રાજકોટના કાલાવાડ રોડ પર આવેલી શ્રી મહાત્મા ગાંધી સરકારી કુમાર છાત્રાલયે આજે સામાજિક ઉત્તરદાયિત્વનું એક અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે. “પે બેક ટુ સોસાયટી” ના ઉમદા વિચારને કેન્દ્રમાં રાખીને આ હોસ્ટેલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રચાયેલા ‘પે બેક ટુ એમ.જી. હોસ્ટેલ’ ગ્રુપ દ્વારા તારીખ 21 માર્ચ 2026ના રોજ આ છાત્રાલયમાં “માતા રમાબાઈ આંબેડકર લાઈબ્રેરી”નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર એક ભવનનું ઉદ્ઘાટન નહોતો, પરંતુ જે સંસ્થાએ સેંકડો યુવાનોના જીવન ઘડ્યા છે, તે સંસ્થા પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક અવસર હતો.
કાર્યક્રમની શરૂઆત ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. સ્ત્રી સશક્તિકરણ અને સમાનતાના મૂલ્યોને આચરણમાં મૂકતા, આ નવીન લાઈબ્રેરીનું ઉદ્ઘાટન હોસ્ટેલના એકમાત્ર મહિલા સ્ટાફ મેમ્બરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે, આ પગલું દર્શાવે છે કે એમ.જી. હોસ્ટેલના વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીયું જ્ઞાન મેળવવા પૂરતા સીમિત નથી, પરંતુ તેઓ ડૉ. આંબેડકરના સમતામૂલક સમાજ અને મહિલા સન્માનના વિચારોને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી રહ્યા છે. લાઈબ્રેરીના આ ઉમદા કાર્યમાં હોસ્ટેલના વર્તમાન વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ પરિવારે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પણ વાંચો: UPSC 2024માં 186મો રેન્ક મેળવનાર આસ્થા જૈને હવે EWS પર 9મો રેન્ક મેળવ્યો!
ડૉ. બાબાસાહેબ આંબેડકર હંમેશા કહેતા કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે એ ત્રાડ પાડશે. પ્રગતિ માટે પ્રથમ દ્રષ્ટિ શિક્ષણ અને પુસ્તકો પર પડવી જોઈએ. આ વિચારધારાને વરેલા ‘પે બેક ટુ એમ.જી. હોસ્ટેલ’ મિશને છેલ્લા ત્રણ વર્ષમાં છ લાખ રૂપિયાથી વધુની રકમ એકત્રિત કરી છે. આ ભંડોળનો ઉપયોગ હોસ્ટેલમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓના કલ્યાણ માટે કરવામાં આવે છે. આ મિશન અંતર્ગત અગાઉ બે વખત બે લાખ રૂપિયાથી વધુના ખર્ચે ‘કુમાર રાજરત્ન આંબેડકર સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ ક્લાસ’ ચલાવવામાં આવ્યા હતા, જેનો સીધો લાભ સેંકડો વિદ્યાર્થીઓને મળ્યો હતો.
આ ઉપરાંત, આર્થિક રીતે નબળા હોય તેવા વિદ્યાર્થીઓની વ્યક્તિગત ફી ભરીને પણ આ સમૂહ તેમની પડખે ઊભો રહ્યો છે. આજે અર્પણ કરાયેલી આ લાઈબ્રેરી પણ બે લાખ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને શાંત અને શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડશે.
આ પણ વાંચો: ‘મત નહીં આપો તો ‘હિસાબ’ થશે’, સરપંચના ટેકેદારની દલિતોને ધમકી

ગુજરાત સરકાર સંચાલિત આ છાત્રાલયની વિશેષતા એ છે કે તે માત્ર રહેવા અને જમવાની સુવિધા આપતી સંસ્થા નથી, પરંતુ તે સરકારી નોકરી મેળવવાનું સચોટ સરનામું બની ગઈ છે. દર વર્ષે આ સંસ્થામાંથી 100 થી વધારે વિદ્યાર્થીઓ ભારત અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર નિમણૂક મેળવે છે. આ વર્ષના પરિણામો પણ અત્યંત ઉત્સાહજનક રહ્યા છે, જેમાં 28 વિદ્યાર્થીઓએ પોલીસ કોન્સ્ટેબલ તરીકે અને 2 વિદ્યાર્થીઓએ પીએસઆઈ (PSI) તરીકે સફળતા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત, 170 થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત નોકરીઓ મેળવી છે, જે આ હોસ્ટેલની શૈક્ષણિક ગુણવત્તાનું પ્રમાણ આપે છે.
વર્ષ 2015 પછી આ સંસ્થામાં એક નવો વળાંક આવ્યો હતો. આઈ.પી.એસ. અધિકારી કરણરાજ વાઘેલાના સચોટ માર્ગદર્શન અને ‘પે બેક ટુ એમ.જી. હોસ્ટેલ’ સમૂહના સંયુક્ત પ્રયાસોથી અત્યાર સુધીમાં 500 થી વધુ વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવામાં સફળ રહ્યા છે. અહીં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીયું જ્ઞાન જ નહીં, પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ પણ શીખવવામાં આવે છે. હોસ્ટેલના માધ્યમથી બ્લડ ડોનેશન કેમ્પ, મોટીવેશનલ સેમિનાર અને રાષ્ટ્રીય તહેવારો પર વકતૃત્વ તથા નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં કરુણા, શીલ, અને ભાવનાત્મક બુદ્ધિમતા જેવા ગુણો વિકસાવે છે, જે તેમને એક જવાબદાર નાગરિક બનાવે છે.
આ પણ વાંચો: 13 વર્ષથી કોમામાં રહેલા યુવકને મળ્યો ‘સન્માન સાથે મરવાનો અધિકાર’
ખાસ કરીને શારીરિક કસોટી ધરાવતી પોલીસ કે લશ્કરી ભરતીઓ માટે આ સમૂહ વિશેષ કાળજી લે છે. વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ માટે યુનિવર્સિટી ગ્રાઉન્ડ સુધી લઈ જવા અને લાવવા માટે વાહનોની સુવિધા તેમજ સવારના સમયે પૌષ્ટિક આહારની વ્યવસ્થા પણ મિશન દ્વારા કરવામાં આવે છે. કાલાવાડ રોડ પર સ્થિત આ હોસ્ટેલના વિદ્યાર્થીઓ દર વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગોલ્ડ મેડલ જીતીને શિક્ષણ ક્ષેત્રે પણ પોતાની તાકાત બતાવે છે.
આજના આ ગૌરવશાળી પ્રસંગે પધારેલા મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા માટેના ગુરુમંત્રો આપ્યા હતા અને ભગવાન બુદ્ધ તેમજ ડૉ. આંબેડકરના વિચારોથી માનવજાતની સેવા કરવા પ્રેરણા આપી હતી. અંતમાં, એમ.જી. હોસ્ટેલના વિદ્યાર્થીઓએ આ સકારાત્મક બદલાવ માટે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને દાતાઓનો આભાર માન્યો હતો.
(વિશેષ માહિતીઃ ડૉ. ભાવિન પરમાર, રાજકોટ)
આ પણ વાંચો: મેંદરડામાં બે દલિત પ્રમુખને ટર્મ પુરી થાય તે પહેલા પદ છોડવા મજબૂર કરાયા














