વડોદરામાં બે પ્રોફેસરોના ત્રાસથી દલિત વિદ્યાર્થીએ ત્રીજા માળેથી પડતું મૂક્યું

વડોદરામાં બે પ્રોફેસરોના ત્રાસથી કંટાળી BAMSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા દલિત યુવકે ત્રીજા માળેથી પડતું મૂક્યું.
Vadodara Dalit student attempts suicide

દેશની યુનવર્સિટીઓ અને કોલેજોમાં દલિત, આદિવાસી, ઓબીસી વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા ભેદભાવને રોકવા લાવવામાં આવેલા યુજીસીના નવા નિયમોનો સવર્ણો વિરોધ કરી રહ્યાં છે ત્યારે વડોદરામાં BAMSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા દલિત યુવકે બે પ્રોફેસરોના ત્રાસથી કંટાળી ત્રીજા માળેથી પડતું મૂક્યું હોવાની ઘટના સામે આવી છે.

વડોદરાની પાયોનિયર કોલેજની ઘટના

વડોદરાની આજવા રોડ પર આવેલી પાયોનિયર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા એક તેજસ્વી દલિત વિદ્યાર્થીએ તેના જ પ્રોફેસરોના કથિત ત્રાસ અને માનસિક સતામણીના કારણે જીવન ટૂંકાવવાનો ગંભીર પ્રયાસ કરતા સમગ્ર વડોદરા શહેર અને શૈક્ષણિક આલમમાં ચકચાર મચી ગઈ છે.

વિસાવદરના યુવકે ત્રીજા માળેથી પડતું મૂક્યું

આ ઘટના જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોણીયા ગામના વતની ૧૯ વર્ષીય રોહન દિનેશભાઈ રાઠોડ સાથે બની છે. રોહન વડોદરામાં રહીને B.A.M.S. (બેચલર ઓફ આયુર્વેદ મેડિસિન એન્ડ સર્જરી) ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને ડોક્ટર બનીને સેવા કરવાનું સપનું સેવતો હતો. જોકે, કોલેજના જ બે જાતિવાદી પ્રોફેસરોના અમાનવીય વર્તને તેને આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરવા મજબૂર કર્યો હતો. રોહને કોલેજ બિલ્ડિંગના ત્રીજા માળેથી કૂદકો મારી દીધો હતો, જેના કારણે તેને શરીરે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી છે.

આ પણ વાંચો: સફાઈકર્મી મહિલાએ 45 લાખનું સોનું તેના માલિકને પરત કર્યું

કોલેજના બે પ્રોફેસરો જાતિના કારણે મહેણાં મારતા હતા

આ મામલે પીડિત વિદ્યાર્થી રોહનના કાકા સમીરભાઈ ડાહ્યાભાઈ રાઠોડે વડોદરાના કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જે વિગતો સામે આવી છે તે ચોંકાવનારી છે. ફરિયાદ મુજબ, કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા કોમલ મેડમ અને ઋષિકેશ સર (રહે. પાયોનિયર કોલેજ કેમ્પસ) દ્વારા રોહનને તેના અભ્યાસના શરૂઆતના દિવસોથી જ નિશાન બનાવવામાં આવ્યો હતો. રોહન અનુસૂચિત જાતિનો હોવાથી આ બંને પ્રોફેસરો તેને જાતિ આધારિત મેણાં-ટોણાં મારતા હતા અને સતત તેની મજાક ઉડાવતા હતા.

પ્રોફેસરો ભણતર બગાડી નાખવાની ધમકી આપતા હતા!

ફરિયાદમાં વધુમાં જણાવ્યા અનુસાર, આરોપી પ્રોફેસરો રોહનને માનસિક રીતે એટલી હદે હેરાન કરતા હતા કે તે સતત ડરના ઓથાર હેઠળ જીવતો હતો. ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં જાહેરમાં તેનું અપમાન કરવામાં આવતું હતું, જેથી તેની સ્વમાનની ભાવના ઘાયલ થઈ હતી. આટલું ઓછું હોય તેમ, તેને વારંવાર ધમકી આપવામાં આવતી હતી કે, “અમે તારું ભણતરનું આખું વર્ષ બગાડી દઈશું અને તને મેડિકલ પ્રોફેશનમાં આગળ વધવા નહીં દઈએ.” આ પ્રકારની કારકિર્દી ખતમ કરી નાખવાની ધમકીઓએ વિદ્યાર્થીને માનસિક રીતે તોડી પાડ્યો હતો.

આ પણ વાંચો: દલિત સગીર પર હુમલાનો વીડિયો વાયરલ થતા સ્કૂલે જવાનું બંધ કર્યું

પ્રોફેસરોએ જનરલ બૂકમાં સહી કરવાનો ઈનકાર કર્યો

શૈક્ષણિક પ્રક્રિયા દરમિયાન જ્યારે સબમિશનનો સમય આવ્યો, ત્યારે પણ આ ભેદભાવ ચાલુ રહ્યો હતો. પ્રોફેસરોએ રોહનની જનરલ બુકમાં સહી કરી આપવાનો ઈનકાર કર્યો હતો અને તેની જનરલ બુક ફેંકી દીધી હતી. આ અપમાન અને અન્યાયની પરાકાષ્ઠા હતી. રોહનને લાગ્યું કે તે ગમે તેટલી મહેનત કરશે તો પણ આ પ્રોફેસરો તેને પાસ થવા દેશે નહીં. આ માનસિક તણાવ અને અપમાન સહન ન થતા તેણે કોલેજના ત્રીજા માળે આવેલી બારીમાંથી પડતું મૂક્યું હતું.

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રોહનની હાલત નાજુક

ઘટના બાદ રોહનને લોહીલુહાણ હાલતમાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. તેની હાલત નાજુક હોવાથી અને પરિવાર તેની સારભાળ લઈ શકે તે હેતુથી તેને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યારે ચિંતાજનક હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: ‘ન્યાયતંત્રમાં હાલ ઈમરજન્સી કરતા પણ ખરાબ સ્થિતિ છે’ – યતીન ઓઝા

બંને પ્રોફેસરો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ

બીજી તરફ, કપુરાઈ પોલીસે આ મામલે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પ્રોફેસર કોમલ મેડમ અને રુષિકેશ સર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૫૪, ૩૫૧(૨) તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ ધારો (એટ્રોસિટી એક્ટ) ૧૯૮૯ (સુધારણા ૨૦૧૬) ની કલમ ૩(૧)(આર)(એસ) અને ૩(૨)૫-એ મુજબ ગુનો દાખલ કર્યો છે.

આ સંવેદનશીલ કેસની તપાસ SC-ST સેલના એસીપી સી.બી. સોલંકીને સોંપવામાં આવી છે. પોલીસ હવે કોલેજના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફની પૂછપરછ કરીને સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર શૈક્ષણિક સંસ્થાઓમાં થતા જાતિવાદ અને માનસિક શોષણના ગંભીર પ્રશ્નોને ઉજાગર કર્યા છે.

આ પણ વાંચો: દેશની યુનિવર્સિટીઓમાં જાતિગત ભેદભાવની ફરિયાદો 118 ટકા વધી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
8 hours ago

Aa Hindu jatankvadi sudhrvanu nam leta nathi,,, pan aane sabak jarur shikadvo joea,,

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x