દેશમાં એક બાજુ યુજીસીના નવા નિયમોને લઈને મનુવાદીઓ એસસી, એસટી, ઓબીસી સમાજ વિરુદ્ધ રસ્તા પર ઉતરી હોબાળો મચાવી રહ્યાં છે. બીજી તરફ દલિતો પર અત્યાચારો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યાં. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે દલિતોના લગ્નોમાં હુમલાની ઘટનાઓ પણ વધી ગઈ છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં મંગળવારની રાત્રે બની હતી.
અહીંના ઉરેના વાસમાં એક દલિત યુવતીની જાનને રોકીને હુમલો કરવામાં આવ્યો હતો. લગ્નના હરખના માહોલમાં અચાનક પથ્થરમારો, લાઠીચાર્જ અને હવામાં ગોળીબાર થતા જાનૈયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વિવાદ ડીજે પર ડાન્સ કરવા જેવી સામાન્ય બાબતમાંથી વકર્યો હતો, જેણે જોતજોતામાં જાતિવાદનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

મામલો શું હતો?
મંગળવારે રાત્રે તેજપાલની પુત્રી મંજુની જાન અલીગઢથી ઉરેના ગામમાં આવી પહોંચી હતી. લગ્નનો માહોલ જામ્યો હતો અને જાન આગળ વધી રહી હતી. બરાબર તે જ સમયે, એ જ ગામમાં રહેતા દયારામના પુત્ર વિશાલના ઘરે સગાઈનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. શાક્ય પરિવારના આ સગાઈ સમારોહમાં ઘરની બહાર ડીજે વાગી રહ્યું હતું અને મહિલાઓ ડાન્સ કરી રહી હતી.

આ પણ વાંચો: ‘બોલ, હું તારો બાપ છું…’ કહી શાકભાજી વેચતા દલિત યુવકને ફટકાર્યો
આ દરમિયાન બાજુમાંથી પસાર થઈ રહેલી જાટવ (દલિત) સમાજની જાનના કેટલાક યુવાનો પણ તે જ ડીજેના તાલે ડાન્સ કરવા લાગ્યા હતા. શાક્ય પક્ષના લોકોએ બહારના લોકોના ડાન્સ કરવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો, જેનાથી બોલાચાલી શરૂ થઈ હતી.
હિંસક હુમલા બાદ હવામાં ફાયરિંગ કરાયું
વિવાદ વધતા શાક્ય પક્ષના લોકોએ ઉશ્કેરાઈને જાન પર હુમલો કરી દીધો હતો. કન્યાની ભાભી રાગિણીએ પોલીસ સમક્ષ અત્યંત ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, શાક્ય સમાજના લોકોએ અમારી જાનને અટકાવી હતી અને જાતિસૂચક અપશબ્દો કહી હડધૂત કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે હુમલાખોરોએ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ધમકી આપી હતી કે ‘આજે રાત્રે લગ્ન નહીં થવા દઈએ અને વરરાજાને અહીંથી આગળ વધવા નહીં દઈએ’. હુમલાખોરોએ પથ્થરમારો શરૂ કરતા કન્યાના પતિ અને સાસુને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. પરિવારને એવી પણ ધમકી આપવામાં આવી હતી કે તેમને રાતોરાત ઉપાડી લેવામાં આવશે.
પોલીસ હજુ પણ યોગ્ય કાર્યવાહી કરી રહી નથી
બીજી તરફ, શાક્ય પક્ષના ઘાયલ યુવક સંજેશના જણાવ્યા મુજબ, તેઓ તેમની ફોઈના ઘરે ભાત લઈને આવ્યા હતા અને જાનૈયાઓએ જબરદસ્તી ડાન્સ શરૂ કર્યો હતો. આ અથડામણમાં પથ્થરમારાને કારણે પુલકિત અને સંજેશ નામના બે વ્યક્તિઓ ઘાયલ થયા છે. દલિત પક્ષના લોકોએ આક્ષેપ કર્યો હતો કે હુમલાખોરોએ વરરાજાને ઘોડા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ હજુ પણ યોગ્ય કાર્યવાહી કરી રહી નથી.
આ પણ વાંચો: ‘પહેલા પ્રેમમાં પડે, પછી વહેમમાં પડે અને છેલ્લે ડેમમાં પડે…’
ગામમાં તણાવપૂર્ણ માહોલ
ઘટનાની ગંભીરતાને જોતા એટાના અપર પોલીસ અધિક્ષક શ્વેતાભ પાંડેએ જણાવ્યું હતું કે, પોલીસને 10 જાન્યુઆરીની રાત્રે આ ઘટનાની માહિતી મળી હતી. શાક્ય અને જાટવ સમાજ વચ્ચે લગ્નમાં ડાન્સ કરવા બાબતે થયેલી તકરાર હવે કાયદાકીય તપાસ હેઠળ છે. પોલીસે સ્થળ પર પહોંચીને બે શખ્સોની અટકાયત કરી છે. શાક્ય પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે અને દલિત પક્ષની રજૂઆતોની પણ ગહન તપાસ કરવામાં આવી રહી છે. હાલ ગામમાં તણાવપૂર્ણ શાંતિ છે અને વધારાનો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: દેશની હાઈકોર્ટોમાં સામાજિક અસંતુલન: 80% જજો ‘ઉચ્ચ’ જ્ઞાતિના










