‘હોળીમાં તેં મટકી ફોડી હતી, હવે તમને જીવતા છોડવાના નથી…’

Dalit News: હોળીના દિવસે શરૂ થયેલો સામાન્ય વિવાદ અત્યંત ગંભીર બન્યો. દલિત પરિવારને ગામના માથાભારે તત્વો જાનથી મારી નાખવાની તક શોધી રહ્યાં છે.
dalit news

Dalit News: બુદ્ધની ધરતી ગણાતા બિહારમાં એક દલિત પરિવાર સતત ભયના ઓંઠા હેઠળ જીવી રહ્યો છે. અહીંના ઐતિહાસિક શહેર ગયામાં એક દલિત પરિવાર માટે હોળીનો તહેવાર અદાવતનું કારણ બની ગયો છે. ચંદૌતી પોલીસ સ્ટેશન વિસ્તારના વિરોધરીચક ગામમાં એક ગરીબ દલિત પરિવાર છેલ્લા 25-26 દિવસથી ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. તેનો વાંક માત્ર એટલો જ હતો કે, પરિવારની વ્યક્તિએ હોળીના દિવસે પરંપરાગત મટકીફોડ કાર્યક્રમમાં જીત મેળવી હતી. ત્યારથી જાતિવાદી તત્વો આ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. આખરે પીડિત પરિવારે લાચાર બનીને સોમવારે વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) સુશીલ કુમારના દ્વાર ખખડાવી લેખિત અરજી આપીને સુરક્ષા માંગી છે. દલિત પરિવારનું કહેવું છે કે જો તંત્ર વહેલી તકે તેમની સુરક્ષા નહીં કરે તો જાતિવાદી તત્વો ગમે ત્યારે તેમના પર હુમલો કરી શકે છે.

હોળીના દિવસે સર્જાયેલો ઘટનાક્રમ વિવાદનું મૂળ

વિગતો મુજબ, ગત 5 માર્ચના રોજ જ્યારે સમગ્ર દેશ હોળીના રંગમાં રંગાયેલો હતો, ત્યારે વિરોધરીચક ગામમાં મટકી ફોડવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બે પક્ષો વચ્ચે મટકી કોણ ફોડશે અને કેવી રીતે ફોડશે તે બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોકે, આ સામાન્ય જીદ જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. ઉચ્ચ જ્ઞાતિના ગણાતા કેટલાક લોકોએ દલિત પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો. આ અંગે ચંદૌતી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ દાખલ કરાવી હતી, જેની કાયદાકીય તપાસ હાલમાં ન્યાયાલયમાં ચાલી રહી છે. પરંતુ કાયદાકીય પ્રક્રિયાની કોઈ પણ બીક રાખ્યા વગર બીજો પક્ષ સતત આ પરિવારને પાયમાલ કરવાના પ્રયાસો કરી રહ્યો છે.

આ પણ વાંચો: દેશની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ વિરુદ્ધ 8,630 ફરિયાદો મળી

જાતિવાદીઓનો ભય, દલિત પરિવાર 26 દિવસથી ઘરમાં કેદ

કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ હોવા છતાં ગામના જાતિવાદી ગુંડાઓનો આતંક ઓછો થયો નથી. પીડિત મહિલા આશા દેવીએ SSP ને આપેલા આવેદનમાં અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, ગામના મન્દુ યાદવ, છોટુ કુમાર ઉર્ફે નીરજ કુમાર, વિવેકી કુમાર, દીપક કુમાર અને કુશાલ કુમાર દ્વારા તેમના પરિવારને સતત ધમકી આપવામાં આવી રહી છે.

આશા દેવીએ રડતી આંખે જણાવ્યું હતું કે આ લોકો તેમને રસ્તા પર જોતાની સાથે જ ઘેરી લે છે અને મારપીટ શરૂ કરી દે છે. તેઓ તેમની જાતિ વિરુદ્ધ અત્યંત અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરે છે. એટલું જ નહીં, આરોપીઓ ખુલ્લેઆમ તેમના ઘર પર હથિયારો સાથે ચઢી આવે છે અને આખા પરિવારને ખતમ કરી નાખવાની ધમકી આપે છે. આ ડરને કારણે પરિવારના બાળકો શાળાએ જઈ શકતા નથી અને મહિલાઓ ઘરની બહાર નીકળતા પણ થથરે છે.

ધમકીને પગલે દલિત પરિવારની રોજગારી સંકટમાં

આ પરિવાર અત્યંત ગરીબ છે અને રોજનું કમાઈને રોજ ખાય છે. સતત મળી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓ અને રસ્તામાં થતી મારપીટને કારણે પરિવારના પુરુષ સભ્યો મજૂરી કામ પર જઈ શકતા નથી. છેલ્લા 26 દિવસથી કામ બંધ હોવાને કારણે ઘરમાં અનાજની પણ તંગી સર્જાઈ છે. એક તરફ જીવનું જોખમ છે અને બીજી તરફ ભૂખમરાની સ્થિતિ છે, આ બંને વિષમ પરિસ્થિતિઓ વચ્ચે દલિત પરિવાર ન્યાય માટે વલખાં મારી રહ્યો છે. રોજગાર છીનવાઈ જવાથી તેમની હાલત દયનીય બની ગઈ છે અને ગામમાં સામાજિક બહિષ્કાર જેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો: સરહદે દુશ્મનો સામે લડનાર દલિત સૈનિકને મર્યા પછી ‘જાતિ’ નડી

પીડિત પરિવારે પોલીસ સુરક્ષા માંગી

પીડિત પક્ષે આવેદનમાં સ્પષ્ટપણે માંગ કરી છે કે આ સમગ્ર મામલાની કોઈ ઉચ્ચ અધિકારી દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. તેમણે દાવો કર્યો છે કે સ્થાનિક સ્તરે તેમને યોગ્ય સહકાર મળી રહ્યો નથી, જેના કારણે આરોપીઓની હિંમત વધી છે. પીડિત પરિવારે માંગ કરી છે કે દરેક નામજોગ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને પરિવારને ચોવીસ કલાક પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવે જેથી તેઓ ગામમાં નિર્ભય થઈને હરીફરી શકે. ગામમાં ફરીથી જ્ઞાતિવાદી તણાવ ન વધે તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ કરવામાં આવી છે.

પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠ્યાં

ગયાના SSP સુશીલ કુમારે પીડિતોને સાંભળ્યા બાદ તપાસની ખાતરી આપી છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે 26 દિવસ સુધી જાતિવાદી તત્વોનો આતંક ચાલુ રહ્યો ત્યાં સુધી સ્થાનિક પોલીસ શું કરતી હતી? જો હોળીના દિવસે જ પોલીસે કડક હાથે કામ લીધું હોત, તો આજે એક ગરીબ પરિવારને આ રીતે લાચાર થઈને ઉચ્ચ અધિકારી પાસે દોડવું ન પડ્યું હોત. આ ઘટના બિહારમાં કાયદો અને વ્યવસ્થા તેમજ દલિતોની સુરક્ષા પર ફરી એકવાર સવાલ ઉભા કરે છે.

આ પણ વાંચો: અમદાવાદના વાસણામાં મધરાતે બહેન સામે જ દલિત યુવકની હત્યા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
15 hours ago

Aa loko Hindu jatankvadi or aatankvadi ni vichar dhara dharavta loko che tene kayda kiy rite jail bhega karo

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x