યુપીમાં 6 બૌદ્ધ સ્થળોને જોડીને વૈશ્વિક બુદ્ધિસ્ટ સર્કિટ બનશે

સારનાથને યુનેસ્કો હેરિટેજ દરજ્જો મળ્યા બાદ યુપી સરકાર 6 મુખ્ય બૌદ્ધ સ્થળોને જોડી વૈશ્વિક બુદ્ધિસ્ટ સર્કિટ બનાવશે. બૌદ્ધ આસ્થા સાથે સ્થાનિક અર્થતંત્રને નવી તક મળશે.
Global Buddhist circuit to be created six Buddhist sites in UP
Global Buddhist circuit to be created six Buddhist sites in UP

ઉત્તર પ્રદેશમાં બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોના સર્વાંગી વિકાસ માટે સરકારે એક મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે. વારાણસી પાસે આવેલા પ્રસિદ્ધ સ્થળ સારનાથને યુનેસ્કો (UNESCO) ની વિશ્વ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યા બાદ હવે રાજ્ય સરકાર સમગ્ર ‘બુદ્ધિસ્ટ સર્કિટ’ (Buddhist Circuit) ને વૈશ્વિક કક્ષાએ વિકસાવવા જઈ રહી છે. આ યોજના હેઠળ ઉત્તર પ્રદેશમાં આવેલા તથાગત બુદ્ધના જીવન સાથે જોડાયેલા 6 મુખ્ય સ્થળો—સારનાથ, કુશીનગર, શ્રાવસ્તી, કપિલવસ્તુ, કૌશાંબી અને સંકિસાને એકસાથે સાંકળીને એક મોટું બૌદ્ધ ટુરિઝમ નેટવર્ક ઊભું કરવામાં આવશે. આ નિર્ણય સાથે જ ઉત્તર પ્રદેશ આગામી દિવસોમાં દેશ અને દુનિયાભરના બૌદ્ધ શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ માટે એક મોટું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનીને ઊભરવા જઈ રહ્યું છે.

આસ્થા સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક સુવિધાઓનો સમન્વય

આ યોજના માત્ર ધાર્મિક પ્રવાસન પૂરતી સીમિત નથી, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ્ય આ તમામ ઐતિહાસિક સ્થળો પર આંતરરાષ્ટ્રીય સ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો છે. પ્રવાસીઓની સુવિધા માટે આ સ્થળો પર નવા વિઝિટર ફિલસિટી સેન્ટર, ઈન્ટરપ્રિટેશન સેન્ટર, આધુનિક સાઈનેજ, બેટર રોડ કનેક્ટિવિટી અને ડિજિટલ માર્ગદર્શન કેન્દ્રો વિકસાવવામાં આવશે. જેથી વિશ્વના ખૂણે-ખૂણેથી આવતા પ્રવાસીઓ અને સંશોધકો ભગવાન બુદ્ધના જીવન, તેમની યાત્રાઓ અને બૌદ્ધ સંસ્કૃતિના ગૂઢ વારસાને સરળતાથી સમજી અને અનુભવી શકે.

આ પણ વાંચોઃ થાઈલેન્ડમાં 11 વર્ષના બાળકે 10 બૌદ્ધ ભિક્ષુકોને કચડી નાખ્યા

82 લાખ પ્રવાસીઓ અને સ્થાનિક અર્થતંત્રને બૂસ્ટર ડોઝ

બૌદ્ધ પ્રવાસન ક્ષેત્ર ઉત્તર પ્રદેશ માટે માત્ર ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્ર નથી, પરંતુ તે રાજ્યના પ્રવાસન ઉદ્યોગ અને સ્થાનિક અર્થતંત્રનો પણ એક મજબૂત આધાર સ્તંભ બની રહ્યું છે. પ્રાપ્ત થયેલા આંકડા મુજબ, વર્ષ 2025 માં ઉત્તર પ્રદેશમાં સ્થિત ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા આ 6 મુખ્ય સ્થળો પર આશરે 82 લાખ જેટલા પ્રવાસીઓ પહોંચ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે આ કુલ પ્રવાસીઓમાં લગભગ 4.5 લાખ જેટલા વિદેશી પ્રવાસીઓ શામેલ હતા. બુદ્ધિસ્ટ સર્કિટનો યોગ્ય વિકાસ થવાથી આગામી સમયમાં વિદેશી ચલણની આવકમાં મોટો વધારો થશે અને હોટેલ, ટ્રાન્સપોર્ટ તથા સ્થાનિક હસ્તકળા સાથે જોડાયેલા રોજગારના હજારો નવા અવસરો ઊભા થશે.

સારનાથ અને કુશીનગર: બુદ્ધિસ્ટ સર્કિટના મુખ્ય ધરી

આ સમગ્ર યોજનામાં વારાણસીમાં આવેલા સારનાથની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કાશી નજીક આવેલું સારનાથ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં ભગવાન બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ બાદ પોતાનો પ્રથમ ઉપદેશ (ધમ્મચક્કપવત્તન) આપ્યો હતો. તાજેતરમાં યુનેસ્કો દ્વારા સારનાથને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ દરજ્જો મળ્યા બાદ હવે સારનાથ ખાતે પ્રવાસીઓની સુવિધાઓ, લાસ્ટ-માઈલ કનેક્ટિવિટી અને સ્થાપત્યના સંરક્ષણ પર વિશેષ બજેટ ફાળવીને કામ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ વાવ-થરાદના ગોલપ નેસડામાં 16 પરિવારોએ બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી

બીજી તરફ, ભગવાન બુદ્ધની મહાપરિનિર્વાણ સ્થળી એવા કુશીનગરને પણ આ સર્કિટનું બીજું મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. કુશીનગરમાં પ્રવાસીઓ માટે વિશેષ ‘વિપશ્યના કેન્દ્ર’ (ધ્યાન કેન્દ્ર) અને ‘બુદ્ધ ગમન માર્ગ’ વિકસાવવાનું આયોજન છે. કુશીનગરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (International Airport) ની હયાતીને કારણે શ્રીલંકા, થાઈલેન્ડ, જાપાન, વિયેતનામ અને દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોથી આવતા શ્રદ્ધાળુઓ માટે આ સ્થળ ભારત પ્રવેશનું મુખ્ય દ્વાર બનશે.

હેરિટેજ પાર્ક અને સાંસ્કૃતિક વારસાનું જતન

યુપી સરકાર કપિલવસ્તુ અને પીપ્રહવા ખાતે દીર્ઘકાલીન આયોજનના ભાગરૂપે ‘બૌદ્ધ હેરિટેજ પાર્ક’નું નિર્માણ કરવા જઈ રહી છે. સરકારનો મુખ્ય અભિગમ એ છે કે આ તમામ 6 સ્થળોને અલગ-અલગ પ્રવાસન સ્થળો તરીકે દર્શાવવાને બદલે ભગવાન બુદ્ધના જીવનકાળ અને તેમની દિવ્ય યાત્રા સાથે જોડાયેલા એક સળંગ અને વ્યાપક સર્કિટ તરીકે વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવે. આ માટે ‘પરંપરા ટુરિઝમ એન્ડ કલ્ચરલ સેન્ટર’ જેવી પહેલ પણ પ્રસ્તાવિત છે, જ્યાં પ્રવાસીઓને એક જ છત નીચે તમામ ઐતિહાસિક માહિતી અને સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વિશ્વભરમાં ઉત્તર પ્રદેશ એકમાત્ર એવો ભૌગોલિક વિસ્તાર છે જ્યાં ભગવાન બુદ્ધના જન્મથી લઈને તેમના નિર્વાણ સુધીના મોટાભાગના મહત્વપૂર્ણ સ્થળો એક જ રાજ્યની સીમામાં સ્થિત છે. આ ભૌગોલિક સાતત્ય જ યુપીને વૈશ્વિક બૌદ્ધ ટુરિઝમનું પાટનગર બનાવવાની ક્ષમતા ધરાવે છે. જો આ પ્રસ્તાવિત યોજનાઓ સમયબદ્ધ રીતે અને અસરકારક અમલીકરણ સાથે પૂરી કરવામાં આવશે, તો ઉત્તર પ્રદેશ ભારતમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનનું સૌથી મોટું કેન્દ્ર બનીને ઊભરશે.

આ પણ વાંચોઃ બિહારમાં ડે.કલેક્ટર વન-કન્યાએ બંધારણની સાક્ષીએ બૌદ્ધ રીતિ રિવાજથી લગ્ન કર્યા

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Vinod Parmar
Vinod Parmar
26 days ago

Absolutely right 👍

GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x