દલિતો પર જ્યારે કોઈ પણ આફત આવે છે ત્યારે નેતાઓથી લઈને તંત્ર સુદ્ધાં મોં ફેરવી લેતું હોય છે. આવા સેંકડો કિસ્સાઓ આપણી નજર સામે છે ત્યારે વધુ એક કિસ્સો બિહારના વૈશાલી જિલ્લાના બિદુપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખજવત્તા ગામમાંથી સામે આવ્યો છે. અહીં મંગળવારે એક હૃદયદ્રાવક અને ભયાનક અગ્નિકાંડ સર્જાયો હતો. ગામના વોર્ડ નંબર 13 માં આવેલી દલિત વસ્તીમાં અચાનક લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આ દુર્ઘટનામાં અંદાજે 32 થી વધુ મકાનો બળીને રાખ થઈ ગયા છે, જેના કારણે અનેક ગરીબ પરિવારો અત્યારે ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. આ અગ્નિકાંડમાં માત્ર મકાનો જ નહીં, પરંતુ પરિવારોએ દાયકાઓથી મજૂરી કરીને ભેગી કરેલી રોકડ, અનાજ અને દાગીના જેવી તમામ ચીજવસ્તુઓ મિનિટોમાં ખાખ થઈ ગઈ હતી.

મહિલાઓની ગેરહાજરીમાં આગ લાગી
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, પરંતુ સ્થાનિક લોકોના મતે રસોઈના ચૂલામાંથી ઉડેલા દેતવા, વીજળીનું શોર્ટ સર્કિટ અથવા કોઈ ઘરમાં ગેસ સિલિન્ડર ફાટવાને કારણે આ હોનારત સર્જાઈ હોઈ શકે છે. ઘટના સમયે ગામમાં શાંતિ જેવો માહોલ હતો કારણ કે મોટાભાગના પુરુષો મજૂરીકામ માટે ગયા હતા અને ઘરની મહિલાઓ નજીકના ખેતરોમાં બકરા ચરાવવા માટે ગઈ હતી. ઘરમાં કોઈ હાજર ન હોવાથી આગની જાણ મોડી થઈ અને પવનની તીવ્ર ગતિને કારણે આગ એક ઘરથી બીજા ઘર સુધી ઝડપથી પ્રસરી ગઈ હતી.
આ પણ વાંચો: રામનગરી અયોધ્યામાં દલિત સગીરા પર અપહરણ બાદ દુષ્કર્મ
લગ્નનું અનાજ અને સારવારના પૈસા બળી ગયા
આ આગે અનેક પરિવારોના સપનાઓને જીવતા સળગાવી દીધા છે. પીડિત દીન દયાળ ભગતે ડૂસકે ને ડૂસકે રડતા જણાવ્યું કે, તેમના પિતા લાંબા સમયથી બીમાર છે અને તેમની સારવાર માટે તેમણે પેટે પાટા બાંધીને 50 હજાર રૂપિયા ભેગા કર્યા હતા, જે આગમાં બળી ગયા છે. સૌથી વધુ વ્યથા સુનીતા દેવીની છે, જેમના પુત્રના લગ્ન આગામી 19 અને 20 એપ્રિલે નિર્ધારિત હતા. લગ્ન માટે આખું વર્ષ મહેનત કરીને એકઠું કરેલું અનાજ, નવા કપડાં, જેવર અને રોકડ રકમ બધું જ અગ્નિની જ્વાળાઓમાં હોમાઈ ગયું છે. અન્ય એક મહિલા નીલા દેવીએ જણાવ્યું કે, તેમણે ઊંચા વ્યાજે દોઢ લાખ રૂપિયા ઉધાર લીધા હતા, જે હવે રાખના ઢગલામાં ફેરવાઈ ગયા છે. હવે દેવું કેવી રીતે ચૂકવવું અને જીવવું કેવી રીતે, તે મોટો પ્રશ્ન છે.
તેજસ્વી યાદવ સામે લોકોમાં રોષ જોવા મળ્યો
આ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓ સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને સ્થાનિક ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ પ્રત્યે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક રહેવાસી રંજીત પ્રસાદ યાદવે આક્ષેપ કર્યો હતો કે, “તેજસ્વી યાદવ માત્ર ચૂંટણી સમયે જ હેલિકોપ્ટરમાં બેસીને મત માંગવા આવે છે, પરંતુ જ્યારે આ દલિત વસ્તી પર આફત આવી છે ત્યારે તેમનો કોઈ પતો નથી.” લોકોનું કહેવું છે કે જો ધારાસભ્ય કે કોઈ મોટો નેતા સમયસર મુલાકાતે આવે તો તંત્ર પર દબાણ આવે અને યોગ્ય વળતર મળે, પરંતુ અત્યારે તેઓ પોતાને અનાથ અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો: ઉન્નાવ રેપ કેસના આરોપી કુલદીપ સેંગરની સજા રદ નહીં કરાય
35 જેટલા દલિત પરિવારો રસ્તા પર આવી ગયા
બીજી તરફ ગામના સરપંચ ઉર્મિલા દેવીએ જણાવ્યું કે આગમાં આશરે 35 જેટલા પરિવારો પ્રભાવિત થયા છે. તંત્ર દ્વારા પ્રાથમિક રાહત તરીકે પીડિતોને રાત્રિ દરમિયાન પ્લાસ્ટિકની તાડપત્રી અને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. હાલમાં મહેસૂલ વિભાગ દ્વારા નુકસાનનો અંદાજ કાઢીને પીડિતોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે, જેથી તેમને સરકારી જોગવાઈ મુજબ વળતર મળી શકે. જોકે, પોતાનું સર્વસ્વ ગુમાવનાર પરિવારો માટે આ સરકારી સહાય ‘ઊંટના મોંમાં જીરું’ સમાન હોવાનું લોકો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો: ‘આ તો ચોર છે…’ કહી દલિત યુવક, તેની માતા-બહેન પર ઘાતક હુમલો











