મનુવાદીઓએ ફેલાવેલી આભડછેટની ગંદકી આજે એકવીસમી સદીમાં પણ દલિતોનો પીછો છોડી રહી નથી. ગ્રામ પંચાયતથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી દરેક ફિલ્ડમાં મનુવાદી તત્વો અડિંગો જમાવીને બેસી ગયા છે, જેના કારણે આ દેશના મૂળનિવાસી એવા દલિતો, આદિવાસીઓ, ઓબીસીને સતત અસ્પૃશ્યતાનો સામનો કરવો પડી રહ્યો છે. આવી જ એક ઘટનામાં એક દલિત મહિલા પ્રોફેસરને જાતિવાદી તત્વોના કારણે સામાજિક બહિષ્કારનો સામનો પડી રહ્યો છે.
મામલો શું છે?
મામલો તેલંગાણાનો છે. અહીંની સતાવાહના યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના વડા અને જાણીતા દલિત અધિકાર કાર્યકર્તા પ્રોફેસર સુજાતા સુરેપલ્લીએ આરોપ લગાવ્યો છે કે તેમને ‘અર્બન નક્સલ’ કહીને તેમની શારીરિક અને માનસિક સતામણી કરવામાં આવી રહી છે. પ્રોફેસર સુજાતાના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીના વહીવટીતંત્ર અને તેમના એક સહકર્મી દ્વારા તેમને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે સંસ્થામાં તેમનો સંપૂર્ણ સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. આ મામલાની ગંભીરતાને જોતા તેમણે તેલંગાણા રાજ્ય અનુસૂચિત જાતિ આયોગ અને પોલીસનો સંપર્ક સાધ્યો છે.

આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં આસિસ્ટન્ટ પ્રોફેસર પેંચલા શ્રીનિવાસ અને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર યુ. ઉમેશ કુમારની ભૂમિકા હોવાનું પ્રોફેસર સુજાતાએ જણાવ્યું છે. પેંચલા શ્રીનિવાસ, જેઓ અગાઉ વનસ્પતિ વિજ્ઞાન વિભાગમાં ભણાવતા હતા, તેમને 2019માં વિદ્યાર્થિનીઓના જાતીય શોષણ અને રાત્રિના સમયે ફોન કરીને હેરાન કરવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ‘માછલી વધુ કેમ લીધી?’ કહી દલિત દંપતી પર જાતિવાદીઓએ હુમલો કર્યો
પ્રોફેસર સુજાતાએ આક્ષેપ કર્યો છે કે શ્રીનિવાસને એવું લાગે છે કે તેમના વિરુદ્ધ થયેલી તપાસ પાછળ તેમનો હાથ હતો, તેથી તેઓ બદલાની ભાવનાથી કામ કરી રહ્યા છે. શ્રીનિવાસે સોશિયલ મીડિયા પર પ્રોફેસર સુજાતા વિરુદ્ધ દુષ્પ્રચાર શરૂ કર્યો હતો અને તેમને ‘અર્બન નક્સલ’ તરીકે ઓળખાવ્યા હતા. વર્ષ 2019માં જ્યારે સુજાતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ માટે ખમ્મમ લઈ ગયા હતા, ત્યારે તેને માઓવાદીઓ સાથેની મુલાકાત તરીકે ખપાવવાનો પ્રયાસ થયો હતો, જોકે તત્કાલીન પોલીસ તપાસમાં આ આરોપો પાયાવિહોણા સાબિત થયા હતા.
લાયકાત હોવા છતાં રજિસ્ટ્રાર ન બનાવાયા
ઘટનાક્રમમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે યુનિવર્સિટી દ્વારા 2021માં બરતરફ કરાયેલા પેંચલા શ્રીનિવાસને 1 એપ્રિલના રોજ નિયમોનું ઉલ્લંઘન કરીને ફરીથી નોકરી પર રાખવામાં આવ્યા. પ્રોફેસર સુજાતાના જણાવ્યા મુજબ, વાઈસ ચાન્સેલર ઉમેશ કુમાર પણ શ્રીનિવાસ સાથે મળીને તેમને પદભ્રષ્ટ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. વરિષ્ઠતા અને યોગ્યતા હોવા છતાં સુજાતાને રજિસ્ટ્રારના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું નથી અને તેમને આર્ટ્સ કોલેજના ડીન પદ પરથી પણ હટાવી દેવામાં આવ્યા છે. વધુમાં, તેમની પ્રાઈવસીનું ઉલ્લંઘન કરીને તેમની ઓફિસની આસપાસ સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ પ્રોફેસર સુજાતા સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક ન રાખે.

આ પણ વાંચો: દલિત વિદ્યાર્થીની પર શિક્ષકે 20 દિવસ સુધી રેપ કરી ગર્ભપાત કરાવ્યો
પ્રજાસત્તાક દિને ધ્વજવંદન પણ ન કરવા દેવાયું
અન્યાયની પરાકાષ્ઠા તાજેતરના પ્રજાસત્તાક દિનના કાર્યક્રમ દરમિયાન જોવા મળી હતી. આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ તરીકે પ્રોફેસર સુજાતાએ ધ્વજવંદન કરવાનું હતું, પરંતુ તેમના પર લાગેલા ‘રાષ્ટ્ર વિરોધી’ હોવાના ખોટા આરોપોને કારણે થયેલા વિરોધ પ્રદર્શનો બાદ સમગ્ર કાર્યક્રમ જ રદ કરી દેવામાં આવ્યો હતો. આ પ્રકારના કૃત્યો દ્વારા એક સક્ષમ દલિત મહિલા પ્રોફેસરને માનસિક રીતે તોડી પાડવાનો અને તેમને સંસ્થામાંથી બહાર ધકેલી દેવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું શિક્ષણવિદોનું માનવું છે.
પ્રોફેસર કે. ચક્રધર રાવ અને જી. હરગોપાલ જેવા અગ્રણીઓએ આ ઘટનાની સખત નિંદા કરી છે અને સરકારને તાત્કાલિક દખલગીરી કરવા વિનંતી કરી છે. 9 એપ્રિલના રોજ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં સુજાતાએ સ્પષ્ટ કર્યું છે કે શ્રીનિવાસ અને VC દ્વારા ઊભું કરવામાં આવેલું આ શત્રુતાપૂર્ણ વાતાવરણ તેમની શૈક્ષણિક સ્વતંત્રતા અને ગરિમા પર સીધો હુમલો છે. આ મામલો હવે રાજ્ય કક્ષાએ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને દલિત સંગઠનો પ્રોફેસર સુજાતાના ન્યાય માટે મેદાને આવ્યા છે.
આ પણ વાંચો: Chhattisgarh માં 400 આદિવાસીઓની હત્યા થઈ, જેમાં 140 મહિલાઓ











