ખેડૂતો 3 મહિના કામ કરે છે, 9 મહિના દારૂ પીવે છેઃ ભાજપ સાંસદ

ભાજપના સાંસદે જાહેર મંચ પરથી કહ્યું, ખેડૂતો વર્ષમાં માત્ર 3 મહિના કામ કરે છે બાકીના 9 મહિના જુગાર રમવામાં, ગુટખા ખાવામાં, દારૂ પીવામાં પસાર કરે છે.
દલિત સમાચાર

ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાએ ખેડૂતો અંગે એવી જ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, જેના કારણે તેમને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સાંસદે કહ્યું કે આજનો ખેડૂત વર્ષમાં માત્ર 3 મહિના કામ કરે છે, જ્યારે બાકીના 9 મહિના જુગાર રમવામાં, ગુટખા ખાવામાં, દારૂ પીવામાં અને ‘જય ભોલે’ કરવામાં પસાર કરે છે. ખેડૂતોની મહેનતનું આ રીતે અપમાન થતાં ખેડૂત સંગઠનો અને કોંગ્રેસે સાંસદની આકરી ઝાટકણી કાઢી છે. વિવાદ વકરતાં આખરે સાંસદે વીડિયો જાહેર કરીને માફી માગવી પડી છે. દેશના ખેડૂતો દિવસ-રાત મહેનત કરીને દેશનું પેટ ભરે છે. કાળઝાળ ગરમી હોય, કડકડતી ઠંડી હોય કે વરસાદની મુશ્કેલી, ખેડૂત ખેતરમાં પરસેવો પાડીને અનાજ પકવે છે. પરંતુ ખેડૂતોની આ મહેનત અને સંઘર્ષને સમજવાની જવાબદારી ધરાવતા જનપ્રતિનિધિ જ જો તેમનું અપમાન કરે તો તેનાથી વધુ શરમજનક શું હોઈ શકે?

ખેડૂતો 3 મહિના કામ કરે છે, બાકીના 9 મહિના દારૂ પીએ છે!

આ સમગ્ર વિવાદ 9 નવેમ્બરે મધ્યપ્રદેશના મૌગંજમાં યોજાયેલા ગોવર્ધન પૂજાના કાર્યક્રમમાંથી શરૂ થયો હતો. કાર્યક્રમ દરમિયાન ભાજપ સાંસદ જનાર્દન મિશ્રાએ ખેડૂતો અંગે ટિપ્પણી કરી હતી. તેમના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે હોબાળો મચ્યો હતો.

વાયરલ વીડિયોમાં સાંસદ એવું કહેતા સંભળાય છે કે આજનો ખેડૂત વર્ષમાં માત્ર 3 મહિના કામ કરે છે, જ્યારે બાકીના 9 મહિના તાશ રમે છે, રાજશ્રી ગુટખા ખાય છે, દારૂની બોટલ પીએ છે, ચોંગા પીએ છે અને ‘જય ભોલે’ કરે છે.

સવાલ એ છે કે શું ખેતી માત્ર વાવણી અને લણણી પૂરતી જ મર્યાદિત છે? ખેડૂતને આખું વર્ષ ખેતરની દેખરેખ રાખવી પડે છે. બિયારણ, ખાતર, સિંચાઈ, નિંદામણ, જીવાતો સામે રક્ષણ, પાકની કાપણી અને આગામી સિઝનની તૈયારી સહિત અનેક જવાબદારીઓ નિભાવવી પડે છે. આ ઉપરાંત રખડતાં ઢોરથી પાક બચાવવો અને ખેતી માટે જરૂરી સાધનો તથા સામગ્રીની વ્યવસ્થા કરવી પણ ખેડૂતો માટે મોટો પડકાર છે. આવી વાસ્તવિકતાઓને અવગણીને ખેડૂતોને 9 મહિના તાશ રમતા અને દારૂ પીતા ગણાવવા એ તેમની મહેનતનું અપમાન છે.

ખેડૂત સંગઠનોનો વિરોધ, FIRની માંગ ઉઠી

ભાજપ સાંસદના નિવેદન સામે નેશનલ કિસાન મજૂર મહાસંઘે વિરોધ નોંધાવ્યો છે. સંગઠને જનાર્દન મિશ્રા જાહેરમાં ખેડૂતોની માફી માગે તેવી માંગ કરી છે. મહાસંઘના મૌગંજ જિલ્લા પ્રમુખ નરેન્દ્ર સિંહે સાંસદના નિવેદન સામે સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે ખેડૂતો આખું વર્ષ ખેતીના કામમાં વ્યસ્ત રહે છે. માત્ર 3 મહિના કામ કરતા હોવાનો દાવો વાસ્તવિકતાથી વેગળો છે.

ખેડૂતોની સમસ્યાઓ સમજ્યા વિના આવી ટિપ્પણી કરવી યોગ્ય નથી. ખેડૂતોને રખડતાં પશુઓથી પાક બચાવવો પડે છે, ખાતર અને બિયારણની વ્યવસ્થા કરવી પડે છે અને હવામાનની અનિશ્ચિતતા વચ્ચે ખેતી કરવી પડે છે.

બીજી તરફ, કેટલાક ખેડૂતોએ સાંસદ સામે FIR નોંધાવવાની માંગ સાથે પોલીસનો સંપર્ક કર્યો છે. સંયુક્ત કિસાન મોરચાએ પણ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. મંગળવારે સંગઠનના પ્રતિનિધિઓએ રીવાના પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપીને જનાર્દન મિશ્રા સામે FIR નોંધવાની માંગ કરી હતી. સંગઠને રાષ્ટ્રપતિ અને લોકસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરીને સાંસદનું લોકસભાનું સભ્યપદ રદ કરવાની માંગ કરવાની પણ જાહેરાત કરી છે.

કોંગ્રેસે કહ્યું, ‘પછાત માનસિકતા અને બેશરમીની પરાકાષ્ઠા’

ભાજપ સાંસદના નિવેદનને લઈને કોંગ્રેસે પણ આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ રાજે આ ટિપ્પણીને ‘પછાત માનસિકતા અને બેશરમીની પરાકાષ્ઠા’ ગણાવી હતી. તેમણે સવાલ કર્યો હતો કે કોઈ જનપ્રતિનિધિ ખેડૂતો માટે આટલા અપમાનજનક શબ્દો કેવી રીતે વાપરી શકે?

આ પણ વાંચોઃ ડૉ.આંબેડકરની પ્રતિમા અનાવરણ પહેલા ખંડિત, ભાજપ નેતાએ કહ્યું, ‘હાથ કાપી લાવો..’

ખેડૂતો દેશની અર્થવ્યવસ્થાનો મહત્વનો આધાર છે. તેમના પરિશ્રમથી જ અનાજનું ઉત્પાદન થાય છે અને કરોડો લોકોનું જીવન ચાલે છે. આવા સમયે ખેડૂતોની મુશ્કેલીઓ સમજવાને બદલે તેમના વિશે અપમાનજનક ટિપ્પણી કરવી જનપ્રતિનિધિની જવાબદારી સામે પણ સવાલ ઊભા કરે છે. અહેવાલો અનુસાર, ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓએ પણ આ નિવેદનને લઈને સાંસદને ઠપકો આપ્યો હોવાનું કહેવાય છે.

વિવાદ વધતાં સાંસદે વીડિયો જાહેર કરી માફી માગી

ચારે તરફથી વિરોધ અને ટીકા થયા બાદ બુધવારે જનાર્દન મિશ્રાએ વીડિયો જાહેર કરીને માફી માગી હતી. તેમણે પોતાની સફાઈમાં કહ્યું કે તેઓ પોતે પણ ખેડૂત પરિવારમાંથી આવે છે અને ખેડૂતોની મુશ્કેલીઓ, ખેતીની સમસ્યાઓ તથા તેમની જરૂરિયાતોથી સારી રીતે પરિચિત છે.

તેમણે દાવો કર્યો કે તેમના ભાષણના વીડિયોને સંદર્ભથી અલગ કરીને રજૂ કરવામાં આવ્યો છે, જેના કારણે તેમના નિવેદનનો ખોટો અર્થ નીકળ્યો છે. જો તેમના નિવેદનથી કોઈ ખેડૂત ભાઈની લાગણી દુભાઈ હોય તો તેમણે માફી માગી હતી. ખેડૂતોનું અપમાન કરવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો એવો ખુલાસો પણ કર્યો હતો.

આ પણ વાંચોઃ કટ્ટા નિકાલો, ઈસકો ગાડી મેં ડાલો’ ભાજપ નેતાએ દલિત યુવકને ફટકાર્યો

વિવાદિત નિવેદનોને કારણે અગાઉ પણ ચર્ચામાં આવ્યા હતા

જનાર્દન મિશ્રા અગાઉ પણ પોતાના નિવેદનોને કારણે વિવાદમાં આવ્યા છે. ઓગસ્ટ મહિનામાં રીવા એરપોર્ટ પર નવી ફ્લાઇટ સેવાઓના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન તેમણે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો વિરોધ કરનારાઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે દલીલ કરી હતી કે ભારત પોતાની જરૂરિયાતનું માત્ર 20 ટકા ક્રૂડ ઓઇલ જ દેશમાં ઉત્પન્ન કરે છે અને બાકીના 80 ટકા માટે અન્ય દેશો પર નિર્ભર છે.

વર્ષ 2022માં જળ સંરક્ષણ અંગેના એક કાર્યક્રમમાં પણ તેમણે વિચિત્ર નિવેદન આપ્યું હતું. નદી, નાળા અને તળાવો સુકાઈ રહ્યાં હોવાની વાત કરતાં તેમણે પાણી બચાવવા માટે જળવેરો ભરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ દરમિયાન દારૂ પીવો, ગુટખા ખાવો કે થિનર સૂંઘવું હોય તો ભલે કરો, પરંતુ પાણી માટે ટેક્સ ભરવો પડશે એવી ટિપ્પણી પણ કરી હતી.

વર્ષ 2019માં પણ એક જાહેર મંચ પરથી તેમણે એક IAS અધિકારીને જીવતા દાટી દેવાની ધમકી આપતું નિવેદન આપ્યું હતું. અધિકારી ગેરકાયદે કોલોનીમાં રહેતા લોકો પાસેથી પૈસા માગે તો તેમને બોલાવવાનું કહેતાં તેમણે આ વિવાદાસ્પદ વાત કરી હતી.

હવે ખેડૂતો અંગેની તાજેતરની ટિપ્પણીને કારણે ફરી એકવાર ભાજપ સાંસદ વિવાદમાં સપડાયા છે. જોકે, અહીં સૌથી મોટો સવાલ એ છે કે ખેડૂતોની મહેનત અને મુશ્કેલીઓથી વાકેફ હોવાનો દાવો કરનાર જનપ્રતિનિધિ જાહેર મંચ પરથી આવી ટિપ્પણી કેવી રીતે કરી શકે? માફી માગવાથી વિવાદ શાંત થઈ શકે, પરંતુ ખેડૂતોના પરિશ્રમનું અપમાન થયું હોવાની લાગણીને અવગણી શકાય નહીં.

આ પણ વાંચોઃ ભાજપ નેતાએ ટીવી ડિબેટમાં પૂજારીને ચપ્પલથી ફટકાર્યા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x