‘આ તો ચોર છે…’ કહી દલિત યુવક, તેની માતા-બહેન પર ઘાતક હુમલો

‘આ તો ચોર છે…’ કહી દલિત યુવકને જાતિવાદી તત્વોએ ઢોર માર મારી, જાતિસૂચક ગાળો ભાંડી. તેની માતા-બહેનને પણ બંધક બનાવી હુમલો કર્યો.
Tribal youth beaten

દેશમાં કાયદો વ્યવસ્થા જાણે સવર્ણ ગુંડાઓના હાથમાં હોય તેવી સ્થિતિ પેદા થઈ રહી છે. એટ્રોસિટી એક્ટ જેવો મજબૂત કાયદો હોવા છતાં જાતિવાદી તત્વો ખૂલ્લેઆમ દલિતો પર હુમલા કરી રહ્યાં છે. આવી જ એક ઘટના હરિયાણાના હિસાર જિલ્લામાં સામે આવી છે. અહીંના ડુબેટા ગામમાં માત્ર શંકાના આધારે એક નિર્દોષ દલિત યુવકને નિશાન બનાવી, તેને ગંભીર શારીરિક અને માનસિક યાતનાઓ આપવામાં આવી છે. આ મામલે પોલીસે 10 લોકો સામે નામજોગ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.

મામલો શું હતો

આ સમગ્ર વિવાદની શરૂઆત 25 ફેબ્રુઆરીના રોજ થઈ હતી. ફરિયાદ અનુસાર, પીડિત રાહુલનો મિત્ર અંકિત, જે ગામમાં જ રહે છે, તેનો ગેસ સિલિન્ડર ચોરી થઈ ગયો હતો. રાહુલ જ્યારે માનવતાના નાતે અને મિત્રની મદદ કરવા માટે અંકિતના ઘરે પહોંચ્યો, ત્યારે ત્યાં પહેલેથી જ ગામના કેટલાક કથિત સવર્ણ જાતિના માથાભારે તત્વો એકઠા થયા હતા.

આ પણ વાંચો: દલિત સગીર પર હુમલાનો વીડિયો વાયરલ થતા સ્કૂલે જવાનું બંધ કર્યું

જેવો રાહુલ ત્યાં પહોંચ્યો, કે તરત ઉપસ્થિત લોકોએ કોઈ પણ પુરાવા વગર સીધો જ તેના પર ચોરીનો આરોપ મૂકી દીધો હતો. રાહુલે પોતાની નિર્દોષતા સાબિત કરવાના પ્રયાસો કર્યા, પરંતુ ઉશ્કેરાયેલા ટોળાએ તેની એક પણ વાત સાંભળી નહીં. આરોપીઓએ રાહુલની જાતિ વિશે અત્યંત અપમાનજનક નિવેદનો કરવાનું શરૂ કર્યું. જ્યારે રાહુલે પોતાની ગરિમા જાળવવા માટે આ અપશબ્દોનો વિરોધ કર્યો, ત્યારે પરિસ્થિતિ વધુ વણસી હતી.

ઘરમાં પુરી ઢોર માર માર્યો

આરોપીઓએ કાયદો હાથમાં લઈને રાહુલ સાથે ગાળાગાળી શરૂ કરી અને તેને લાતો-મુક્કાથી માર મારવાનું શરૂ કર્યું. આટલેથી ન અટકતા, આરોપીઓ રાહુલને રસ્તા પરથી ઢસડીને એક ઘરની અંદર લઈ ગયા હતા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો અને બંધ રૂમમાં રાહુલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: રસોઈયો દલિત હોવાથી સવર્ણોએ બાળકોને આંગણવાડીમાં મોકલવાનું બંધ કર્યું

જ્યારે આ ઘટનાની જાણ રાહુલના પરિવારને થઈ, ત્યારે તેની માતા યશવંતી અને તેની બહેન તેને બચાવવા માટે દોડી ગયા હતા. તેમણે આજીજી કરી કે રાહુલને છોડી દેવામાં આવે, પરંતુ આરોપીઓએ મહિલાઓની મર્યાદાનું પણ સન્માન જાળવ્યું નહીં. આરોપીઓએ રાહુલની માતા અને બહેનને પણ બળજબરીથી ઘરની અંદર ખેંચી લીધા અને ત્યાં તેમને બંધક બનાવીને માર માર્યો હતો. આરોપ છે કે એક મહિલા આરોપીએ રાહુલની માતા સાથે અત્યંત અશોભનીય વર્તન કર્યું અને મારામારી કરી, જ્યારે બાકીના પુરુષ આરોપીઓ ઘરના દરવાજે પથ્થરની જેમ અડીંગો જમાવીને ઉભા રહ્યા જેથી ગામનો અન્ય કોઈ વ્યક્તિ તેમને બચાવવા ન આવી શકે.

પોલીસની સમજાવટ બાદ માંડ-માંડ ફરિયાદ નોંધી

આખરે કોઈએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંધક બનાવાયેલા પરિવારને મુક્ત કરાવ્યો હતો. આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતી વખતે પરિવારે જણાવ્યું કે તેઓ હુમલાખોરોથી એટલા ડરેલા હતા કે તરત જ પોલીસ પાસે જવાની હિંમત કરી શક્યા ન હતા. પોલીસના સમજાવ્યા બાદ તેઓએ હિંમત ભેગી કરી ફરિયાદ નોંધાવી.

Dalit youth beaten up

આ પણ વાંચો: બજરંગ દળે દલિત આધેડને બળજબરીથી ગોબર ખવડાવી ઢોર માર માર્યો!

10 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ

પોલીસે આ મામલે બલજીત, ઈશ્વર, ઉમેદ, રાજકુમાર, રાજ સાંગવાન, ક્રિષ્ણા, અનિલ, વનેશ, અમિત અને કૃષ્ણ પંઘાલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો અને SC-ST (અત્યાચાર નિવારણ) એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. આ કેસની તપાસ હવે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.

યુવકનો પરિવાર હજુ પણ ભયમાં

હુમલામાં રાહુલ, તેની માતા યશવંતી અને અંકિતને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સરકારી હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. પીડિત પરિવારે પોલીસ સમક્ષ સુરક્ષાની માંગ કરતા જણાવ્યું છે કે આરોપી પક્ષ વગદાર છે અને તેમને ફરીથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. દલિત સંગઠનોએ આ મામલે કડક સજાની માંગ કરી છે.

આ પણ વાંચો: PM નિવાસસ્થાન નજીકની ઝૂંપડપટ્ટીઓ ખાલી કરવા માટે અલ્ટીમેટમ અપાયું

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x