એડવોકેટ પિયુષ જાદુગરને પ્રતિષ્ઠિત ‘રમણભ્રમણ સુવર્ણચંદ્રક’ એનાયત થશે

અંધશ્રદ્ધા વિરુદ્ધની લડત આપનાર યોદ્ધા એડવોકેટ પિયુષ જાદુગરને ‘રમણભ્રમણ સુવર્ણચંદ્રક’ એનાયત થશે. પિતા-પુત્ર બંનેને આ સન્માન પ્રાપ્ત થવાનો ઐતિહાસિક વિક્રમ રચાયો છે.
Piyush Jadugar awarded the Ramanabhraman Suvarna Chandrak

અમદાવાદ: ગુજરાતમાં તર્કવાદ (Rationalism) અને વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપતી અગ્રીમ સંસ્થા ‘સત્યશોધક સભા’ દ્વારા આ વર્ષના પ્રતિષ્ઠિત ‘રમણભ્રમણ સુવર્ણચંદ્રક’ માટે અમદાવાદના જાણીતા સિનિયર એડવોકેટ અને પ્રખર રેશનાલિસ્ટ પિયુષ જાદુગરની પસંદગી કરવામાં આવી છે. આગામી 22 માર્ચ, 2026ના રોજ અમદાવાદ ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં તેમને આ ચંદ્રક અર્પણ કરવામાં આવશે. આ જાહેરાત થતા જ રાજ્યભરના રેશનાલિસ્ટો, વિચારકો અને સામાજિક કાર્યકરોમાં આનંદની લહેર ફેલાઈ છે.

વારસામાં મળેલો તર્કવાદ: પિતા-પુત્રનો અનોખો સંગમ

‘રમણભ્રમણ સુવર્ણચંદ્રક’ના ઈતિહાસમાં આ એક અત્યંત વિરલ અને ગૌરવશાળી ઘટના છે. પિયુષભાઈના પિતા, સ્વ. ચતુરભાઈ ચૌહાણ (જાદુગર), જેઓ પોતે એક નીડર રેશનાલિસ્ટ હતા અને જેમણે પોતાનું સંપૂર્ણ જીવન સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા, વહેમ અને પાખંડી તત્વો સામેની લડતમાં હોમી દીધું હતું, તેમને પણ સત્યશોધક સભા દ્વારા આ જ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ, આ ચંદ્રકના ઇતિહાસમાં પ્રથમવાર પિતા અને પુત્ર બંનેને આ સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે.

આ પણ વાંચો: JNU ના વાઈસ ચાન્સેલરે દલિતોને ‘પીડિત માનસિકતા’થી ગ્રસ્ત ગણાવ્યા!

સામાન્ય રીતે પરંપરાગત પરિવારોમાં ગર્ભધારણથી જ બાળકની આસપાસ ધાર્મિક માન્યતાઓ થોપી દેવામાં આવતી હોય છે, પરંતુ પિયુષભાઈના કિસ્સામાં ચતુરભાઈએ એક આદર્શ રેશનાલિસ્ટ પિતા તરીકે તેમને સંપૂર્ણ વૈચારિક સ્વતંત્રતા આપી હતી. પિયુષભાઈએ કોઈના દબાણ વગર, પોતાની સૂઝબૂઝ અને તર્કશક્તિથી રેશનાલિઝમના માર્ગને પસંદ કર્યો અને તેને જ પોતાના જીવનનો મંત્ર બનાવ્યો છે.

Piyush Jadugar awarded the Ramanabhraman Suvarna Chandrak

પિયુષ જાદુગરઃ બહુમુખી શૈક્ષણિક પ્રતિભા

57 વર્ષીય પિયુષ જાદુગર માત્ર કાયદાના જ નિષ્ણાત નથી, પરંતુ તેમની શૈક્ષણિક સજ્જતા અદભૂત છે. ગુજરાત હાઈકોર્ટમાં સિનિયર એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરવાની સાથે તેમણે જર્નાલિઝમ, હ્યુમન રાઈટ્સ (માનવ અધિકાર), મીડિયેશન અને મેન્ટલ રોલ્સ (માનસિક ભૂમિકાઓ) માં ડિપ્લોમા મેળવેલા છે. તેમની આ વિષયોની પસંદગી પાછળનો હેતુ અત્યંત ઊંડો છે. તેઓ માનવ મગજની કામગીરી અને તે કઈ રીતે અંધશ્રદ્ધામાં ફસાય છે, તેનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવા માંગતા હતા. આ જ્ઞાનનો ઉપયોગ તેમણે લોકોની માનસિક ગુલામી છોડાવવા માટે કર્યો છે.

આ પણ વાંચો: હું જ ભગવાન છું, તમે દલિત છો, મંદિરમાંથી બહાર નીકળો’

લોકજાગૃતિનું ભગીરથ કાર્ય: 7,000 થી વધુ કાર્યક્રમો કર્યા

પિયુષભાઈએ પાલીતાણામાં ‘ચમત્કાર ચકાસણી કેન્દ્ર’ની સ્થાપના કરીને જનજાગૃતિનું અભિયાન છેડ્યું છે. અત્યાર સુધીમાં તેમણે ગુજરાતના ખૂણેખૂણે જઈને 7,000 થી વધુ પ્રાયોગિક કાર્યક્રમો આપ્યા છે. આ કાર્યક્રમોમાં તેઓ કહેવાતા ‘ચમત્કારો’ પાછળ છુપાયેલા હાથચાલાકી અને વિજ્ઞાનના નિયમોને ખુલ્લા પાડે છે. તેમના પિતા દ્વારા શરૂ કરવામાં આવેલી ‘1 કરોડ રૂપિયાની ઈનામી યોજના’ આજે પણ પિયુષભાઈએ ચાલુ રાખી છે. તેમણે જાહેર પડકાર ફેંક્યો છે કે, જો કોઈ પણ માઈનો લાલ ચમત્કારને વૈજ્ઞાનિક રીતે સાબિત કરી દે, તો તેને એક કરોડનું ઈનામ આપવામાં આવશે. આ પડકારે અનેક પાખંડીઓના વ્યવસાયો બંધ કરાવી દીધા છે.

કાળા જાદુ વિરોધી કાયદાના પ્રણેતા

રેશનાલિઝમ માત્ર ભાષણો પૂરતું સીમિત ન રહેતા તેને કાયદાકીય પીઠબળ મળે તે માટે પિયુષભાઈએ વર્ષો સુધી સંઘર્ષ કર્યો છે. તેમણે અશ્વિન કારીઆ અને ગિરીશ સુંઢીયા જેવા મહારથીઓ સાથે મળીને અંધશ્રદ્ધા વિરોધી કાયદાનો ખરડો તૈયાર કર્યો અને તેને સરકાર સમક્ષ રજૂ કર્યો. જ્યારે ‘બ્લેક મેજીક એક્ટ-2024’ અમલમાં આવ્યો, ત્યારે તેમણે ‘બ્લેક મેજીક એક્ટ-2024: ચમત્કારોનો પર્દાફાશ’ પુસ્તકનું સંપાદન કરી સામાન્ય માનવીને કાયદાકીય રક્ષણ વિશે જાગૃત કર્યા. આ ઉપરાંત તેમણે કાયદાને લગતા અન્ય ત્રણ મહત્વના પુસ્તકો પણ લખ્યા છે.

આ પણ વાંચો: લાખણીમાં PIના માતાપિતાની હત્યામાં અંધશ્રદ્ધા જવાબદાર નીકળી?

ગુજરાત-મુંબઈ રેશનાલિસ્ટ એસોસીએશનના મંત્રી તરીકે પિયુષભાઈએ ડૉ. સુજાત વલી સાથે ખભેખભો મિલાવીને પ્રચાર-પ્રસારનું કામ કર્યું છે. અમદાવાદ રેશનાલિસ્ટ એસોસીએશનના યજમાનપદે યોજાયેલા કાર્યક્રમોમાં તેમનું આયોજન કૌશલ્ય દેખાઈ આવે છે.

સત્યશોધક સભાનું માનવું છે કે પિયુષભાઈને આ ચંદ્રક અર્પણ કરીને સંસ્થા પોતે ગૌરવ અનુભવે છે. આ એવોર્ડ માત્ર એક બહુમાન નથી, પરંતુ સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટેની એક મશાલ છે. સંસ્થાને અપેક્ષા છે કે આ સન્માનથી પ્રેરાઈને નવી પેઢીના યુવાનો પણ સત્ય અને તર્કના માર્ગે ચાલીને સમાજને પાખંડમુક્ત બનાવશે.

(વિશેષ માહિતીઃ નટુભાઈ પરમાર, ગાંધીનગર)

આ પણ વાંચો: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સામે અંધશ્રદ્ધા ફેલાવવાની ફરિયાદ!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x