ગંદા તળાવ વચ્ચે છે ડૉ.આંબેડકરની પ્રતિમા, દલિતો 14મી એપ્રિલે અંદર ઉતરે છે

ambedkar jayanti 2026: એક એવું શહેર, જ્યાં 25 વર્ષથી ડૉ.આંબેડકરની પ્રતિમા ગંદા તળાવ વચ્ચે ઉભી છે. દલિતો દર વર્ષે 14મી એપ્રિલે ગટરના ગંદા પાણીમાં ઉતરીને મહાનાયકને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
Dr. Ambedkars statue in dirty pond

ambedkar jayanti 2026: આજે 14મી એપ્રિલ છે. ભારતના કરોડો બહુજનોની જિંદગીમાં સુખનો સૂરજ ઉગાડનાર મહાનાયક ડો.આંબેડકરના વિચારો દિન પ્રતિદિન વધુને વધુ પ્રસ્તુત બનતા જાય છે. બહુજન સમાજ ધામધૂમથી મહાનાયક ડો.આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. પરંતુ એક એવું પણ શહેર છે, જ્યાં ગટરના ગંદા પાણી વચ્ચે છેલ્લાં 25 વર્ષથી ડો.આંબેડકરની પ્રતિમા આવેલી છે, છતાં તંત્ર દ્વારા પ્રતિમાની કોઈ સંભાળ રાખવામાં આવતી નથી. દલિતો અનેકવાર રજૂઆતો કરી ચૂક્યાં છતાં નેતાઓ પ્રતિમાની જાળવણીની તસ્દી નથી લેતા. પરિણામે દલિતો દર વર્ષે 14મી એપ્રિલે ગટરના ગંદા પાણીથી ભરેલા આ તળાવમાં ઉતરે છે અને મહાનાયક ડો.આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીંના કાનપુરના કિદવઈ નગરમાં દલિત વસ્તી પાસે આવેલા ઐતિહાસિક બબુરિયા તળાવની મધ્યમાં છેલ્લા 25 વર્ષથી ભારતના બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમા આવેલી છે. દર વર્ષે 14મી એપ્રિલે આખો દેશ જ્યારે આંબેડકર જયંતિની ઉજવણી કરતો હોય છે, ત્યારે અહીંના 3000 દલિતોએ ગટરના ગંદા પાણી અને કીચડમાં ઉતરીને પોતાના ‘ભગવાન’ ગણાતા બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવી પડે છે.

આ પણ વાંચો: Dr.Ambedkar શા માટે RSS પર પ્રતિબંધની તરફેણમાં હતા?

બ્રાહ્મણ ધારાસભ્ય કોઈ પગલાં નથી કરતા

જુહી દલિતવાસના રહીશોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારના નેતાઓ અને વહીવટીતંત્રને આ સ્થિતિની કોઈ પરવા નથી. ધારાસભ્ય મહેશ ત્રિવેદી સતત બીજી વખત આ બેઠક પરથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તેમ છતાં સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમને એ પણ ખબર નથી કે અહીં તળાવની વચ્ચે ડો. આંબેડકરની પ્રતિમા આવેલી છે. લોકોનું કહેવું છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ નેતાઓ અહીં મત માંગવા માટે દેખાય છે. તે સમયે મોટા-મોટા વાયદાઓ કરવામાં આવે છે કે તળાવ સાફ કરવામાં આવશે અને પ્રતિમા સુધી પહોંચવા માટે રસ્તો બનાવવામાં આવશે, પરંતુ ચૂંટણી જીત્યા બાદ આ નેતાઓ ગુમ થઈ જાય છે. લોકો હવે પ્રશ્ન કરી રહ્યા છે કે તેઓ પોતાની સમસ્યાઓ લઈને કોની પાસે જાય, સાંસદ રમેશ અવસ્થી પાસે કે ધારાસભ્ય પાસે? કારણ કે જીત્યા પછી નેતાઓ જનતાને શોધવા પણ આવતા નથી.

Dr. Ambedkars statue in dirty pond

બાબાસાહેબની પ્રતિમા ગટરના ગંદા પાણી વચ્ચે ઉભી છે

બબુરિયા તળાવ હાલમાં એક મોટા ઉકરડા અને ગટર સમાન બની ગયું છે. આસપાસના આશરે 300 ઘરોની ગટરોનું દૂષિત પાણી સીધું આ તળાવમાં ઠલવાય છે. તળાવમાં જળકુંભી અને કાદવનું પ્રમાણ એટલું વધી ગયું છે કે પ્રતિમા સુધી પહોંચવું અત્યંત જોખમી બની ગયું છે.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી શા માટે જરૂરી છે?

સ્થાનિક યુવાનોના જણાવ્યા પ્રમાણે પ્રતિમા સુધી પહોંચવા માટે કીચડ અને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, જ્યાં કચરો, કાચ અને તીક્ષ્ણ પથ્થરો કાદવમાં દટાયેલા હોય છે. દર વર્ષે બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જતી વખતે કોઈ ને કોઈને ઈજા થાય છે. ગત વર્ષે તો સ્થિતિ એવી હતી કે પાણીમાં ઉતરેલી મહિલાઓના કિંમતી આભૂષણો પણ લપસી જવાને કારણે ગંદા પાણીમાં પડી ગયા હતા અને કીચડમાં ખોવાઈ ગયા હતા. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસન જ મળે છે.

પૂર્વ કોર્પોરેટરની આંદોલનની ચીમકી

આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર સુનીલ કનોજિયા, જેમના પત્ની હાલમાં અહીંના કોર્પોરેટર છે, તેઓ આ લડતમાં આગળ છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, તળાવના સૌંદર્યીકરણ અને સફાઈ માટે બે મહિના પહેલા નગર આયુક્તને લેખિતમાં પત્ર આપવામાં આવ્યો હતો. આ પત્ર હાલમાં નગર નિગમના ઝોન-3 ની ઓફિસમાં ફાઈલો વચ્ચે દબાયેલો પડ્યો છે. અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

Dr. Ambedkars statue in dirty pond

આ પણ વાંચો: અમદાવાદની ભીમ શક્તિ સેનાના 12 આગેવાનો 8 વર્ષે નિર્દોષ છૂટ્યાં!

સુનીલ કનોજિયાએ વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે દરેક વિધાનસભામાં આવેલી બાબા સાહેબની પ્રતિમાઓનું સૌંદર્યીકરણ કરવું, પરંતુ કાનપુર નગર નિગમના અધિકારીઓ મુખ્યમંત્રીના આદેશનો પણ મજાક ઉડાવી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે દલિત વિરોધી અધિકારીઓ સામે પગલાં લેવામાં નહીં આવે, તો સ્થાનિકો તળાવના પાણીની અંદર જ તખ્ત નાખીને ધરણા પ્રદર્શન કરશે.

150 વર્ષ જૂનું તળાવ અને પલાયનનો ઈતિહાસ

બબુરિયા તળાવનો ઈતિહાસ ઘણો જૂનો છે. અંદાજે 150 વર્ષ પહેલાં આ તળાવ સાફ અને પીવાલાયક પાણીથી ભરેલું હતું. વર્ષ 1957 માં શ્રમદાન દ્વારા આ જમીન ધોબી સમાજને કપડાં ધોવાના વ્યવસાય માટે સોંપવામાં આવી હતી. તે સમયે અહીં 200 થી વધુ પરિવારો કપડાં ધોવાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ ધીમે ધીમે તંત્રની ઉપેક્ષાને કારણે તળાવ ગંદકીથી ભરાઈ ગયું. ગંદા પાણીને કારણે કપડાં ધોવાનું અશક્ય બનતા અહીંથી મોટાભાગના પરિવારોએ પલાયન કરવું પડ્યું છે. જે લોકો વર્ષોથી આ પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા હતા, તેઓ આજે અન્ય સ્થળોએ નાની-મોટી ખાનગી નોકરીઓ કરવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચો: ન્યૂયોર્કે પહેલીવાર 14મી એપ્રિલને Dr.Ambedkar Day જાહેર કર્યો

‘અમે ગંદા પાણીમાં ઉતરીને પણ મહાનાયકને શ્રદ્ધાંજલિ આપીશું’

સ્થાનિક રહીશોની વહીવટીતંત્ર પાસે માત્ર એટલી જ માંગ છે કે આ તળાવની સંપૂર્ણ સફાઈ કરવામાં આવે, ગટરના પાણીનો નિકાલ અન્યત્ર કરવામાં આવે અને તેમાં સ્વચ્છ પાણી ભરવામાં આવે. જો તળાવમાં સાફ પાણી હશે તો પશુઓ તે પી શકશે અને લોકો ફરીથી ત્યાં કપડાં ધોઈ શકશે. હાલમાં તો તળાવનું પાણી એટલું ઝેરી છે કે પશુઓ માટે પણ તે જીવલેણ સાબિત થઈ શકે છે.

આટલી મુશ્કેલીઓ હોવા છતાં, દલિત સમાજની આસ્થા ડગી નથી. તેઓ કહે છે કે, “ભલે અમારે કીચડમાં ઉતરવું પડે, ભલે નેતાઓ અમને ભૂલી જાય, પણ બાબા સાહેબ અમારા ભગવાન છે અને અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગંદા પાણીમાં ઉતરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું.”

આ પણ વાંચો: ગુજરાત બન્યું ભીમમય: ગામડાથી મેટ્રો સિટી સુધી ‘જય ભીમ’ની ગૂંજ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x