પાટણ: ગુજરાતમાં જાતિવાદ કઈ હદે વકરી ચૂક્યો છે તે કહેવાની જરૂર નથી. અત્યાર સુધી દલિતો સાથે સવર્ણ હિંદુઓ દ્વારા આભડછેટ પાળવામાં આવતી હોવાના, દલિતોના વરઘોડા રોકી હુમલો કરવામાં આવતા હોવાની ઘટનાઓ આપણે જોઈ છે. પરંતુ પાટણ જિલ્લાના એક ગામમાં ઠાકોર જાતિના કેટલાક લોકોએ દેવીપૂજક વરરાજાને ઘોડી પરથી ઉતારી અપમાન કર્યું હતું. આરોપીઓએ ‘તમે અમારાથી નીચા છો તો વરઘોડો કેમ કાઢો છો?’ એમ કહીને દેવીપૂજક યુવકને ઘોડી પરથી નીચે ઉતારી જાતિસૂચક અપશબ્દો કહી લગ્નના પ્રસંગને માતમમાં ફેરવી નાખ્યો હતો.
પાટણ જિલ્લાના બાલીસણા પોલીસ મથક હેઠળ આવતા હાજીપુર ગામમાં દેવીપૂજક (પટણી) સમાજના એક યુવકના લગ્ન પ્રસંગે નીકળેલા વરઘોડાને અટકાવી, વરરાજા સહિત તેના પરિવાર પર અન્ય ઠાકોર સમાજના શખ્સો દ્વારા લાકડીઓ અને દંડા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પીડિત પરિવારની ફરિયાદના આધારે બાલીસણા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 5 નામજોગ આરોપીઓ સામે ગુનો નોંધી તમામની અટકાયત કરી લીધી છે.

મામલો શું હતો?
સ્થાનિક સૂત્રો અને પોલીસ તપાસમાંથી મળતી વિગતો અનુસાર, ગત 27 જૂનના રોજ હાજીપુર ગામના રહેવાસી કૌશિક પટણી નામના દેવીપૂજક સમાજના યુવકના લગ્ન હતા. લગ્ન પૂર્વેની વિધિઓ પૂર્ણ કરીને પરિવાર પાટણથી ફુલેકું (જાન) લઈને પરત ગામ તરફ આવ્યો હતો. રાત્રે આશરે 8.00 વાગ્યાની આસપાસ હાજીપુર બસ સ્ટેશનથી વરઘોડો ધામધૂમથી શરૂ કરવામાં આવ્યો હતો. ડીજેના તાલ અને લગ્નના ગીતો સાથે વરઘોડો જ્યારે ગામના મુખ્ય ચોકમાં પહોંચ્યો અને જાનૈયાઓ ગરબે રમી રહ્યા હતા, ત્યારે અચાનક વિવાદની સ્થિતિ ઊભી થઈ હતી.
આ પણ વાંચો: મોબાઈલ ચોરીની શંકામાં બે દલિત યુવકોને નગ્ન કરી ફેરવાયા!
આ મામલે DySP પરેશ રેણૂકાએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, સામાજિક અને ધાર્મિક રીતિ-રિવાજ અનુસાર ગામના વાઘેશ્વરી માતાજીના મંદિરે વરઘોડો પહોંચ્યો ત્યારે વરરાજા ઘોડા પરથી નીચે ઉતરીને દર્શન કરવા ગયા હતા. દર્શનની વિધિ પતાવીને વરરાજા આગળ જવા માટે ફરી ઘોડા પર સવાર થયા હતા. આ જ બાબતનું મનદુઃખ રાખીને ગામના ઠાકોર સમાજના રામુજી ચનાજી ઠાકોર નામના શખ્સે વરઘોડાનો રસ્તો રોક્યો હતો અને વરરાજાને બળપૂર્વક ઘોડા પરથી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સમગ્ર વિવાદ વણસ્યો હતો અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.
ઠાકોર યુવકે વરરાજાનો કોલર પકડી ઘોડા પરથી ઉતાર્યા
ભોગ બનનાર વરરાજા કૌશિક પટણીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી રામુજી ચનાજી ઠાકોરે અચાનક વરઘોડામાં ઘૂસી આવી તેનો કોલર પકડી લીધો હતો અને તેને ઘોડા પરથી નીચે પછાડી દીધો હતો. ત્યારબાદ આરોપીએ પૂર્વઆયોજિત રીતે મારપીટ શરૂ કરી દીધી હતી, જેમાં વરરાજાનો લગ્નનો કિંમતી સૂટ ફાટી ગયો હતો અને ઝપાઝપી દરમિયાન ગળામાં પહેરેલી સોનાની ચેઈન પણ ખોવાઈ ગઈ હતી. આરોપીએ હુમલો કરતી વખતે જાહેર ચોકમાં જ્ઞાતિસૂચક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા અને કહ્યું હતું કે, “તમે પટણી સમાજના છો અને અમારાથી નીચા છો, તો વરઘોડો શા માટે કાઢો છો? અમારું સામાજિક બંધારણ થઈ ગયું છે અને અમે વરઘોડો નથી કાઢતા તો તમે શું કામ કાઢો છો?”

વરરાજાને બચાવવા માટે વચ્ચે પડેલા તેમના માતા કમુબેન પટણી, કાકા પ્રકાશભાઈ પટણી અને કાકી પર પણ હુમલાખોરોએ લાકડીઓ અને દંડા વડે હુમલો કર્યો હતો. કાકા પ્રકાશભાઈનો શર્ટ પણ ફાડી નાખવામાં આવ્યો હતો અને લગ્નમાં હાજર મહિલાઓ સાથે ભારે ઝપાઝપી અને ગેરવર્તણૂક કરવામાં આવી હતી. હુમલાખોરો આટલેથી જ ન અટકતા, તેમણે સમગ્ર પરિવારને ધમકી આપતા કહ્યું હતું કે, “જો ફરી ક્યારેય ગામમાં વરઘોડો કાઢવાની હિંમત કરશો તો જાનથી મારી નાખીશું.” આ ઘટનાને પગલે ગામમાં પટણી અને ઠાકોર સમાજ વચ્ચે ભારે સામાજિક તણાવની સ્થિતિ નિર્માણ પામી હતી.
આ પણ વાંચો: કરજણના MLA ના પુત્રએ આદિવાસી ડ્રાઈવરને ઉંધો લટકાવી માર્યો!
પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાલીસણા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને વધુ વણસતી અટકાવી અંકુશમાં લીધી હતી. પોલીસે પીડિત પરિવારની ફરિયાદના આધારે રામુજી ચનાજી ઠાકોર સહિત કુલ પાંચ નામજોગ આરોપીઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો તથા એટ્રોસિટી એક્ટ (SC-ST Act) ની કડક જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ 5 આરોપીઓની ધરપકડ કરી તેમને જેલહવાલે કર્યા છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જ્યારે જાન આગળની વિધિ માટે અમદાવાદ રવાના થઈ રહી હતી, ત્યારે પોલીસ તંત્ર દ્વારા વરઘોડા અને જાનને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો. હાલમાં હાજીપુર ગામમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે શાંત અને નિયંત્રણ હેઠળ છે. પીડિત પરિવારે સામાજિક ભેદભાવ રાખનારા આવા અસામાજિક તત્વો સામે કડક કાનૂની ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: ડે.કલેક્ટરની હેરાનગતિથી કંટાળી દલિત યુવકે કલેક્ટર કચેરીમાં ગળેફાંસો ખાધો!












