ઉના કાંડના 10 વર્ષ: દલિત આગેવાનોની બેઠક મળી, રાજ્યવ્યાપી આંદોલનની તૈયારી

ઉના કાંડની ઘટનાને 10 વર્ષ પૂર્ણ થવાના છે, ત્યારે અમદાવાદમાં દલિત આગેવાનો અને સંગઠનોની મહત્વની બેઠક યોજાઈ, જેમાં રાજ્યવ્યાપી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ છે.
Una incident Preparations for big movement

અમદાવાદ: ગુજરાતના સામાજિક અને રાજકીય ઇતિહાસમાં દલિત આંદોલન માટે એક નવો વળાંક સાબિત થયેલી ચકચારી ‘ઉના કાંડ’ની ઘટનાને આગામી 11 જુલાઈના રોજ પૂરા 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એ દરમિયાન ન્યાય, સમાનતા અને બંધારણીય હક્કોના મુદ્દાઓને ફરી એકવાર રાજ્ય સ્તરે બુલંદ કરવા માટે દલિત સંગઠનો અને માનવ અધિકાર કાર્યકરો દ્વારા મોટા પાયે રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યાપક આંદોલનાત્મક કાર્યક્રમોની રણનીતિ ઘડવા અને પાયાની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે અમદાવાદના શાહીબાગ સ્થિત નવી એનેક્સી સર્કિટ હાઉસ ખાતે 28 જૂન, 2026ના રોજ બપોરે 2:00 કલાકે એક ઉચ્ચ સ્તરીય અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

દલિત આગેવાનો અને પીડિત પરિવારો ઉપસ્થિતિ રહ્યાં

આ બેઠકમાં ગુજરાતભરના અગ્રણી દલિત નેતાઓ, સામાજિક કાર્યકરો અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, મ્યુનિસિપલ કાઉન્સિલર હિતેન્દ્ર પીઠડીયા, ધ્રુવ કલાપી, કમલેશ કટારિયા, સુબોધ પરમાર, દીક્ષિત પરમાર, રાકેશ મહેરિયા, કિરીટ રાઠોડ, હેમતભાઈ શાહ, પી. કે. કલાપી, અલ્પેશ ચૌહાણ અને મનીષ સોંદરવા સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. આ બેઠકનું સૌથી મુખ્ય પાસું ઉના કાંડના મૂળ પીડિત પરિવારોના પ્રત્યક્ષ પ્રતિનિધિઓ વશરામભાઈ સરવૈયા અને બાલુભાઈ સરવૈયાની હાજરી હતી, જેમણે ન્યાય મેળવવા માટે વિતેલા એક દાયકાના પોતાના લાંબા અને કપરા સંઘર્ષની વિસ્તૃત ચર્ચા સભા સમક્ષ રજૂ કરી હતી.

Una incident Preparations for big movement

આ પણ વાંચો: નવસર્જનના બે કાર્યકરોએ 2 વર્ષમાં એટ્રોસિટીના 8 કેસોમાં ન્યાય અપાવ્યો!

ઘટનાનું મહત્વ અને વર્તમાન સામાજિક પડકારો

બેઠક દરમિયાન 11 જુલાઈ 2016ના રોજ બનેલી ઉના કાંડની ઘટનાના સામાજિક, બંધારણીય અને ઐતિહાસિક મહત્વ અંગે ગંભીરતાપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ આગેવાનોએ સર્વાનુમતે સ્વીકાર્યું હતું કે ઉના કાંડ માત્ર કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તાર પૂરતી સીમિત કે સામાન્ય ઘટના નહોતી, પરંતુ તેણે સમગ્ર દેશમાં સામાજિક સમાનતા, અસ્પૃશ્યતા નાબૂદી, માનવ ગૌરવ અને મૂળભૂત બંધારણીય અધિકારો પર એક વ્યાપક રાષ્ટ્રીય ચર્ચા ઊભી કરી હતી. આ આંદોલનાત્મક ઘટનાએ દલિત સમાજના પાયાના અને વણઉકેલાયેલા પ્રશ્નોને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મંચ પર ઉજાગર કર્યા હતા અને દેશમાં સામાજિક ન્યાય માટે લડાતી લડતોને એક સંગઠિત તેમજ નવી દિશા પ્રદાન કરી હતી.

સામાજિક આગેવાનોએ કઈ બાબત પર ચિંતા વ્યક્ત કરી?

જો કે, બેઠકમાં ઉપસ્થિત વક્તાઓએ એ બાબતે પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી કે આ ભયાનક ઘટનાના એક દાયકા બાદ પણ વર્તમાન સમયમાં દલિત સમાજ સામે વિવિધ સ્વરૂપે અત્યાચાર, છૂતાછૂતના ભેદભાવ, સામાજિક બહિષ્કાર અને માનવ અધિકારોના ઉલ્લંઘનના કિસ્સાઓ આજે પણ અવિરતપણે સામે આવી રહ્યા છે. આથી, ડૉ. બાબાસાહેબ આંબેડકરે ચીંધેલા બંધારણીય માર્ગ પર અડગ રહીને, સંપૂર્ણપણે લોકશાહી અને અહિંસક પદ્ધતિથી સમાજના અંતિમ વ્યક્તિ સુધી ન્યાય, સ્વતંત્રતા અને માનવ ગૌરવના મૂલ્યો પહોંચાડવા માટે વધુ મજબૂત અને વ્યાપક સંગઠન ઊભું કરવાની વર્તમાન સમયમાં તાતી જરૂરિયાત છે.

આ પણ વાંચો: ઉના કાંડમાં 10 વર્ષે ચુકાદોઃ 5 ગૌરક્ષકો દોષિત, 38 નિર્દોષ

Una incident Preparations for big movement

11 જુલાઈના રાજ્યવ્યાપી મહાકાર્યક્રમોની રૂપરેખા

લાંબી ચર્ચા-વિચારણાના અંતે બેઠકમાં સર્વાનુમતે મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે આગામી 11 જુલાઈએ ઉના કાંડના 10 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ગુજરાતમાં એક વિશાળ રાજ્ય કક્ષાનો મહાકાર્યક્રમ યોજવામાં આવશે. આ પ્રસ્તાવિત કાર્યક્રમમાં રાજ્યના ખૂણે-ખૂણેથી વિવિધ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ, દલિત યુવાનો, મહિલાઓ, બુદ્ધિજીવીઓ, વિદ્યાર્થીઓ અને માનવ અધિકાર કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થશે.

આ પણ વાંચો: લાખો કેસો પેન્ડિંગ છે ત્યારે UGC પર એક જ દિવસમાં નિર્ણય કેમ?

આ આખા આયોજનનો મુખ્ય હેતુ સામાજિક ન્યાયની સ્થાપના માટે દબાણ લાવવું, અત્યાચારગ્રસ્ત પરિવારોને વહેલામાં વહેલો કાનૂની ન્યાય અપાવવો, ભારતીય બંધારણના મૂલ્યોનું રક્ષણ કરવું અને સમાજમાં પરસ્પર ભાઈચારાની ભાવનાને વધુ સુદ્રઢ કરવાનો રહેશે. આ સાથે જ દલિત સમાજના વર્તમાન પડતર પ્રશ્નો અંગે સરકાર અને વહીવટી તંત્રનું ધ્યાન દોરવા માટે વિવિધ પ્રતીકાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

હાજર રહેલા તમામ વરિષ્ઠ આગેવાનોએ રાજ્યભરના ન્યાયપ્રેમી નાગરિકોને અપીલ કરી છે કે તેઓ 11 જુલાઈના આ લોકશાહી મહાઅભિયાનમાં મોટી સંખ્યામાં સક્રિયપણે જોડાય અને ભારતીય બંધારણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને મજબૂતાઈથી વ્યક્ત કરે. બેઠકના અંતે, સમાજને વધુ સંગઠિત બની આગળ વધવા આહ્વાન કરાયું હતું.

(વિશેષ માહિતીઃ કાંતિલાલ પરમાર, સામાજિક કાર્યકર)

આ પણ વાંચો: ન્યાય કે મજાક? ઉના કાંડમાં 10 વર્ષ બાદ 5 આરોપીને માત્ર 5 વર્ષની સજા!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x