ગાંધીનગરઃ ગુજરાતના સાહિત્યિક જગતમાં જેમનું નામ આદરપૂર્વક લેવાય છે તેવા ‘સવાયા દલિત સાહિત્યકાર’ અને પૂર્વ સનદી અધિકારી સ્વ. શ્રી પ્રવીણ ગઢવી સાહેબ દ્વારા સ્થાપિત ‘દલિત સાહિત્ય વિમર્શ મંચ – ગાંધીનગર’ દ્વારા ગઈકાલે એક વિશેષ સાહિત્યિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવંગત ગઢવી સાહેબની દલિત સાહિત્ય પ્રત્યેની જે આજીવન પ્રતિબદ્ધતા હતી, તેને જીવંત રાખવાના ભાગરૂપે આ મંચ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવાનું નક્કી કરાયું છે. આ જ શ્રૃંખલાના ભાગરૂપે તાજેતરમાં તા. 12 એપ્રિલ 2026ને રવિવારના રોજ, ગાંધીનગરના સેક્ટર-12 સ્થિત ‘ડો. બાબાસાહેબ આંબેડકર ભવન’ના સમિતિખંડમાં મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ભી.ન.વણકરની સાહિત્યયાત્રા અને તેમની જીવન કેફિયતનો વિશેષ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
ભી.ન.વણકરના સંઘર્ષમય જીવનની સાહિત્યિક માંડણી
કાર્યક્રમના સત્રમાં વસંતભાઈ જાદવે મંચની પ્રવૃત્તિઓ વિશે ભૂમિકા બાંધી હતી અને શ્રી ભી.ન.વણકરનો પરિચય આપતા જણાવ્યું હતું કે તેઓ માત્ર લેખક નથી, પણ સામાજિક નિસબત ધરાવતા એક જાગૃત કલમકાર છે. ત્યારબાદ મુખ્ય વક્તા શ્રી ભી.ન.વણકરે પોતાની સાહિત્યિક સફરના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના નાનકડા સુંદરપુર ગામથી શરૂ થયેલી પોતાની જીવનયાત્રા વિશે વિગતે વાત કરી હતી.

વતનમાં વીતેલું બાળપણ, પ્રાથમિક શિક્ષણ દરમિયાન વેઠવી પડેલી હાડમારીઓ અને તે સમયગાળા દરમિયાન મનમાં જન્મેલા સાહિત્યના અંકુરો વિશે તેમણે ખૂબ જ મૌલિક રીતે રજૂઆત કરી હતી. કિશોરવયથી જ તેમને કવિતા પ્રત્યે જે લગાવ હતો, તેણે કઈ રીતે તેમના વ્યક્તિત્વને ઘડ્યું તેની ઝાંખી તેમના વક્તવ્યમાં જોવા મળી હતી.
વહીવટી સેવાથી સાહિત્યિક સેવા સુધીની સફર
શ્રી ભી.ન. વણકરે પોતાની સાહિત્યયાત્રાને વહીવટી કારકિર્દી સાથે સાંકળીને રજૂ કરી હતી. Class-II તરીકેની જવાબદારીઓ નિભાવવાની સાથે તેમણે કઈ રીતે પોતાના ભીતરના લેખકને જીવંત રાખ્યો, તે નવી પેઢી માટે પ્રેરણારૂપ હતું. નિવૃત્તિ બાદ એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ અને સામાજિક ન્યાય માટેની તેમની લડત પણ તેમના સાહિત્યમાં પ્રતિબિંબિત થતી રહી છે. તેમણે અત્યાર સુધી પ્રકાશિત થયેલા પોતાના પુસ્તકો અને કવિતાસંગ્રહો વિશે વાત કરતા જણાવ્યું કે, દલિત સાહિત્ય એ માત્ર શબ્દોની રમત નથી, પણ એ જીવાયેલા અનુભવોની અભિવ્યક્તિ છે. વક્તવ્ય દરમિયાન તેમણે જીવનમાં આવેલા કરુણ પ્રસંગો અને પડકારો વિશે વાત કરતા અનેક હૃદયસ્પર્શી હકીકતો રજૂ કરી હતી.
આ પણ વાંચો: સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે ‘દિક્ષાધામ ગુજરાત’ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો
ભાવવિભોર કેફિયત સાથે કાવ્યપઠન
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ શ્રી ભી.ન.વણકરની દોઢ કલાક સુધી ચાલેલી ‘કેફિયત’ હતી. તેમણે પોતાની સાહિત્યયાત્રાના વિવિધ પડાવોને પોતાની જ લોકપ્રિય કાવ્યરચનાઓ દ્વારા વણી લીધા હતા. પોતાની સંઘર્ષગાથા વર્ણવતી વખતે તેઓ અનેકવાર ગદ્ગદિત થયા હતા અને ભાવુક બની ગયા હતા. જોકે, તુરંત જ સ્વસ્થ થઈને તેમણે દલિત-વંચિત સમાજની પીડાને વાચા આપતા શબ્દો વહાવ્યા હતા. તેમના આ પ્રવાહમય વક્તવ્યથી હોલમાં ઉપસ્થિત તમામ શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા અને વાતાવરણ અત્યંત ભાવમય બની ગયું હતું. આજે ગુજરાતના અગ્રીમ હરોળના અને પ્રતિબદ્ધ સાહિત્યકાર તરીકે તેમની જે ઓળખ છે, તેનું રહસ્ય તેમની પ્રામાણિક લેખિનીમાં રહેલું છે તેવું ઉપસ્થિત સૌને અનુભવાયું હતું.

આ પણ વાંચો: શરૂઆત પબ્લિકેશનના પાંચ પુસ્તકોનો વિમોચન કાર્યક્રમ યોજાયો
દિગ્ગજ દલિત સાહિત્યકારોની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ
કાર્યક્રમના અંતિમ ચરણમાં ઉપસ્થિત સાહિત્યકારોએ શ્રી ભી.ન. વણકરના પ્રદાનને બિરદાવ્યું હતું. આ પ્રસંગે સાહિત્ય જગતના અગ્રણીઓ સર્વશ્રી રાઘવજી માધડ, રામ જાસપુરા, નટુભાઈ પરમાર, રમણ વાઘેલા, પ્રવીણ શ્રીમાળી, સાહિલ પરમાર, ડો. નરસિંહદાસ વણકર, પ્રવીણ સુતરિયા, શૈલેષ રાઠોડ અને અશ્વિનભાઈ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એડવોકેટ સંદીપ જ્યોતિકર, એડવોકેટ કાન્તીભાઈ પટેલ, ધીરૂભાઈ કોટવાલ, ગિરીશભાઈ મારૂ, મૃગેશકુમાર ગોહિલ, જયંતિ ચાવડા, એ.ટી.શેઠ, રસીકલાલ નાયક અને અન્ય મહાનુભાવોએ પણ હાજરી આપી હતી. ડો. જયંત શ્રીમાળી, ડો. ગુલાબચંદ પટેલ અને હરગોવન મકવાણા સહિતના મિત્રોએ કાર્યક્રમની ગરિમા વધારી હતી.
સમગ્ર આયોજનને સફળ બનાવવા વસંત જાદવ, પી.બી. મકવાણા અને મૂળજીભાઈ મકવાણા ‘મૂલાંકી’એ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ સાચા અર્થમાં દલિત સાહિત્યના સંવર્ધન અને સંવાદનું ઉત્તમ માધ્યમ બની રહ્યો હતો.
આ પણ વાંચો: છેલ્લા 25 વર્ષમાં દેશનું સંરક્ષણ બજેટ કેટલું વધ્યું?















ખૂબ ખૂબ આભાર.