Adivasi News: જાતિવાદી તત્વોને ક્યારે કઈ બાબતે માઠું લાગી જાય તે કળી શકાતું નથી હોતું. દુઃખ તો ત્યારે થાય જ્યારે સામે નાનું બાળક હોવા છતાં પણ જાતિવાદી તત્વો તેમના પર હુમલો કરતા ખચકાતા નથી હોતા. આવી જ એક ઘટના આદિવાસી સમાજની બહુમતી ધરાવતા છત્તીસગઢમાંથી સામે આવી છે.
અહીંના કોરબા જિલ્લામાં આવેલી છુરી પ્રી-મેટ્રિક આદિવાસી છાત્રાલયમાં રસોઈયા તરીકે ફરજ બજાવતા કેસર દુબે નામના બ્રાહ્મણ રસોઈયાએ દારૂના નશામાં ચકચૂર થઈને ધોરણ 6 માં અભ્યાસ કરતા એક નિર્દોષ આદિવાસી વિદ્યાર્થી પુષ્પેન્દ્ર કંવર પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.

નશામાં ધૂત રસોઈયાનો આતંક
પ્રાપ્ત વિગતો મુજબ, રસોઈયો કેસર દુબે લાંબા સમયથી આ છાત્રાલયમાં ફરજ બજાવતો હતો. ઘટનાના દિવસે તે અતિશય દારૂ પીધેલી હાલતમાં છાત્રાલયમાં પ્રવેશ્યો હતો. નશામાં ધૂત હોવાથી તે ભાન ભૂલ્યો હતો અને ત્યાં હાજર નાના બાળકો સાથે ઉદ્ધત વર્તન કરવા લાગ્યો હતો. અચાનક તેણે પોતાની પાસે રહેલી તીક્ષ્ણ કુહાડી વડે પુષ્પેન્દ્ર કંવર પર હુમલો કરી દીધો. સદનસીબે, બાળકે છેલ્લી ઘડીએ બચવાનો પ્રયત્ન કર્યો હોવાથી કુહાડીનો ઘા તેની ગરદન પર ન વાગતા આંખની ઉપરના ભાગે વાગ્યો હતો. બાળક લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યું હતું અને અન્ય બાળકોમાં નાસભાગ મચી ગઈ હતી.
આ પણ વાંચો: દેશમાં દરરોજ 12 દલિત મહિલાઓ પર બળાત્કાર થાય છે!
છાત્રાલય તંત્રની ગંભીર બેદરકારી
આ ગંભીર ઘટના બની ત્યારે છાત્રાલયના અધીક્ષક પોતાની ફરજ પર હાજર નહોતા. તેઓ રજા પર હોવાનો ફાયદો ઉઠાવીને રસોઈયાએ આ કૃત્ય આચર્યું હતું. આ ઘટનાએ હોસ્ટેલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારીને ખુલ્લી પાડી દીધી છે. જો અધીક્ષક હાજર હોત અથવા છાત્રાલયમાં અન્ય કોઈ સુરક્ષાકર્મી તૈનાત હોત, તો કદાચ આ હુમલાને રોકી શકાયો હોત. જ્યારે બાળક ઘાયલ થયો, ત્યારે સાથી વિદ્યાર્થીઓએ જ તેના વાલીઓને જાણ કરી હતી, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
રસોઈયાઓનો ગુનાઈત ઈતિહાસ સામે આવ્યો
સ્થાનિક લોકો અને જનપ્રતિનિધિઓના જણાવ્યા મુજબ, કેસર દુબે અગાઉ પણ અનેકવાર નશાની હાલતમાં હોસ્ટેલમાં આવતો હતો. તે અવારનવાર આદિવાસી બાળકો સાથે અભદ્ર વર્તન અને ગાળાગાળી કરતો હતો. બાળકોએ અગાઉ પણ તેની ફરિયાદ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નહોતા, જેના પરિણામે આજે આ મોટી દુર્ઘટના ઘટી છે. આદિવાસી સમાજના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, રસોઈયા દ્વારા અગાઉ પણ આ રીતે બાળકો પર અત્યાચાર કરવામાં આવ્યા છે, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા.

આ પણ વાંચો: લાઠી નિલેશ રાઠોડ હત્યાકાંડમાં NHRC એ કલેક્ટર પાસે રિપોર્ટ માંગ્યો
પોલીસે આરોપી રસોઈયાની અટકાયત કરી
ઘટનાની જાણ થતા જ કટઘોરા પોલીસ હરકતમાં આવી હતી. હોસ્ટેલ અધીક્ષકની લેખિત ફરિયાદ બાદ પોલીસે આરોપી રસોઈયા કેસર દુબેને કસ્ટડીમાં લીધો છે. હાલમાં તેની સામે પ્રતિબંધાત્મક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે, સ્થાનિક નેતાઓ અને પીડિત પરિવારની માંગ છે કે આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવો જોઈએ અને તેને તાત્કાલિક ધોરણે સેવામાંથી બરતરફ કરી દેવો જોઈએ. આદિવાસી સંગઠનોએ ચીમકી આપી છે કે જો આરોપી સામે કડકમાં કડક પગલાં નહીં લેવામાં આવે, તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.
આ પણ વાંચો: બનાસકાંઠાના ઉણ ગામે ચૌધરી સમાજનું મહાસંમેલનનું હિંસક બન્યું











