દલિતવાસના કૂતરાં સવર્ણોના કૂતરાંને ભસતા 6 રાઉન્ડ ફાયરિંગ

Dalit News: દલિતવાસના કૂતરાઓ સવર્ણોને ભસતા જાતિવાદી તત્વો બંદૂક લઈને આવ્યા. દલિત પરિવાર પર હુમલો કરી 5-6 રાઉન્ડ ફાયરિંગ કરતા ભય ફેલાયો.
meerut Dalit family attack
meerut Dalit family attack

Dalit News: જાતિવાદી તત્વોને દલિત સમાજના લોકો સાથે ક્યારે કઈ બાબતે માઠું લાગી જાય તે કોઈ કળી શકે નહીં. ક્યારેક તેમને પાણી બાબતે માઠું લાગે, ક્યારેક દલિતોનો પડછાયો પડી જાય તો પણ વાંધો પડે. જો કે, ઉત્તર પ્રદેશના મેરઠમાં કૂતરા ભસવા જેવી સામાન્ય બાબતે જાતિવાદી તત્વોએ દલિત પરિવાર પર હુમલો કરી દીધો. ઉશ્કેરાયેલા આરોપીઓએ એ દરમિયાન 5-6 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું, જેના કારણે દલિતોમાં ભય ફેલાયો હતો.

મામલો મેરઠના દૌરાલા પોલીસ સ્ટેશન હેઠળ આવતા સરસવા ગામનો છે. અહીં દલિતોની શેરીના કૂતરાં સવર્ણોની શેરીના કૂતરાઓને ભસતા જાતિવાદી તત્વોએ દલિતવાસ પર હુમલો કર્યો હતો. આરોપીઓએ એક દલિત પરિવારને નિશાન બનાવીને તેમના પર જીવલેણ હુમલો કર્યો અને આતંક ફેલાવવા માટે હવામાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.

સામાન્ય વિવાદે ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ

ઘટનાની મળતી વિગતો મુજબ, રવિવારે સાંજે સરસવા ગામના દલિત મહોલ્લામાં રખડતા કૂતરાઓ ભસવાને કારણે વિવાદ સર્જાયો હતો. સ્થાનિક રહીશ રાકેશના જણાવ્યા અનુસાર, શેરીમાં કૂતરાઓ વચ્ચે લડાઈ થઈ રહી હતી, જેને લઈને ગામના કેટલાક ઉચ્ચ જ્ઞાતિના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. જોતજોતામાં આ સામાન્ય બોલાચાલીએ હિંસક વળાંક લીધો હતો. ગામના જ જગપાલ, ભૂરા, સુધીર, નિશાંત અને વિશુ નામના શખ્સો હાથમાં લાકડી-ડંડા અને ગેરકાયદેસર તમંચા લઈને દલિત સમાજમાંથી આવતા રાકેશના ઘર પાસે ધસી આવ્યા હતા. આરોપીઓએ રાકેશ અને તેના પરિવારના સભ્યોને ઘેરી લીધા હતા. રાકેશનો આરોપ છે કે હુમલાખોરોએ તેમને જોતા જ અત્યંત ગંદા અને જાતિસૂચક અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. જ્યારે પરિવારે આ ગેરવર્તણૂકનો વિરોધ કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા હુમલાખોરોએ લાઠી-ડંડાથી પરિવાર પર તૂટી પડ્યા હતા.

આ પણ વાંચોઃ બોટાદના ગઢડા પીપળના જાતિવાદી સરપંચે દલિત ખેડૂતને લાફો માર્યો

બચાવવા વચ્ચે પડેલી દલિત યુવતીને પણ માર માર્યો

જ્યારે રાકેશ પર જીવલેણ હુમલો થઈ રહ્યો હતો, ત્યારે તેની ભત્રીજી પાયલ તેને બચાવવા માટે વચ્ચે પડી હતી. પરંતુ આરોપીઓએ તેને પણ નિર્દયતાથી માર માર્યો હતો. પીડિત પક્ષનો આરોપ છે કે હુમલા દરમિયાન પાયલ સાથે અભદ્ર વર્તન અને બદસલૂકી કરવામાં આવી હતી. આ હુમલામાં રાકેશને માથાના ભાગે અને પાયલને હાથ-પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલમાં બંને લોહીલુહાણ હાલતમાં સારવાર હેઠળ છે.

આરોપીઓએ તમંચાથી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું

હુમલાની સૌથી ભયાનક બાબત એ હતી કે હુમલાખોરો માત્ર લાઠીઓ જ નહીં, પણ હથિયારો સાથે આવ્યા હતા. પીડિતના જણાવ્યા અનુસાર, હુમલાખોરોમાં સામેલ ભૂરા અને વિશુ પાસે તમંચા હતા. તેમણે દલિતોમાં ભય ફેલાવવાના ઈરાદે એક પછી એક 5 થી 6 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. ગોળીબારના અવાજથી આખા ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો અને લોકો પોતાના જીવ બચાવવા માટે ઘરના બારણાં બંધ કરીને અંદર ભરાઈ ગયા હતા. હુમલો કર્યા બાદ આરોપીઓ રાકેશના પરિવારને “આજે તો જીવતા છોડીએ છીએ, પણ જો પોલીસને જાણ કરી તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.

એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

બનાવની ગંભીરતા જોઈને દૌરાલા પોલીસ સ્ટેશનના પ્રભારી સુમન કુમાર સિંહ તાત્કાલિક પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપ્યા હતા અને પીડિત રાકેશની ફરિયાદના આધારે પાંચેય નામજદ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, મારામારી, છેડતી અને SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે ફરિયાદ નોંધી લીધી છે અને આરોપીઓની શોધખોળ માટે ટીમો બનાવી છે. ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે.” આ ઘટનાને પગલે દલિત સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સત્વરે આરોપીઓની ધરપકડ કરવાની માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચોઃ દલિત સરપંચના પતિને મોં કાળું કરી, જૂતા પહેરાવી ગામમાં ફેરવ્યા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
15 hours ago

Aa yogi sarkaare Hindu jatankvadi ane aatankvadi vichar dhara vara loko ne Dalito uper atyaachaar karavano chuto dor aapi didho che,,,

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x