બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં ભાગદોડ: 8 મહિલાઓના મોત

નાલંદાના મઘડા ગામે ચૈત્રના છેલ્લા મંગળવારે ઉમટેલી ભીડમાં સર્જાયેલી અફરાતફરીને પગલે 8 મહિલાઓએ જીવ ગુમાવ્યા, અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત.
Nalanda Bihar Latest Update

બિહારના નાલંદા જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ શીતળાષ્ટમી મંદિરમાં ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. માતાના દર્શન કરવાની આંધળી દોટમાં સર્જાયેલી ભાગદોડમાં 8 મહિલાઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનામાં 6 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે સ્થાનિક મોડેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં રીટા દેવી અને રેખા દેવીની ઓળખ થઈ છે, જેઓ પોતાના પરિવાર સાથે શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવ્યા હતા, પરંતુ વ્યવસ્થાના અભાવે કાળનો કોળિયો બની ગયા હતા.

ચૈત્રના છેલ્લા મંગળવારે ભારે ભીડ ઉમટી

ચૈત્ર મહિનાનો છેલ્લો મંગળવાર હોવાથી આ દિવસે શીતળા માતાના દર્શનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. મઘડા ગામમાં આવેલા આ પ્રાચીન મંદિરે વહેલી સવારથી જ હજારોની મેદની ઉમટી પડી હતી. મંદિરનું ગર્ભગૃહ અત્યંત સાંકડું હોવા છતાં લોકોમાં વહેલા દર્શન કરવાની તીવ્ર હરીફાઈ જામી હતી. શ્રદ્ધાળુ મહિલાઓના જણાવ્યા મુજબ, કોઈ પણ વ્યક્તિ લાઈનમાં ઉભા રહેવા તૈયાર નહોતું. દરેક ભક્ત એકબીજાને ધક્કા મારીને આગળ વધવા માંગતા હતા. આ અંધાધૂંધી વચ્ચે અચાનક નાસભાગ મચી ગઈ અને લોકો એકબીજા પર પડવા લાગ્યા. ભીડ એટલી પ્રચંડ હતી કે શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો અને તે જ સમયે ગર્ભગૃહની અંદર ફસાયેલી મહિલાઓ કચડાઈ ગઈ હતી.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરની પ્રતિમા અનાવરણ પહેલા ખંડિત, ભાજપ નેતાએ કહ્યું, ‘હાથ કાપી લાવો..’

અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે

આપણા દેશમાં લોકો ધર્મ અને આસ્થાના નામે લાખો લોકો ભેગા થતા હોય છે, પરંતુ સુરક્ષા અને વ્યવસ્થા પ્રત્યેની બેદરકારી હંમેશા જીવલેણ સાબિત થાય છે. નાલંદાની આ ઘટના એ દર્શાવે છે કે આપણે હજુ પણ મોટી ભીડનું સંચાલન કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છીએ. ધાર્મિક મેળાવડાઓમાં જ્યારે હજારો લોકો એકઠા થાય છે ત્યારે ત્યાં બેરિકેટિંગ, લાઈન વ્યવસ્થા અને તબીબી સુવિધા હોવી અનિવાર્ય છે. ભૂતકાળમાં પણ દેશમાં અનેક મંદિરોમાં આવી ઘટનાઓ બની છે. વર્ષ 2005 માં મહારાષ્ટ્રના માંધરદેવી મંદિરમાં ભાગદોડમાં 340 થી વધુ લોકોના મોત થયા હતા. તે જ રીતે 2008 માં હિમાચલના નૈના દેવી મંદિરમાં અફવાને કારણે લાગેલી નાસભાગમાં 145 થી વધુ જીવ ગયા હતા. 2013 માં મધ્યપ્રદેશના રતનગઢ મંદિરમાં બ્રિજ તૂટવાની અફવાએ 115 થી વધુ લોકોના ભોગ લીધા હતા. આ તમામ ઘટનાઓ સાબિત કરે છે કે ધાર્મિક ઉન્માદમાં સુરક્ષાની અવગણના ભારે પડે છે.

Nalanda Bihar Latest Update

આ પણ વાંચો: ગૌતસ્કરીના આરોપમાં બજરંગદળ કાર્યકરોએ મુસ્લિમ યુવકને ગોળી મારી દીધી?

આવી ઘટનાઓમાંથી લોકો બોધપાઠ ક્યારે લેશે?

ધાર્મિક આસ્થા જરૂરી છે, પરંતુ તે અંધશ્રદ્ધા કે જીવના જોખમે ન હોવી જોઈએ. નાલંદાની આ હોનારત બાદ સમાજે અને વહીવટી તંત્રે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. લોકોએ પણ સમજવું જોઈએ કે જ્યાં ક્ષમતા કરતા વધુ ભીડ હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને નાના ગર્ભગૃહ ધરાવતા મંદિરોમાં તહેવારોના દિવસે જતી વખતે સ્વયં-શિસ્ત જાળવવી ખૂબ જરૂરી છે. જો દરેક ભક્ત લાઈનમાં ઉભા રહીને ધૈર્ય રાખે, તો આવી જાનહાનિ રોકી શકાય છે. વહીવટી તંત્રે પણ માત્ર પરવાનગી આપવાને બદલે સ્થળ પર પોલીસ બંદોબસ્ત અને ભીડ નિયંત્રણની આધુનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ.

નાલંદામાં બનેલી આ ઘટનામાં જે પરિવારોએ પોતાની માતા કે પત્ની ગુમાવી છે, તેમના માટે આ ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી. શ્રદ્ધાના પવિત્ર સ્થળો જ્યારે સ્મશાનમાં ફેરવાઈ જાય છે, ત્યારે તે વ્યવસ્થા અને લોકમાનસ બંને પર એક મોટો પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે. આગામી સમયમાં ધાર્મિક મેળાવડાઓમાં લોકો જાગૃત રહે અને તંત્ર સજ્જ રહે તે જ સાચી શ્રદ્ધાંજલિ હશે.

આ પણ વાંચો: દલિત વસ્તીમાં અચાનક ભીષણ આગ લાગતા 32 ઘરો બળીને ખાખ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x