રાજપીપળા: નર્મદા જિલ્લાના રાજપીપળામાં જનનાયક ધરતી આબા બિરસા મુંડાની 151મી જન્મજયંતીની સ્વયમ્ સૈનિક દળ (SSD) દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 15 નવેમ્બર, 2026ના રોજ યોજાયેલા આ રાજ્યસ્તરીય કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશનાં 5 રાજ્યોમાંથી SC, ST, OBC અને લઘુમતી સમાજના હજારો લોકો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમની શરૂઆત 3 કિલોમીટર લાંબી મહારેલીથી થઈ હતી. ત્યારબાદ મહાસભા અને મહાસલામીનું આયોજન કરવામાં આવ્યું હતું.
કડક શિસ્ત અને નિર્ધારિત ડ્રેસ કોડમાં આવેલા સૈનિકોએ ધખધખતા તડકામાં પણ આશરે 5 કલાક સુધી મહાસભામાં હાજરી આપીને એકતા અને સંગઠનનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે જાતિવાદ, કોમવાદ, પાખંડવાદ અને બંધારણીય અધિકારોના મુદ્દે વક્તાઓએ આક્રમક વિચારો રજૂ કર્યા હતા.

રાજા ભીલ અને બાબાસાહેબની પ્રતિમાને મહાસલામી
સ્વયમ્ સૈનિક દળની શિસ્તબદ્ધ પદ્ધતિ પ્રમાણે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સૈનિકો નિર્ધારિત ડ્રેસ કોડમાં જોડાયા હતા. કાર્યક્રમના પ્રારંભે રાજપીપળામાં 3 કિલોમીટર લાંબી મહારેલી કાઢવામાં આવી હતી. રેલી રાજા ભીલ સર્કલથી શરૂ થઈ હતી, જ્યાં સૈનિકોએ મહાનાયક રાજા ભીલની પ્રતિમાને મહાસલામી આપી હતી. ત્યારબાદ રેલી આગળ વધી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી હતી. અહીં પણ પ્રતિમાને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ મહારેલી મહાસભામાં ફેરવાઈ હતી. આ પ્રસંગે સ્વયમ્ સૈનિક દળની બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. શિસ્તબદ્ધ રેલી, મહાસલામી અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો.
5 રાજ્યોમાંથી SC, ST, OBC અને લઘુમતી સમાજના લોકો ઉમટ્યા
આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ લોકો જોડાયા હતા. SC, ST, OBC અને લઘુમતી સમાજના હજારો લોકોએ હાજરી આપી હતી. આયોજકોના જણાવ્યા પ્રમાણે, કાળઝાળ ગરમી હોવા છતાં લોકો આશરે 5 કલાક સુધી મહાસભામાં શાંતિપૂર્વક બેઠા રહ્યા હતા.
સૈનિક મહેશભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘અમે ભીડ બનવા નહીં, ઇતિહાસ બનાવવા નીકળ્યા છીએ.’ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોનો ઉત્સાહ અને શિસ્તબદ્ધ ભાગીદારી આ સંદેશને ઉજાગર કરતી હોવાનું આયોજકોનું કહેવું હતું.
બિરસા મુંડાના સંઘર્ષ અને બલિદાનને યાદ કરાયા
મહાસભામાં વિવિધ વક્તાઓએ ધરતી આબા બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને બલિદાન અંગે વાત કરી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે બિરસા મુંડાએ નાની ઉંમરમાં જ આદિવાસી અને મૂળનિવાસી સમાજના અધિકારો, જળ, જંગલ અને જમીનના રક્ષણ માટે સંઘર્ષ કર્યો હતો. માત્ર 25 વર્ષની વયે તેમનું અવસાન થયું હોવા છતાં તેમના વિચારો અને સંઘર્ષની પ્રેરણા આજે પણ કરોડો લોકો માટે જીવંત છે.

વક્તાઓએ બિરસા મુંડાના જીવનમાંથી સ્વાભિમાન, સંઘર્ષ અને પોતાના સમાજના હિત માટે અડીખમ રહેવાની પ્રેરણા લેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, બિરસા મુંડા જેવા મહાનાયકોને કોઈ એક જ્ઞાતિ કે સમાજ પૂરતા મર્યાદિત રાખવાને બદલે સમગ્ર મૂળનિવાસી સમાજની સહિયારી ધરોહર તરીકે સન્માન આપવા જોઈએ.
આ પણ વાંચોઃ GPSCનો બૌદ્ધિક જાતિવાદ હવે નહીં ચલાવી લઈએ : SSD
‘જાતિવાદ ખતમ નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે’
મહાસભામાં વક્તાઓએ દેશના બંધારણીય અધિકારો અને સામાજિક અસમાનતાના મુદ્દે પણ રજૂઆતો કરી હતી. વક્તાઓએ આક્ષેપ કર્યો હતો કે આઝાદીનાં વર્ષો વીતી ગયા હોવા છતાં બંધારણમાં આપવામાં આવેલા અધિકારો અને જોગવાઈઓનો પૂરેપૂરો અમલ થતો નથી. બંધારણીય જોગવાઈઓને નબળી પાડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
મંચ પરથી સૈનિકોએ જણાવ્યું હતું કે, દેશમાંથી કોમવાદ, જાતિવાદ, પ્રદેશવાદ, ધર્મવાદ અને પાખંડવાદ નાબૂદ નહીં થાય ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. બિરસા મુંડાના વિચારો આ લડત માટે સતત પ્રેરણા આપતા રહેશે તેમ પણ જણાવાયું હતું.
આ પણ વાંચોઃ GPSC માં હવે ભાજપના ઝંડા લગાવનારા ઈન્ટરવ્યૂ લેશે!
અધિકારો સાથે ચેડાં થશે તો આંદોલન ઉગ્ર બનાવવાની ચેતવણી
કાર્યક્રમમાં સમાજના અધિકારો અને સ્વાભિમાન અંગે આક્રમક નિવેદનો પણ કરવામાં આવ્યાં હતાં. વક્તાઓએ પોતાને પ્રકૃતિવાદી અને માનવતાવાદી ગણાવી અત્યાર સુધી કોઈને નુકસાન ન પહોંચાડ્યું હોવાનું જણાવ્યું હતું. જોકે, સમાજની સંસ્કૃતિ, ઓળખ, સ્વાભિમાન અને બંધારણીય અધિકારો પર હુમલો થશે અથવા અત્યાચાર કરવામાં આવશે તો તેનો મજબૂત વિરોધ કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપી હતી.
‘બંધારણીય અધિકારો સાથે ચેડાં થશે તો ઈંટનો જવાબ પથ્થરથી આપીશું’ તેવો હુંકાર મંચ પરથી કરવામાં આવ્યો હતો. સાથે જ વક્તાઓએ સ્પષ્ટ કર્યું હતું કે તેમની લડત હિંસાનો માર્ગ અપનાવવાની નહીં, પરંતુ બાબાસાહેબ આંબેડકરે બતાવેલા બંધારણીય અને માનવતાવાદી માર્ગે આગળ વધવાની છે. અધિકારો પર થતા કોઈપણ હુમલાનો વિરોધ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ કલોલના રિક્ષાચાલકના ગ્રુપે અનેક યુવાનોને સરકારી નોકરી અપાવી













