જાતિવાદી તત્વોને જાણે દલિતો પર હુમલો કરતી વખતે કાયદો વ્યવસ્થાનો જરાય ડર જ ન હોય તેવી સ્થિતિ બની રહી છે. ઉત્તર પ્રદેશના સહારનપુરના કુતુબખેડી ગામમાં પોતાની મજૂરીના પૈસા માંગવા ગયેલા એક દલિત યુવક પર ગામના માથાભારે શખ્સે જીવલેણ હુમલો કર્યો હતો. આરોપ છે કે મજૂરીના પૈસા માંગતા ઉશ્કેરાયેલા શખ્સે યુવકને જાતિસૂચક ગાળો ભાંડી દાતરડા વડે તેનો કાન કાપી નાખ્યો હતો.
મજૂરીના પૈસા માંગતા આરોપી ઉશ્કેરાઈ ગયો
પ્રાપ્ત વિગતો અનુસાર, પીડિત દલિત યુવક ગામના જ એક વ્યક્તિને ત્યાં મજૂરીકામ કરતો હતો. લાંબા સમયથી બાકી નીકળતા મજૂરીના પૈસા લેવા માટે જ્યારે યુવક આરોપી પાસે પહોંચ્યો, ત્યારે આરોપી અચાનક ઉશ્કેરાઈ ગયો હતો. પીડિતના જણાવ્યા મુજબ, પૈસા આપવાને બદલે આરોપીએ તેની જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને તેને જાતિસૂચક ગાળો ભાંડી હતી. વિવાદ વધતા આરોપીએ લાકડી-ડંડા વડે યુવકને માર મારવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: દલિત ખેડૂતને પિસ્તોલ બતાવી ઓરડામાં પૂરી ફાંસીએ લટકાવવાનો પ્રયાસ
દાતરડા વડે હુમલો કરી કાન કાપી નાખ્યો
ચોંકાવનારી વાત એ છે કે, આરોપીએ આવેશમાં આવી જઈ દાતરડા વડે યુવક પર હુમલો કર્યો. આરોપીએ યુવકના માથાના ભાગે ઘા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવકે બચાવ માટે માથું નમાવતા દાતરડું તેના ડાબા કાન પર વાગ્યું હતું. આ હુમલામાં યુવકનો ડાબો કાન ગંભીર રીતે કપાઈ ગયો હતો અને તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો.
ગામલોકો દોડી આવતા આરોપી ફરાર
યુવકની બૂમાબૂમ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફતેહપુરના રહેવાસી પિન્કા સહિત અન્ય લોકોએ વચ્ચે પડવાનો પ્રયાસ કરતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જતા-જતા આરોપીએ પીડિતને ધમકી આપી હતી કે જો ફરીથી મજૂરીના પૈસા માંગ્યા તો તેને જાનથી મારી નાખશે. ગ્રામજનોએ તાત્કાલિક ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
આ પણ વાંચો: ધ્રાંગધ્રામાં AAP પ્રમુખ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
પીડિત યુવકે ગંગોહ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપીને ન્યાયની માંગ કરી છે. યુવકે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને હત્યાના પ્રયાસ હેઠળ ગુનો નોંધી તેની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. આ મામલે ગંગોહ કોતવાલી પ્રભારી સંજીવ કુમારે જણાવ્યું હતું કે, “અમને પીડિત દ્વારા અરજી મળી છે. યુવકની મેડિકલ તપાસ કરાવવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.”
આ પણ વાંચો: બ્રાહ્મણ યુવકોએ કાર ન હટાવતા 14મી એપ્રિલની રેલીમાં હિંસા ફાટી નીકળી!












