જૂનાગઢના ગિરનાર પર્વત પર સ્થિત આદ્યશક્તિ પીઠ અંબાજી મંદિરના ભંડારામાં કેટલાક યુવકો દારૂ અને નોનવેજની પાર્ટી માણતા હોય તેવો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા કથિત વીડિયોમાં મંદિરના પૂજારીઓ અને સ્ટાફ નિર્લજ્જતાથી બેફામ ગાળાગાળી કરતો અને માંસાહાર આરોગતા જોવા મળે છે. આ ઘટનાએ સમાજના બેવડા ધોરણો અને કહેવાતા ધર્મરક્ષકોની મૌન ભૂમિકા પર પણ આકરા સવાલો ઉભા કર્યા છે.
આ ઘટનાની ગંભીરતા જોતા વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. જૂનાગઢ કલેક્ટર અને મામલતદારની સૂચનાથી તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં તથ્ય જણાતા 10 પૂજારી અને એક રસોઈયા સહિત કુલ 11 કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આદેશ અપાયો છે કે આ તમામ લોકોનો મંદિર પરિસરમાં પ્રવેશ કાયમી ધોરણે પ્રતિબંધિત રહેશે. આ સાથે જ મામલતદારની દેખરેખ હેઠળ મંદિર પરિસર અને ખાસ કરીને ભોજનાલયના ભાગને પવિત્ર કરવા માટે શાસ્ત્રોક્ત વિધિ મુજબ સંપૂર્ણ શુદ્ધિકરણ પણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: દલિત યુવકને ઘરેથી ઉઠાવી જઈ થાંભલા સાથે બાંધી બેલ્ટ-દંડાથી ફટકાર્યો
એસડીએમ ચરણસિંહ ગોહિલે સ્પષ્ટ કર્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ગિરનાર પર્વત પર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ફરિયાદો મળી રહી હતી, પરંતુ આ વીડિયો પુરાવા તરીકે સામે આવતા આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. આ કર્મચારીઓ સરકારી તંત્ર પાસેથી પગાર મેળવતા હોવા છતાં આવી અશોભનીય પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા.
જૂનાગઢ સિટી મામલતદાર એ.કે. બારૈયાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના માધ્યમથી અંબાજી મંદિર પરિસરમાં માંસ અને મદિરાની પાર્ટી થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ ગંભીર બાબતને ધ્યાને લઈ જૂનાગઢ કલેક્ટર અને પ્રાંત અધિકારીની સૂચના મુજબ તાત્કાલિક અંબાજી મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. મીડિયામાં પ્રસિદ્ધ થયેલા વાયરલ વીડિયોના આધારે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
જોકે, આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટો અને વેધક સવાલ એ છે કે જે હિંદુત્વવાદી સંગઠનો અને કટ્ટરવાદી ટોળાઓ નોનવેજ ખાવા કે ગૌમાંસના નામે દલિતો અને લઘુમતી સમાજના લોકો પર હિંસક હુમલા કરે છે, તેઓ હવે ક્યાં ગાયબ છે? મનુસ્મૃતિ અને રૂઢિચુસ્ત શાસ્ત્રોના નામે પોતાની ઉચ્ચતાનો દાવો કરનારા આ તત્વો વારંવાર ગરીબ અને પછાત વર્ગના લોકો પર માત્ર શંકાના આધારે તૂટી પડે છે. અનેકવાર ગૌમાંસની આડમાં આ સમાજના લોકોની ટોળાં દ્વારા નિર્મમ હત્યા પણ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: ઠાકોર સમાજના DJ પ્રતિબંધ સામે વિક્રમ ઠાકોરે કહ્યું, ‘મને ફોન કરજો’
પરંતુ જ્યારે ખુદ મંદિરના ‘બ્રાહ્મણ’ પૂજારીઓ અને સરકારી વ્યવસ્થા હેઠળના કર્મચારીઓ પવિત્ર પરિસરમાં બેસીને દારૂ અને માંસની પાર્ટી કરે છે, ત્યારે આ કટ્ટરવાદીઓની ધાર્મિક લાગણી કેમ નથી દુભાતી? શું ધર્મના નીતિ-નિયમો, આહારના શુદ્ધિકરણના પાઠ અને પવિત્રતા જાળવવાની જવાબદારી માત્ર ગરીબ અને નબળા વર્ગોની જ છે? પૂજારીઓ જ્યારે ખુલ્લેઆમ પવિત્રતાનો ભંગ કરે ત્યારે તેમને માત્ર ‘સસ્પેન્શન’ મળે છે, જ્યારે સામાન્ય ગરીબ માણસને ‘મોત’ની સજા ફટકારવામાં આવે છે.
ગિરનાર અંબાજી મંદિરના વિવાદના મૂળ પણ ઘણા ઊંડા છે. વર્ષો સુધી આ મંદિરનું સંચાલન ગાદીપતિ મહંત તનસુખગીરી બાપુ દ્વારા કરવામાં આવતું હતું. પરંતુ તેમના બ્રહ્મલીન થયા બાદ મંદિરના વહીવટ અને વારસાને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. આંતરિક જૂથવાદ અને ગાદી માટેની ખેંચતાણને જોતા પરિસ્થિતિ વણસે નહીં તે હેતુથી વહીવટી તંત્રએ મંદિરનો વહીવટ પોતાના હસ્તક લીધો હતો. હાલમાં આ મંદિર સંપૂર્ણપણે સરકારી વહીવટદાર હેઠળ કાર્યરત છે. તાજેતરમાં જ અંબાજી મંદિરના કાયમી મહંતની નિમણૂક માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં ‘નાના પીર’ અને ‘મોટા પીર’ ના સભ્યોએ દાવેદારી નોંધાવી હતી. આ દારૂ-મટન પાર્ટીના કૌભાંડમાં જે લોકોના નામ ઉછળ્યા છે, તેના કારણે આ જૂથોની મહંત પદ માટેની દાવેદારી પર હવે મોટું પ્રશ્નાર્થચિહ્ન સર્જાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પવિત્રતા જાળવવામાં નિષ્ફળ ગયેલા આ પક્ષોની મહંત પદ માટેની દાવેદારી કાયમી ધોરણે રદ પણ થઈ શકે છે.
ભૂતકાળમાં પણ દેશના અનેક પ્રતિષ્ઠિત મંદિરોમાં પૂજારીઓ દ્વારા નિષેધિત વસ્તુઓના સેવનના અથવા શ્રદ્ધાળુઓ સાથેના દુર્વ્યવહારના કિસ્સાઓ સામે આવ્યા છે. ઉદાહરણ તરીકે, અગાઉ પણ દક્ષિણ ભારતના અમુક મઠો કે ઉત્તર ભારતના કેટલાક પવિત્ર ધામોમાં સેવકો દ્વારા ગરબડ પકડાઈ હતી, પરંતુ ઘણીવાર સત્તા અને વગના જોરે મામલો દબાવી દેવામાં આવ્યો હતો. જૂનાગઢના સાધુ-સંતો અને ધર્મપ્રેમી જનતામાં અત્યારે ભારે આક્રોશ છે. ભીડભંજન મહાદેવ મંદિરના પૂજારી પરિવારના સભ્ય દુષ્યંતગીરી અપારનાથીએ આ ઘટનાને ગંભીર ગણાવીને તત્કાલ FIR દાખલ કરવાની અને દોષિતો પર આજીવન ગિરનાર આવવા પર પ્રતિબંધ લાદવાની માંગ કરી છે. આ ઘટનાએ એ સાબિત કર્યું છે કે ધર્મના નામે દેખાડો કરનારા કેટલાક તત્વો અંદરથી કેટલા ખોખલા છે.
આ પણ વાંચો: હું જ ભગવાન છું, તમે દલિત છો, મંદિરમાંથી બહાર નીકળો’
સસ્પેન્ડ કરાયેલા પૂજારીઓના નામ
કિશોરસિંહ ચૌહાણ
તુષારગીરી ગૌસ્વામી
પ્રિન્સ ઠાકર
ભરતગીરી ધનગીરી ગૌસ્વામી
ભાર્ગવ કિશોરસિંહ ચૌગાણ
શૈલેષગીરી એમ. ગૌસ્વામી
ધવલગીરી ગૌસ્વામી
કાંતિગીરી ગૌસ્વામી
દેવગીરી જિમ્મીગીરી ગૌસ્વામી
વિજય ત્રિવેદી
સમીયારામ (રસોઈયો)
આ પણ વાંચો: પૂજારી મંદિરમાં બેસીને નોનવેજ ખાઈ રહ્યા હતા, લોકોને ખબર પડતા ધીબેડી નાખ્યા!













