ગાંધીનગરમાં SC-ST ચિંતન સભામાં અત્યાચારો સામે સંગઠિત થઈ લડવા હુંકાર

ગાંધીનગરના સેક્ટર-12 સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે મહાગુજરાત SC-ST મહાસભા દ્વારા પીડિતોને ન્યાય અપાવવા અને સામાજિક એકતા માટે ચિંતન સભા યોજાઈ હતી.
SC-ST Chintan Sabha in Gandhinagar

મહાગુજરાત SC–ST મહાસભા દ્વારા ગત રવિવાર, 22 માર્ચ 2026ના રોજ ગુજરાતના પાટનગર ગાંધીનગરના સેક્ટર–12 ખાતે આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનમાં એક ઐતિહાસિક “ગુજરાત SC–ST ચિંતન સભા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિંતન સભા પાછળનો મુખ્ય અને ગંભીર હેતુ ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજ પર દિન-પ્રતિદિન વધી રહેલા અત્યાચાર, નિર્મમ હત્યાઓ, સામૂહિક હુમલાઓ, બળાત્કાર જેવી જઘન્ય ઘટનાઓ અને આત્મહત્યાના કિસ્સાઓ પર ઊંડું વિચાર મંથન કરવાનો હતો.

રાજ્યમાં આ પ્રકારના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સમાજને કઈ રીતે સંગઠિત કરી શકાય અને ન્યાય માટેના સંઘર્ષને કેવી રીતે વેગ આપી શકાય તે બાબતે આ મંચ પરથી ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં બુદ્ધિજીવીઓ, સામાજિક કાર્યકરો અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: સોમનાથના આ વડીલ સમૂહલગ્નોમાં વર-કન્યાને ‘અનોખી’ ભેટ આપે છે

પીડિત પરિવારોની હૃદયદ્રાવક રજૂઆતો અને ન્યાયનો પોકાર

આ ચિંતન સભાની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી એવા પીડિત પરિવારો ઉપસ્થિત રહ્યા હતા જેમણે જાતિગત ભેદભાવ અને હિંસાનો ભોગ બનીને પોતાના સ્વજનો ગુમાવ્યા છે. સભામાં ઉના કાંડના પીડિતો, થાનગઢ ગોળીબારની ઘટનાના સાક્ષીઓ અને અંકોલાળી (ઉના) ખાતે જીવતા સળગાવી દેવાના અમાનવીય કેસના પરિવારજનોએ પોતાની વ્યથા રજૂ કરી હતી.

SC-ST Chintan Sabha in Gandhinagar

આ ઉપરાંત, વર્ષ 2018નો અમરેલી હત્યા કેસ, વર્ષ 2023માં બનેલી IIT બોમ્બેના તેજસ્વી વિદ્યાર્થી દર્શન સોલંકીની આત્મહત્યાનો મામલો, અમદાવાદના વાસણામાં કાર ચડાવીને નિર્મમ રીતે કરાયેલી હત્યાનો કેસ, અને ઘાટલોડિયામાં થયેલા સામૂહિક હુમલાના કેસ વિશે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રાયખડ અને રામોલના હત્યા કેસો સહિત અમરેલીના નીલેશ કાન્તીભાઈ રાઠોડની હત્યા, બોટાદના સરવઈ ગામની હત્યાની ઘટના, પોરબંદરના ભોળડર ગામમાં થયેલી હત્યા અને ત્યારબાદ થયેલી સામૂહિક હિજરત તેમજ વીંઝરાણા ગામના માજી સરપંચ પર થયેલા જીવલેણ હુમલા જેવા અનેક ગંભીર પ્રશ્નો પીડિતો દ્વારા રજૂ કરાયા હતા. નરોડામાં બનેલી બળાત્કારની કોશિશ અને હત્યા જેવી ઘટનાઓએ ઉપસ્થિત જનમેદનીની આંખો ભીની કરી દીધી હતી. પીડિતોએ ન્યાય મેળવવામાં પડતી કાનૂની અડચણો અને તંત્રની ઉદાસીનતા સામે પણ અવાજ ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો: જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?

ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સંબોધન કર્યું

આ કાર્યક્રમમાં વડગામ વિધાનસભાના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ પીડિત પરિવારોની રજૂઆતો ખૂબ જ ગંભીરતાથી સાંભળી હતી અને આશ્વાસન આપ્યું હતું કે અન્યાય સામેની આ લડાઈમાં તેઓ હંમેશા તેમની પડખે ઉભા રહેશે. તેમણે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી દલિત અને આદિવાસી સમાજ સંગઠિત થઈને પોતાની શક્તિનું પ્રદર્શન નહીં કરે ત્યાં સુધી અત્યાચાર કરનારા તત્વોને ડર નહીં લાગે. તેમણે કાનૂની લડત અંત સુધી લડવા માટે સમાજને સંગઠિત થવાનું જોરદાર આહવાન કર્યું હતું. સામાજિક ન્યાય અને પીડિતોના અવાજ તરીકે સતત સંઘર્ષ કરવા બદલ મહાગુજરાત SC–ST મહાસભા દ્વારા જિગ્નેશભાઈ મેવાણીને “સમાજરત્ન એવોર્ડ” એનાયત કરીને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ વિવિધ ક્ષેત્રોમાં સમાજ માટે પોતાની સેવાઓ આપનાર સામાજિક કાર્યકરો અને ભીમ યોદ્ધાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

SC-ST Chintan Sabha in Gandhinagar

આ પણ વાંચો: સમરસ ગ્રામ પંચાયત ખરેખર સમરસ હોય છે?

સંગઠિત થઈને સંઘર્ષ કરવા આહ્વાન કરાયું

મહાગુજરાત SC–ST મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ નંદરાજ બૌદ્ધે સભાને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હવે માત્ર ચર્ચાઓ કરવાનો સમય પૂરો થયો છે, હવે રસ્તા પર ઉતરીને સંઘર્ષ કરવાનો સમય છે. તેમણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી, મહિલાઓ અને લઘુમતી સમાજને એક થઈને અન્યાય સામે મોરચો માંડવા માટે અપીલ કરી હતી.

સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને જાણીતા સામાજિક કાર્યકર કાન્તિલાલ પરમારે આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં પાયાની ભૂમિકા ભજવી હતી. તેમની સાથે કિરીટભાઈ રાઠોડ, ચંદ્રિકાબેન જાદવ, લલિતભાઈ બૌદ્ધ, પંકજભાઈ રાઠોડ અને અન્ય સામાજિક અગ્રણીઓએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. સંસ્થાએ અંતમાં સ્પષ્ટતા કરી હતી કે વક્તાઓના વ્યક્તિગત રાજકીય વિચારો સાથે સંસ્થાને લેવાદેવા નથી, પરંતુ તેમનો એકમાત્ર ધ્યેય સંવિધાન દ્વારા મળેલા હકોનું રક્ષણ અને સામાજિક ન્યાય મેળવવાનો છે. સભાના અંતે તમામ દાતાશ્રીઓ અને સહયોગીઓનો આભાર માનીને આ સંઘર્ષને આગળ વધારવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગાંધીનગરમાં ગુજરાતના 20 દલિત અત્યાચારોના પીડિતો એક મંચ પર હશે!

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
  • આરોપો પાયાવિહોણા છે. GPSC ની કામગીરી પારદર્શક અને નિયમાનુસાર થઈ રહી છે. 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
  • ગંભીરતાથી તપાસ થવી જોઈએ. વિદ્યાર્થીઓ કે વિવિધ વર્ગો દ્વારા ઊભા કરાયેલા પ્રશ્નોની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
  • સુધારાની જરૂર છે. ભરતી પ્રક્રિયામાં વધુ સમાનતા અને પારદર્શિતા લાવવાની જરૂર છે. 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
  • કંઈ કહી શકાય નહીં 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
Total Votes: 0
August 10, 2026 - August 31, 2026
Voting is closed
0
Would love your thoughts, please comment.x
()
x