા બાદ જેકી રામીએ ₹300ના સ્ટેમ્પ પેપર પર ફરિયાદી અને તેમના ભાગીદારના નામે જમીન વેચાણ અંગેનું સમજૂતી લખાણ એટલે કે સાટાખત કરી આપ્યું હતું. તેમાં બાકીના રૂપિયા 8 મહિનામાં ચૂકવવાના અને ત્યારબાદ જમીનનો દસ્તાવેજ કરી આપવાનો ઉલ્લેખ હતો.

જેકીએ જમીનની માપણીશીટ, ટાઇટલ ક્લિયર ફાઇલ અને જાહેર નોટિસ 15 દિવસમાં આપવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ફરિયાદી અસલ સાટાખત લઈને પાનોલી ખાતે માધવપ્રિય અને દર્શન પ્રકાશ સ્વામીને મળવા ગયા હતા. ફરિયાદ મુજબ, માધવપ્રિય સ્વામીએ આફ્રિકાથી દાન આપનાર વ્યક્તિને બતાવવા માટે અસલ સાટાખત પોતાની પાસે રાખવાની માગણી કરી હતી. સંપ્રદાયના અન્ય સ્વામીને પણ તે બતાવવાનું હોવાનું કહી તેમણે દસ્તાવેજ લઈ લીધો હતો. સંતોએ 10 દિવસમાં આફ્રિકાથી દાન આવી જશે અને ત્યારબાદ ફરિયાદીને રોકાણની રકમ, જમીનના બાકીના રૂપિયા તથા વધારાનું કમિશન પરત આપી દેવાની ખાતરી આપી હતી.

ક્યારેક FCR તો ક્યારેક દાન ન મળ્યાનું બહાનું

ફરિયાદી દ્વારા રકમ અંગે પૂછપરછ કરવામાં આવતાં શરૂઆતમાં સંતોએ આફ્રિકા જવાનું બાકી હોવાનું કહ્યું હતું. ત્યારબાદ દાન આવી ગયું છે, પરંતુ FCR સર્ટિફિકેટ મેળવવાનું બાકી છે અને સર્ટિફિકેટ મળ્યા બાદ જ દાનની રકમ ઉપાડી શકાશે તેમ જણાવ્યું હતું.

થોડા સમય બાદ માધવપ્રિય સ્વામીએ આફ્રિકાથી દાન આપવાનું વચન આપનાર વ્યક્તિએ દાન આપ્યું ન હોવાનું કહી જમીન ખરીદવાનો ઇનકાર કર્યો હતો. તેમણે ફરિયાદીને પોતાના રૂપિયા જેકી રામી પાસેથી પરત મેળવી લેવાનું કહ્યું હતું.

જોકે, ફરિયાદી જેકી રામી પાસે રૂપિયા માગવા ગયા ત્યારે તેમણે 8 મહિનાની મુદતમાં બાકીના ₹1.51 કરોડ ચૂકવવામાં આવ્યા ન હોવાથી હવે રૂપિયા પરત આપવાના થતા નથી તેમ કહી દીધું હોવાનો આક્ષેપ છે. ફરિયાદીએ લોકડાઉનના કારણે સમયસર રકમ ચૂકવી ન શકાઈ હોવાનું અને સંતોએ પણ જમીન લેવાની ના પાડી હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં જેકીએ રૂપિયા પરત આપવાનો ઇનકાર કર્યો હતો.

2023માં પોલીસમાં અરજી, છતાં સમજૂતીનું પાલન નહીં

ફરિયાદીનો આક્ષેપ છે કે વારંવાર સંપર્ક કરવા છતાં આરોપીઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. અસલ સાટાખત અને રોકાણ કરેલા ₹1.25 કરોડ પણ પરત ન મળતાં તેમણે ફેબ્રુઆરી 2023માં ડાકોર પોલીસ સ્ટેશનમાં જેકી રામી અને ચિંતન પરમાર વિરુદ્ધ લેખિત અરજી કરી હતી.

પોલીસની કાર્યવાહી દરમિયાન થયેલી બેઠકમાં અગાઉના 354.70 વીઘા જમીનના સાટાખતને રદ કરીને ₹1.25 કરોડની કિંમત જેટલી જમીનનું ટાઇટલ ક્લિયર કરાવી રજિસ્ટર્ડ દસ્તાવેજ કરી આપવાની નવી સમજૂતી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જોકે, આ સમજૂતી મુજબ પણ આજદિન સુધી જમીનનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો નથી કે રોકાણની રકમ પરત કરવામાં આવી નથી.

આ સમગ્ર મામલે હવે રાજકોટ શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ 5 વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની સત્યતા તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચોઃ સ્વામિનારાયણના સંતોએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું, ‘અમે હિંદુ નથી!‘

આ પણ વાંચોઃ BAPS ના મહિલાદ્વેષી કટ્ટરવાદે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને લજવ્યું! 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x