હોસ્પિટલની સેપ્ટિક ટેંક સાફ કરવા ઉતરેલા ત્રણ સફાઈકર્મીઓના મોત

હોસ્પિટલની સેપ્ટિક ટેન્કની સફાઈ કરવા માટે ચાર સફાઈકર્મીઓ અંદર ઉતર્યા હતા. સફાઈ દરમિયાન ઝેરી ગેસથી ત્રણ શ્રમિકોના મોત થયા.
die while cleaning hospital septic tank

દેશમાં ગટરમાં ઉતરીને સફાઈ કરાવવા પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક ગરીબ અને જરૂરિયાતમંદ મજૂરોને ગટરો અને સેપ્ટિક ટેંકની સફાઈ માટે અંદર ઉતરવા મજબૂર કરવામાં આવે છે અને તેમના મોત થઈ જાય છે. આવી જ એક ઘટના છત્તીસગઢની રાજધાની રાયપુરમાંથી સામે આવી છે. અહીંના પચપેડી નાકા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત રામકૃષ્ણ કેર હોસ્પિટલના પરિસરમાં મંગળવારે રાત્રે હોસ્પિટલના સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ની સફાઈ કરવા ઉતરેલા ચાર શ્રમિકો પૈકી ત્રણના ગૂંગળામણને કારણે કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે એક શ્રમિક હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ ઘટનાએ માત્ર તંત્રની બેદરકારી જ નહીં, પરંતુ ખાનગી સંસ્થાઓમાં શ્રમિકોની સુરક્ષાને લઈને થતી ગંભીર અવગણના પર પણ સવાલો ઉભા કર્યા છે.

ઘટના બાદ ફાટી નીકળેલા જનઆક્રોશ અને વહીવટી તંત્રની દખલ બાદ હોસ્પિટલ મેનેજમેન્ટે આર્થિક વળતરની જાહેરાત કરી છે, તો બીજી તરફ રાજ્ય સરકારે ગટર સફાઈ માટે નવી કડક માર્ગદર્શિકા જાહેર કરી છે.

રાત્રે સેપ્ટિક ટેંકમાં ઉતર્યા અને મોત ભેટી ગયું

ઘટનાનો વિગતવાર ઘટનાક્રમ માહિતી મુજબ, આ અકસ્માત મંગળવારે રાત્રે આશરે 8:00 વાગ્યા પછી સર્જાયો હતો. હોસ્પિટલ તંત્રે ટેન્કની નિયમિત સફાઈ અને જાળવણી માટે એક ખાનગી કોન્ટ્રાક્ટ એજન્સીને કામ સોંપ્યું હતું. સફાઈની પ્રક્રિયા શરૂ કરવા માટે જ્યારે પ્રથમ શ્રમિક આશરે 25 ફૂટ ઊંડા સીવરેજ ટેન્કમાં ઉતર્યો, ત્યારે અંદર જમા થયેલા અત્યંત ઝેરી ગેસ (મિથેન અને હાઇડ્રોજન સલ્ફાઇડ) ના સંપર્કમાં આવતા તે તરત બેભાન થઈ ગયો હતો. તેને ટેન્કની અંદર પડેલો જોઈને ઉપર ઉભેલા તેના સાથી શ્રમિકો તેને બચાવવા માટે એક પછી એક ટેન્કમાં ઉતર્યા હતા. પરંતુ સુરક્ષાના સાધનો કે ઓક્સિજન માસ્કના અભાવે ત્રણેય શ્રમિકો ગેસની ઝપેટમાં આવી ગયા હતા.
મૃતકોની ઓળખ ગોવિંદ સેન્દ્રે (35, રહે. સિમરન સિટી), અનમોલ માઝી (25, રહે. ભાઠાગાંવ) અને પ્રશાંત કુમાર (25) તરીકે થઈ છે.

આ પણ વાંચો: જૂનાગઢમાં સફાઈકર્મીઓની હડતાળ, તંત્ર કશું સાંભળતું નથી

હોસ્પિટલ મેનેજમેન્ટે શરૂઆતમાં બે મૃત્યુની પુષ્ટિ કરી હતી, પરંતુ બાદમાં કુલ ત્રણ શ્રમિકોના મોતની વિગતો સામે આવી હતી. એક શ્રમિક સત્યમ કુમાર (22) ની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

હોસ્પિટલ બહાર તંગદિલી, પરિવારજનોમાં રોષ

દુર્ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા મૃતકોના પરિવારજનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ બહાર એકઠા થઈ ગયા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા શરૂઆતમાં પરિવારજનોને અંદર પ્રવેશવા દેવામાં ન આવતા સ્થિતિ વધુ વણસી હતી. ગોવિંદ સેન્દ્રેના ભાઈના આક્રંદે વાતાવરણ ગમગીન કરી દીધું હતું. રોષે ભરાયેલા ટોળાએ હોસ્પિટલ મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો, જેના પગલે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવો પડ્યો હતો.

die while cleaning hospital septic tank

પરિવારજનોનો મુખ્ય આક્ષેપ એ હતો કે હોસ્પિટલ મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટરે શ્રમિકોને કોઈ પણ પ્રકારના સુરક્ષા ઉપકરણો, જેમ કે ગેસ માસ્ક, ગ્લવ્સ કે સુરક્ષા બેલ્ટ વગર જ મોતના મુખમાં ધકેલી દીધા હતા. ઘટના સ્થળે એક એમ્બ્યુલન્સ એવી રીતે ઉભી રાખવામાં આવી હતી કે જેથી અંદરની ગતિવિધિઓ મીડિયાના કેમેરાથી છુપાવી શકાય, જેને લઈને પણ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: સેપ્ટિક ટેંકમાં ગૂંગળામણથી 4 સફાઈકર્મીના મોત, 2 ગંભીર

તંત્રની તપાસમાં હોસ્પિટલની અનેક બેદરકારી ખૂલી

પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસ મુજબ, આ કામનો કોન્ટ્રાક્ટ કિશન સોની નામની વ્યક્તિ પાસે હતો. કોન્ટ્રાક્ટરે માત્ર વધુ નફો કમાવવાની લાલચમાં તાલીમ પામેલા શ્રમિકોને બદલે સામાન્ય મજૂરોને જોખમી કામમાં લગાડ્યા હતા. સીવેજ ટેન્કની ઉંડાઈ અને તેમાં સંભવિત ઝેરી ગેસના જોખમ વિશે શ્રમિકોને કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. નિયમ મુજબ, ગટર કે ટેન્કમાં ઉતરતા પહેલા ગેસ ટેસ્ટિંગ કરવું અને શ્રમિકોને ઓક્સિજન સિલિન્ડર આપવા ફરજિયાત છે, જેનું અહીં સંપૂર્ણ ઉલ્લંઘન થયું હતું. ટીકરાપારા પોલીસે આ મામલે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ બેદરકારીથી મોત નિપજાવવાનો ગુનો દાખલ કર્યો છે.

મુખ્યમંત્રીએ અધિકારીઓને કાર્યવાહીના આદેશ આપ્યા

ઘટનાની ગંભીરતા જોતા છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયએ તાત્કાલિક અસરથી અધિકારીઓને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. સરકારે હવેથી નિયમ બનાવ્યો છે કે ખાનગી કે સરકારી કોઈપણ સંસ્થાએ સેપ્ટિક ટેન્કની સફાઈ કરાવતા પહેલા સંબંધિત નગર નિગમની લેખિત મંજૂરી લેવી પડશે. આ સફાઈ કાર્યમાં માત્ર સરકાર દ્વારા માન્ય પ્રશિક્ષિત શ્રમિકો અને આધુનિક મશીનોનો જ ઉપયોગ કરી શકાશે.

આ પણ વાંચો: ભેંસાણમાં તલાટી,વહીવટદારે સફાઈકર્મીને ધમકાવી ગટરમાં ઉતાર્યો?

મૃતકના પરિવારને વળતરની જાહેરાત કરાઈ

દબાણ અને સમજાવટ બાદ હોસ્પિટલ તંત્રે પીડિત પરિવારોને રાહત પેકેજની જાહેરાત કરી છે. પ્રત્યેક મૃતકના પરિવારને 30 લાખ રૂપિયાની આર્થિક સહાય એકસાથે ચૂકવવામાં આવશે. આ ઉપરાંત, માનવીય અભિગમ દાખવતા મૃતકોના બાળકોના શિક્ષણ અને ભરણપોષણ માટે તેઓ 18 વર્ષની ઉંમરના થાય ત્યાં સુધી દર મહિને 20,000 રૂપિયાની માસિક સહાય આપવાનો પણ નિર્ણય લેવાયો છે.
રાયપુરની આ ઘટના ફરી એકવાર ‘મેન્યુઅલ સ્કેવેન્જિંગ’ જેવી કુપ્રથા અને તેમાં રહેલા જોખમોને ઉજાગર કરે છે. ભલે વળતર જાહેર કરવામાં આવ્યું હોય, પરંતુ સુરક્ષાના સામાન્ય નિયમોનું પાલન ન કરવાને કારણે ત્રણ પરિવારોએ તેમના મોભી ગુમાવ્યા છે.

જોવાનું એ રહેશે કે સરકારના નવા નિયમોને કાગળ પરથી વાસ્તવિકતામાં કેટલા અમલી બનાવે છે જેથી ભવિષ્યમાં આવા નિર્દોષ લોકોનો જીવ બચી શકે.

આ પણ વાંચો: બળાત્કારી આસારામે અયોધ્યામાં VVIP સુવિધા સાથે રામ મંદિરના દર્શન કર્યા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x