Gujarat Final voter list released: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત સાડા ત્રણ માસ સુધી હાથ ધરવામાં આવેલી વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદ આજ રોજ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી હક્ક-વાંધા-દાવાઓ તા.19/12/2025થી 30/01/2026 દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તા.10મી ફેબ્રુઆરી,2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલ પણ કરવામાં આવ્યો હતો.
આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવાના પ્રસંગે મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાએ જણાવ્યું કે, મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી નિયત સમયમાં પૂર્ણ થાય તે માટે 34 જિલ્લા ચૂંટણી અધિકારી, 182 મતદાર નોંધણી અધિકારી, 855 સહાયક મતદાર નોંધણી અધિકારી, 50,963 BLO તથા અનેક સ્વંય સેવકોની સક્રિય સહભાગિતા રહી છે. રાજ્યના મતદારોનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે. મીડિયા, રાજકીય પક્ષો તથા અન્ય સંગઠનોનો પણ સહયોગ મળ્યો છે.જેના ફળ સ્વરૂપ નિયત સમયર્યાદામાં કુલ 5,08,43,436 મતદારો પૈકી 4,34,70,109 મતદારો પાસેથી ગણતરી ફોર્મ મળ્યા હતા.આ તમામ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજીટાઇઝેશન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: SIRમાં ગેરબંધારણીય શબ્દ દૂર કરવા કચ્છ મેઘવાળ સમાજ મેદાનમાં
યાદી તૈયાર કરવા માટે BLO દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા તથા બે જગ્યાએ મતદાર તરીકે નોધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યાં હતાં.મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયા પહેલા રાજ્યમાં કુલ 5,08,43,436 મતદાર નોંધાયેલા હતા.મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયાં બાદ કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 રહેવા પામી હતી અને આખરી મતદાર યાદીમાં 4,40,30,725 મતદારોના નામ રહેવા પામ્યા છે. આમ, મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ 5.60 લાખ મતદારોનો વધારો (Net Addition) આખરી મતદાર યાદીમાં થયો છે.

1 જાન્યુઆરી 2026ની લાયકાત તારીખને આધારે હાથ ધરાયેલી આ વિશેષ પુનઃપરીક્ષણ પ્રક્રિયામાં 30 જાન્યુઆરી સુધી દાવો-વાંધાની મુદત આપવામાં આવી હતી અને 10 ફેબ્રુઆરી સુધી અરજીઓના નિકાલ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. રાજ્યભરમાં કુલ 14,70,125 ફોર્મ પ્રાપ્ત થયાં હોવાનું ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે. નવા મતદાર તરીકે નામ નોંધાવવા 7 લાખ અરજી મળી આમાં ફોર્મ નં. 6 હેઠળ નવા મતદાર તરીકે નામ નોંધાવવા માટે 7,25,920 અરજી મળી છે, જ્યારે ફોર્મ નં. 7 હેઠળ નામ કમી કરવા માટે 1,83,235 અરજી પ્રાપ્ત થઈ છે. ફોર્મ નં. 8 હેઠળ વિગતોમાં સુધારા માટે 5,60,970 અરજી નોંધાઈ છે.
આ પણ વાંચો: કોડીનારમાં SIR પ્રક્રિયામાં 6700 મુસ્લિમોના નામ કમી કરી દેવાયા!











