ગાયિકા કિંજલ રબારીએ પ્રેમલગ્ન કરતા હોબાળો, કિંજલે કહ્યું, ‘મારા પતિને કંઈ થયું તો…’

ગાયિકા કિંજલ રબારીએ પ્રેમલગ્ન કરતાં વિવાદ. કિંજલ રબારીએ કહ્યું, 'મને કે મારા પતિને કંઈ પણ થશે તો મારો પરિવાર જવાબદાર હશે’ કિંજલ રબારીએ પોલીસ પ્રોટેક્શનની માંગ કરી.
Singer Kinjal Rabari love marriage controversy

ગુજરાતમાં પ્રેમલગ્નોને લઈને હાલ માહોલ ગરમાયેલો છે ત્યારે વધુ એક લોકગાયિકાએ પ્રેમલગ્ન કરતા હોબાળો મચ્યો છે. કિંજલ દવેની તૂટેલી સગાઈ, પ્રિયા મોરડિયા અને આરતી સાંગાણીના પ્રેમલગ્ન બાદ હવે રાધનપુરની ખ્યાતનામ લોકગાયિકા કિંજલ રબારીએ પોતાની મરજીથી અન્ય જ્ઞાતિના યુવક સાથે લગ્ન કરતા હોબાળો મચ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા 56 સેકન્ડના વીડિયોમાં કિંજલે જે લાચારી અને ડર વ્યક્ત કર્યો છે.

મામલો શું હતો?

કિંજલ રબારીએ ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કર્યા હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. કિંજલના જણાવ્યા અનુસાર, તેણે પરિવારને મનાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ જ્ઞાતિવાદ અને સામાજિક પ્રતિષ્ઠા આડે આવતા પરિવારે મંજૂરી આપી નહોતી. આખરે પોતાની જિંદગીનો નિર્ણય લેતા તેણે અશોક કુમાર સાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું. ગાયિકાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેના પતિને સોશિયલ મીડિયા પર બદનામ કરવામાં આવી રહ્યા છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. વીડિયોમાં તે સ્પષ્ટ કહે છે કે, “જો મને કે મારા પતિને કંઈ પણ થશે તો મારો પરિવાર જવાબદાર રહેશે.”

આ પણ વાંચો: ‘પહેલા પ્રેમમાં પડે, પછી વહેમમાં પડે અને છેલ્લે ડેમમાં પડે…’

મારા લગ્નને લઈને કોઈ પણ અફવા ફેલાવવી નહીંઃ કિંજલ રબારી

કિંજલ રબારીએ વધુમાં જણાવ્યું કે, હું રબારી સમાજને કહેવા માગુ છું કે, મેં મારી મરજીથી લગ્ન કર્યાં છે પણ મને હાલ બદનામ કરવામાં આવી રહી છે જે ખોટું છે. મારા તેમજ મારા પતિના જીવનું જોખમ છે જેથી મેં એડવોકેટનો સંપર્ક કરીને પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે. મારા લગ્નને લઈને કોઈ પણ અફવા ફેલાવવી નહીં. મને અથવા મારા પતિને કોઈપણ નુકસાન પહોંચ્યું તો એના માટે મારો પરિવાર જવાબદાર રહેશે.

Singer Kinjal Rabari love marriage controversy

બંધારણીય અધિકાર વિરુદ્ધ સામાજિક જડતા

ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ દરેક નાગરિકને ‘જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા’નો અધિકાર આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે અનેક ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે બે પુખ્ત વયના વ્યક્તિઓ પોતાની મરજીથી લગ્ન કરી શકે છે અને તેમાં પરિવાર કે ખાપ પંચાયતો દખલગીરી કરી શકે નહીં. આમ છતાં, કિંજલ રબારી જેવી આર્થિક રીતે સક્ષમ અને લોકપ્રિય મહિલાઓને પણ જ્યારે પોતાના હક માટે એડવોકેટ મારફતે પોલીસ પ્રોટેક્શન માંગવું પડે, ત્યારે કાયદો અને સામાજિક માનસિકતા વચ્ચેની મોટી ખાઈ સ્પષ્ટ દેખાય છે. સમાજનો એક ચોક્કસ વર્ગ આજે પણ સ્ત્રીને સ્વતંત્ર અસ્તિત્વ તરીકે સ્વીકારવા તૈયાર નથી.

આ પણ વાંચો: યુવતીએ પ્રેમલગ્ન કરતા પંચે 40 લોકોને માથું મુંડવાની સજા કરી

કિંજલ રબારીઃ પોતાના દમ પર સફળતા મેળવનાર યુવતી

સિનાડ જેવા નાનકડા ગામની સરકારી શાળામાં ભજન ગાઈને કારકિર્દી શરૂ કરનાર કિંજલ આજે ગુજરાતનું જાણીતું નામ છે. જે શિક્ષકો અને જે સાઉન્ડ સિસ્ટમે તેને ‘કોયલ કંઠી’ બનાવી, તે જ અવાજ આજે પોતાની સુરક્ષા માટે કરગરી રહ્યો છે. આ માત્ર એક કલાકારના લગ્નનો વિષય નથી, પરંતુ સમાજ દ્વારા દીકરીઓને ‘નિયંત્રણ’માં રાખવાની મથામણનો કિસ્સો છે. જ્યારે દીકરી લોકપ્રિય બને ત્યારે સમાજ તેને ‘સમાજનું ગૌરવ’ કહીને નવાજે છે, પણ જ્યારે તે પોતાની જિંદગીનો અંગત નિર્ણય લે ત્યારે તેને જ્ઞાતિ બહાર કાઢી મૂકવાની કે બદનામ કરવાની ધમકીઓ અપાય છે. આ બેધારી નીતિ સમાજની ખોખલી વિચારધારા છતી કરે છે.

કોણ છે કિંજલ રબારી?

સિંગર કિંજલ રબારી રાધનપુરના નાનકડા સિનાડ ગામની છે તેણે ધો-1થી 8 સુધી ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. આજ શાળામાં ભણતા તેમના મોટાભાઈ કિરણ રબારી શાળામાં ભજન ગાતા હતા. ત્યારે કિંજલે પણ શાળામાં ભજન ગાવાની ઇચ્છા દર્શાવતાં તેના મોટાભાઈએ શિવજીનું ભજન ગાવા માટે આપ્યું હતું. ત્યારબાદ તેની ગીત સંગીતમાં રુચિ જાગી. બાદમાં શાળાના શિક્ષકોએ પણ વિદ્યાર્થિનીને પ્રોત્સાહન આપ્યું હતું.

શાળામાં કિંજલ સહિત બે ત્રણ બાળ કલાકાર દરરોજ પ્રાર્થના કે ગીત સંગીતની સ્પર્ધામાં અવશ્ય સહભાગી બનતી હતી. તેમનો કોન્ફિડન્સ વધે તે માટે શાળાના આચાર્ય તેજાભાઈ જાદવે શાળામાં સાઉન્ડ સિસ્ટમ વસાવી હતું અને કિંજલબેન સહિતના વિદ્યાર્થીઓને સાઉન્ડ સિસ્ટમના માધ્યમથી માઈક પર ગાવાનો અનુભવ મળ્યો અને ધીમે ધીમે ચડાવ ઉતાર બાદ કિંજલ રબારી ગુજરાતની ફેમસ લોક કલાકાર બની ગઈ. કિંજલ રબારીએ દેશી લગ્ન ગીતો, લોકગીતો, માતાજીના અનેક ગીતો ગાયા છે.

આ પણ વાંચો: ગાયિકા આરતી સાંગાણીના પ્રેમલગ્ન મુદ્દે પટેલોએ હોબાળો મચાવ્યો

સ્ત્રી સ્વાતંત્ર્ય અને જ્ઞાતિવાદનો પડકાર

ગુજરાતમાં તાજેતરના વર્ષોમાં આરતી સાંગાણી કે પ્રિયા મોરડિયાના કિસ્સામાં જોવા મળ્યું છે તેમ, જ્યારે પણ કોઈ જાણીતી મહિલા કલાકાર પ્રેમલગ્ન કરે છે ત્યારે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવે છે. દીકરીઓની સ્વતંત્રતાને સમાજની ‘આબરૂ’ની પાઘડી સાથે જોડીને તેમને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવે છે. શું દીકરીની પોતાની કોઈ ઈચ્છા કે અધિકાર નથી? શું તેને માત્ર સમાજ દ્વારા નક્કી કરાયેલા માપદંડો મુજબ જ જીવવું જોઈએ? આવા પ્રશ્નો આજે દરેક યુવતીના મનમાં ઉઠી રહ્યા છે.

વ્યક્તિગત અધિકાર સામે સમાજના બંધનો મજબૂત થઈ રહ્યાં છે

કિંજલ રબારીનો કિસ્સો એ સાબિત કરે છે કે વિકાસના પર્યાય બનેલા ગુજરાતમાં હજુ પણ વ્યક્તિગત આઝાદી સામે સામાજિક બેડીઓ અત્યંત મજબૂત છે. એક લોકગાયિકા જે હજારો લોકોને ગીતોથી મનોરંજન પૂરું પાડે છે, તેને જાનનું જોખમ હોય તે લોકશાહી અને સંસ્કારી સમાજ માટે શરમજનક છે. હવે સમય પાકી ગયો છે કે સમાજના કહેવાતા મોભીઓ દીકરીઓને ‘સંસ્કાર’ના નામે ગુલામ બનાવવાનું છોડી, તેમને બંધારણે આપેલા માનવ અધિકારોનો સ્વીકાર કરે. કિંજલ રબારીને પોલીસ પ્રોટેક્શન મળે તે કાયદાકીય પ્રક્રિયા છે, પરંતુ તેને સામાજિક સ્વીકૃતિ મળે તે સાચા અર્થમાં પ્રગતિશીલ સમાજની ઓળખ બનશે.

આ પણ વાંચો: પ્રેમીપંખીડા માટે માઠા સમાચાર, લગ્ન કાયદામાં ફેરફાર થશે

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Raghav Chadha on recharge scam

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x