ગોંડલ તાલુકાના સૌથી મોટા અને રાજકીય રીતે સક્રિય એવા મોવિયા ગામમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના સ્થાપન બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. 14મી એપ્રિલની મધ્યરાત્રિએ બનેલી આ ઘટનાએ હવે વહીવટી અને સામાજિક ગજગ્રાહનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. હાલ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને ઉચ્ચ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
મામલો શું હતો
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 14મી એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની મધ્યરાત્રિએ મોવિયા ગામના જૂના બસ સ્ટેન્ડ રોડ પર આવેલા મુખ્ય ચોકમાં દલિત સમાજના લોકો દ્વારા ડૉ. આંબેડકરની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે જ્યારે આ બાબતની જાણ ગામના અન્ય લોકોને અને ગ્રામ પંચાયતને થઈ ત્યારે મામલો ગરમાયો હતો. પંચાયતનું કહેવું છે કે આ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના કાયદાકીય નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી.

ગ્રામ પંચાયતે પ્રતિમા મૂકવાનો વિરોધ કર્યો
ગ્રામ પંચાયત તરફથી સરપંચના પ્રતિનિધિ રોહિતભાઈ ખુંટે જણાવ્યું હતું કે, પંચાયત પ્રતિમાની વિરોધી નથી, પરંતુ તેની સ્થાપના માટે એક નિશ્ચિત સરકારી પ્રક્રિયા હોય છે. તેઓએ ઉમેર્યું કે, “અમે અગાઉ દલિત સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી અને તેઓને ખાતરી આપી હતી કે અત્યારે લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવાથી કોઈ નવી કામગીરી થઈ શકે તેમ નથી.
આ પણ વાંચો: ગેસ પર બનેલી રોટલી ખાવાથી પુરુષોમાં દમ નથી રહ્યો’- દેવકીનંદનનો બફાટ
આચારસંહિતા પૂર્ણ થયા બાદ પંચાયતની બોડીમાં ઠરાવ કરી, યોગ્ય જગ્યાની પસંદગી કરીને કાયદેસર રીતે પ્રતિમા મૂકવા માટે અમે સહમત હતા. તેમ છતાં, રાતોરાત કોઈ પણ મંજૂરી વિના પ્રતિમા મૂકી દેવી તે નિયમ વિરુદ્ધ છે.”
દલિત સમાજનો 15 વર્ષનો આક્રોશ
બીજી તરફ, દલિત સમાજના અગ્રણીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનો આક્ષેપ છે કે તેઓ છેલ્લા 15 વર્ષથી પંચાયત પાસે પ્રતિમા સ્થાપવા માટે જમીન અને મંજૂરીની માંગ કરી રહ્યા છે. દર વખતે પંચાયત દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવતા હતા અથવા નકારાત્મક વલણ અપનાવવામાં આવતું હતું. સમાજનું કહેવું છે કે અન્ય સમાજોની પ્રતિમાઓ કે ધાર્મિક સ્થાનો માટે તંત્ર ત્વરિત મંજૂરી આપે છે, તો બંધારણના ઘડવૈયાની પ્રતિમા માટે જ કેમ આટલો વિલંબ અને વિરોધ? આ અન્યાય સામે કંટાળીને આખરે તેઓએ સ્વયંભૂ રીતે પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો: BSP ને છેલ્લાં 19 વર્ષથી 20 હજારથી વધુનું દાન નથી મળ્યું!
ધરણા બાદ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારાઈ
બુધવારે મોડી રાત્રે જ્યારે એવી અફવા ફેલાઈ કે તંત્ર દ્વારા આ પ્રતિમા હટાવવામાં આવશે, ત્યારે મામલો વધુ ગંભીર બન્યો હતો. મોટી સંખ્યામાં દલિત સમાજની મહિલાઓ અને પુરુષો પ્રતિમા પાસે જ ધરણા પર બેસી ગયા હતા. વાતાવરણ તંગ બનતા જ ગોંડલ ડીવાયએસપી ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ પણ વાંચો: સરકારી શાળામાં ‘ભટકતી આત્મા’ની શાંતિ માટે શિક્ષકોએ ‘ભૂત મંદિર’ બનાવ્યું
સમાજે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો પ્રતિમાને ખસેડવાની કે અપમાનિત કરવાની સહેજ પણ કોશિશ કરવામાં આવશે, તો દલિત સમાજના યુવાનો આત્મવિલોપન કરતા અચકાશે નહીં. આ ઉપરાંત, જો વહીવટી તંત્ર બળપ્રયોગ કરશે તો સમગ્ર ગુજરાતમાંથી દલિત સમાજના લોકો મોવિયા તરફ કૂચ કરશે, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે.
હાલ પોલીસ દ્વારા ગામમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ જ્ઞાતિગત સંઘર્ષ ન થાય. વહીવટી તંત્ર દ્વારા સમાજ અને પંચાયત વચ્ચે મધ્યસ્થી કરીને મડાગાંઠ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ બંને પક્ષો પોતાની જીદ પર અડગ હોવાથી મોવિયામાં હાલ શાંતિ ડહોળાયેલી છે અને સ્થિતિ ગમે ત્યારે વણસી શકે તેમ છે.
આ પણ વાંચો: ડૉ.આંબેડકરની પ્રતિમા આસપાસ દબાણ કરાતા યુવકે અનોખી રીતે વિરોધ કર્યો











