ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ ચારધામો પૈકીના એક એવા ગંગોત્રી ધામમાં હવે ભક્તો માટે પ્રવેશના નિયમોમાં ઐતિહાસિક અને કડક ફેરફાર થવા જઈ રહ્યા છે. શ્રી પંચ ગંગોત્રી મંદિર સમિતિ દ્વારા એક નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જે મુજબ હવે ગંગોત્રી મંદિરમાં દર્શન કરવા આવતા પ્રત્યેક શ્રદ્ધાળુએ પ્રવેશદ્વાર પર જ ‘પંચગવ્ય’ ગ્રહણ કરવું પડશે. આ પંચગવ્યમાં ગાયનું દૂધ, દહીં, ઘી ઉપરાંત ગૌમૂત્ર અને ગાયના છાણનું મિશ્રણ હશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય મંદિરમાં પ્રવેશનાર વ્યક્તિની સનાતન ધર્મ પ્રત્યેની નિષ્ઠાની ચકાસણી કરવાનો અને શિખરધામની આધ્યાત્મિક પવિત્રતા જાળવી રાખવાનો છે.
શું ગૌમૂત્ર પીવું પડશે? જાણો સમિતિનો તર્ક
આ સમાચાર વાયુવેગે ફેલાતા જ શ્રદ્ધાળુઓમાં એક મોટો પ્રશ્ન જાગ્યો છે કે શું હવે ગંગોત્રી જનારા દરેક વ્યક્તિએ ફરજિયાત ગૌમૂત્ર પીવું પડશે? આ અંગે સ્પષ્ટતા કરતા મંદિર સમિતિના સચિવ સુરેશ સેમવાલે જણાવ્યું હતું કે, હિન્દુ શાસ્ત્રો અને પરંપરાઓમાં પંચગવ્યને શુદ્ધિકરણનું સર્વોચ્ચ માધ્યમ માનવામાં આવે છે. પંચગવ્યના પાંચેય તત્વો — દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને છાણ — જ્યારે ગંગાજળ સાથે મિશ્રિત થાય છે, ત્યારે તે અત્યંત પવિત્ર બને છે.

આ પણ વાંચો: તિરુપતિમાં ભક્તોએ 5 વર્ષ સુધી ‘ચરબીયુક્ત’ લાડુનો પ્રસાદ લીધો!
સમિતિનો તર્ક છે કે જે વ્યક્તિ ખરેખર સનાતન ધર્મી છે, તેને ગૌમૂત્ર કે પંચગવ્ય ગ્રહણ કરવામાં કોઈ સંકોચ નહીં હોય. આ પ્રક્રિયા દ્વારા માત્ર શારીરિક જ નહીં પણ આત્મિક શુદ્ધિ પણ થાય છે. જે શ્રદ્ધાળુઓ આ પવિત્ર મિશ્રણ સ્વીકારવાની તૈયારી બતાવશે, તેમને જ મંદિરમાં સન્માનપૂર્વક દર્શન કરવા દેવામાં આવશે. આ રીતે સમિતિ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે મંદિરના ગર્ભગૃહ સુધી માત્ર એ જ લોકો પહોંચે જેઓ હિન્દુ ધર્મની પ્રાચીન પરંપરાઓમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા હોય.
મંદિર સમિતિએ 10 સભ્યોની કમિટી બનાવી
ચોંકાવનારી બાબત એ છે કે, આ વિચિત્ર નિયમ લાવવો કે નહીં તે નક્કી કરવા માટે મંદિર સમિતિએ 10 સભ્યોની એક કમિટી નક્કી કરી છે. આ કમિટીમાં માત્ર ધાર્મિક વિદ્વાનો જ નહીં, પરંતુ કાયદાકીય નિષ્ણાતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કમિટી એ તપાસશે કે પંચગવ્યને ફરજિયાત બનાવવાથી કોઈ વ્યક્તિના બંધારણીય કે મૂળભૂત અધિકારોનું હનન તો નથી થતું ને? આ કમિટીના રિપોર્ટ અને ભલામણોના આધારે જ આગામી 19 એપ્રિલથી, જ્યારે ચારધામ યાત્રાના કપાટ ખુલશે, ત્યારે આ નિયમનો અમલ શરૂ કરવામાં આવશે. સમિતિનું માનવું છે કે ધાર્મિક સ્થાનો પર પરંપરાઓનું પાલન કરાવવું એ તેમનો નૈતિક અને કાયદેસરનો અધિકાર છે.

આ પણ વાંચો: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સામે અંધશ્રદ્ધા ફેલાવવાની ફરિયાદ!
ક્યા ધર્મના લોકોએ પાલન કરવું પડશે?
મંદિર સમિતિએ એક મહત્ત્વની સ્પષ્ટતા એ પણ કરી છે કે શીખ, બૌદ્ધ અને જૈન સમુદાયના લોકો સનાતન ધર્મનો જ એક અભિન્ન હિસ્સો છે. આ સમુદાયો અહિંસા અને આહાર વિષયક ચોક્કસ મર્યાદાઓ પાળતા હોવાથી તેમને આ પ્રક્રિયામાં કોઈ અવરોધનો સામનો કરવો પડશે નહીં. તેમની આસ્થા અને જીવનશૈલી સનાતન ધર્મની નજીક હોવાથી તેમને પ્રવેશમાં મુક્તિ અથવા વિશેષ છૂટછાટ મળી શકે છે.
યમનોત્રી અને બદ્રીનાથ-કેદારનાથમાં પણ આ નિયમો આવશે
ગંગોત્રીના આ નિર્ણયની અસર યમનોત્રી પર પણ જોવા મળી રહી છે. યમનોત્રી મંદિર સમિતિ પણ મંગળવારે એક બેઠક યોજીને આ જ પ્રકારના નિયમો લાગુ કરવા અંગે વિચારણા કરશે. યમનોત્રી સમિતિના પ્રવક્તા પુરુષોત્તમ ઉનિયાલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, “તાજેતરના વર્ષોમાં એવા લોકોની સંખ્યા વધી છે જેમને સનાતન ધર્મ કે આપણી સંસ્કૃતિ પ્રત્યે કોઈ આસ્થા નથી. તેઓ માત્ર પ્રવાસન માટે અહીં આવે છે, જેનાથી મંદિરની પવિત્રતા જોખમાય છે. તેથી, પંચગવ્ય જેવી પરંપરાઓને પુનઃજીવિત કરવી જરૂરી છે જેથી માત્ર સાચા સનાતનીઓ જ દર્શન કરી શકે.”
આ પણ વાંચો: ભાજપના મંત્રીએ કહ્યું, ‘ગાયનું દૂધ બુદ્ધિશાળી બનાવે છે, ભેંસનું ભ્રષ્ટ’
બીજી તરફ, બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) એ તો 11 માર્ચના રોજ બજેટ બેઠકમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ પસાર કરી દીધો છે. BKTC ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, દેવભૂમિના પવિત્ર ધામોનું મૂળભૂત સ્વરૂપ જાળવી રાખવું અનિવાર્ય છે અને તેના માટે કડક પગલાં લેતા અચકાઈશું નહીં.
ભક્તોમાં ઉત્સાહ જોવા ન મળ્યો
આ સમાચાર બાદ સોશિયલ મીડિયા અને શ્રદ્ધાળુઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો આ નિર્ણયને સનાતન ધર્મની રક્ષા માટે યોગ્ય ગણાવી રહ્યા છે, જ્યારે પ્રવાસીઓનો એક વર્ગ તેને અંગત સ્વાતંત્ર્ય પર તરાપ માની રહ્યો છે. જોકે, મંદિર સમિતિ પોતાના નિર્ણય પર અડગ છે. સમિતિનું કહેવું છે કે ગંગોત્રી એ માત્ર પર્યટન સ્થળ નથી, પરંતુ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે, અને તેની પરંપરાઓ સાથે કોઈ બાંધછોડ કરી શકાય નહીં.
पंचगव्य – गोमूत्र, गोबर, घी, दूध, दही
उत्तराखंड में गंगोत्री मंदिर समिति ने नियम बनाया है कि चारधाम यात्रा में मंदिर में प्रवेश से पहले आपको पंचगव्य पीकर साबित करना पड़ेगा कि आप सच्चे हिंदू हो।
— अमरेन्द्र खलबली amrendra khalbali (@Khalbaali) March 31, 2026
આમ, આગામી એપ્રિલ મહિનાથી ગંગોત્રી ધામની યાત્રા માત્ર ભૌગોલિક સફર નહીં, પરંતુ શ્રદ્ધાળુઓ માટે તેમની આસ્થાની આકરી કસોટી સમાન બની રહેશે. શું શ્રદ્ધાળુઓ પંચગવ્યનો સ્વીકાર કરીને મંદિરમાં પ્રવેશ કરશે, તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: દેશમાં ડિગ્રીધારી બેરોજગારોનો વિસ્ફોટ: 67% ગ્રેજ્યુએટ યુવાનો પાસે કામ નથી!











