રાજકીય મંચો અને જાહેર સભાઓ પર સામાજિક ન્યાય, સમાનતા અને દલિત અધિકારોની મોટી-મોટી વાતો કરતી કોંગ્રેસ પાર્ટીની અંદરનો કથિત જાતિવાદ અને ઊંચ-નીચનો ભેદભાવ ઉત્તર પ્રદેશના અલીગઢમાં શરમજનક રીતે સપાટી પર આવ્યો છે. અહીંના રેલવે રોડ સ્થિત કોંગ્રેસના જિલ્લા અને મહાનગર કાર્યાલયમાં આયોજિત એક સત્તાવાર સમીક્ષા બેઠક દરમિયાન પક્ષના એક વરિષ્ઠ પદાધિકારી અને જિલ્લા ઉપાધ્યક્ષે વાલ્મિકી સમાજમાંથી આવતા કોંગ્રેસ સેવા દળના પૂર્વ કાર્યાલય સચિવ પર ગુટખા ખાઈને થૂંક્યા હતા.
એટલું જ નહીં, પીડિત દલિત નેતાએ જ્યારે આ અપમાનજનક વર્તનનો પક્ષના કાર્યાલયમાં વિરોધ કર્યો, ત્યારે જિલ્લા ઉપાધ્યક્ષ અને તેના સાથીઓએ તેમને પક્ષના મુખ્ય કાર્યાલયની અંદર જ જ્ઞાતિસૂચક અપશબ્દો કહી, જૂતા-ચપ્પલ વડે બેરહેમીથી માર મારીને ધક્કા મારી બહાર કાઢી મૂક્યા હતા.

થૂંકવા બાબતે શરૂ થયેલો વિવાદ અને હિંસક હુમલો
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 28 જૂનના રોજ અલીગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડવા અને જિલ્લામાં પક્ષના સંગઠનના કામકાજની સમીક્ષા કરવા માટે પક્ષના રાષ્ટ્રીય સચિવ તૌકીર આલમની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. આ મહત્વની સમીક્ષા બેઠકમાં ભાગ લેવા માટે કોંગ્રેસ સેવા દળના પૂર્વ કાર્યાલય સચિવ સોનુ વાલ્મિકી, જિલ્લા ઉપાધ્યક્ષ શાહિદ ઉર્ફે ગુડ્ડુ અને પક્ષના નોઈડા પ્રભારી આલોક ગૌડ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ જ્યારે પક્ષના નેતાઓ પત્રકારો સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે આ હિંસક ઘટના ઘટી હતી.
આ પણ વાંચો: દલિત સગીરાને દુકાનદારે ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો
પીડિત સોનુ વાલ્મિકીએ પોતાની લેખિત ફરિયાદમાં ગંભીર આક્ષેપ કર્યો છે કે, “જ્યારે હું અપસરા સિનેમા સામે સુરેશ કચોરીવાળાની દુકાન પાસેથી પસાર થઈને કોંગ્રેસ કાર્યાલયની અંદર બેઠકમાં જવા રવાના થઈ રહ્યો હતો, ત્યારે ત્યાં અગાઉથી હાજર જિલ્લા ઉપાધ્યક્ષ શાહિદ ગુડ્ડુએ જાણીજોઈને મારા પર ગુટખાની પીક થૂંકી હતી. મેં જ્યારે પક્ષના વરિષ્ઠ નેતા સમજીને સભ્યતાથી કહ્યું કે, ‘ભાઈસાહેબ, જોઈને થૂંકો યાર…’, ત્યારે તેમણે અત્યંત અહંકારી અને અપમાનજનક લહેકામાં જવાબ આપ્યો કે, ‘થૂંકી દીધું તો થૂંકી દીધું, તને શું તકલીફ છે?'”
કાર્યાલયની અંદર દલિત નેતાની જૂતાથી પીટાઈ
પીડિત સોનુ વાલ્મિકીના જણાવ્યા અનુસાર, આ સામાન્ય વિવાદ બાદ શાહિદ ગુડ્ડુ અને તેના સમર્થકો ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે કાર્યાલયની અંદર સોનુ વાલ્મિકીને ચારેય તરફથી ઘેરીને પકડી લીધા હતા અને પોતાના પગમાંથી ચપ્પલ તેમજ જૂતા ઉતારીને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. સોનુ વાલ્મિકીએ જાતિવાદનો આક્ષેપ લગાવતા જણાવ્યું કે, “હું વાલ્મિકી સમાજમાંથી આવું છું, આ જ કારણે મને નીચો દેખાડવા અને સાર્વજનિક રીતે અપમાનિત કરવા માટે તેમણે જ્ઞાતિસૂચક શબ્દોનો ઉપયોગ કર્યો, ગંદી ગાળો આપી અને કાયમ માટે કાર્યાલયમાંથી ધક્કા મારી ભગાડી દીધો.” પોતાના આત્મસન્માન અને કાનૂની ન્યાય માટે તેમણે 29 જૂનના રોજ ગાંધીપાર્ક પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે, જોકે હજુ સુધી એફઆઈઆર નોંધાઈ નથી.

આ પણ વાંચો: અસામાજિક તત્વોએ ડો.આંબેડકરની પ્રતિમા પર ભગવા ઝંડા લગાવી દીધાં
આ વિવાદ જ્યારે વધી રહ્યો હતો ત્યારે શાહિદ ગુડ્ડુએ પૂછ્યું કે સોનુ અહીં કોની સાથે આવ્યો છે, ત્યારે ખબર પડી કે તે ગ્રેટર નોઈડાના કો-ઓર્ડિનેટર આલોક ગૌડ સાથે આવ્યો છે. આ સાંભળતા જ ગુસ્સામાં શાહિદ ગુડ્ડુએ પક્ષના વરિષ્ઠ નેતા આલોક ગૌડને પણ જાહેરમાં જોરદાર લાફો મારી દીધો હતો અને તેમની સાથે પણ ભારે હાથાપાઈ કરી અપમાન કર્યું હતું. આલોક ગૌડે પણ સ્વીકાર્યું કે સોનુ પક્ષનો જૂનો અને વફાદાર કાર્યકર છે, પરંતુ શાહિદ તેને બહાનું કાઢીને ભાજપ અને આરએસએસનો માણસ કહીને ટાર્ગેટ કરી પીટી રહ્યો હતો.
આરોપી નેતાનો બચાવ
બીજી તરફ, આરોપી કોંગ્રેસ જિલ્લા ઉપાધ્યક્ષ શાહિદ ગુડ્ડુએ પોતાના પર લાગેલા આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી નકારી કાઢ્યા છે. તેમણે વળતો સામાજિક દાવો કર્યો છે કે થોડા દિવસો પહેલાં આલોક ગૌડ છર્રા વિધાનસભા માટે પક્ષના સત્તાવાર લેટર પેડની માંગણી કરી રહ્યો હતો. લેટર પેડ આપવાનો ઇનકાર કરાતા તેમણે મને જોઈ લેવાની ધમકી આપી હતી. રવિવારની સત્તાવાર બેઠકમાં સોનુ નામના વ્યક્તિએ આવીને લેટર પેડના વિવાદની અદાવતમાં મારી સાથે કાર્યાલયમાં મારામારી શરૂ કરી હતી અને મેં માત્ર મારો બચાવ કર્યો હતો.
શાહિદે આ આખા મામલાને પક્ષની શિસ્ત સમિતિ અને હાઈકમાન્ડ સમક્ષ પહોંચાડ્યો હોવાનું જણાવ્યું છે. જોકે, ગરીબો અને વંચિતોની સમાનતાની રાજનીતિ કરતી કોંગ્રેસના જ મુખ્ય મથકમાં દલિત નેતા પર થૂંકવા અને જૂતાથી માર મારવાની આ શરમજનક ઘટનાએ રાજકીય આલમમાં ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો: 14 ગૌરક્ષકોને સજા સંભળાવનાર મુસ્લિમ જજને ધમકી મળી, સુરક્ષા વધારાઈ











