સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં પણ જાતિવાદનું ઝેર કેટલું પ્રબળ હોય છે તેની આ વાત છે. મામલો ઝારખંડનો છે. અહીંની એક સરકારી રહેણાંક શાળાના છાત્રાલયમાં એક 16 વર્ષના દલિત વિદ્યાર્થી પર મોબાઈલ ફોન અને પૈસા ચોરી કરવાનો આરોપ લગાવીને હોસ્ટેલના રૂમમાં બંધક બનાવવામાં આવ્યો હતો.
આશરે 4 કલાક સુધી આ સગીર વિદ્યાર્થીને બેલ્ટથી ઢોર માર મારીને માનસિક યાતનાઓ આપવામાં આવી હતી. ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીને હાલ સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

રૂમમાં ઢસડી જઈ કપડાં ઉતરાવ્યા, ઘા પર મીઠું ભભરાવ્યું
પીડિત વિદ્યાર્થીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, 14 જુલાઈના રોજ જ્યારે તે પોતાના રૂમમાં ઊંઘી રહ્યો હતો, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ બળજબરીપૂર્વક અંદર ઘૂસી આવ્યા હતા. તેમણે તેનું મોં બંધ કરી દીધું હતું અને બીજા રૂમમાં ઢસડી ગયા હતા. ત્યાં તેને બળજબરીથી નિર્વસ્ત્ર કરવામાં આવ્યો હતો અને 3 લોકો બેલ્ટથી સતત ફટકારી રહ્યા હતા, જ્યારે બાકીના વિદ્યાર્થીઓ આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી રહ્યા હતા. નરાધમોએ તેના શરીર પર પડેલા ઘા પર મીઠું છાંટીને ફરીથી માર માર્યો હતો અને દુષ્કર્મ કરવાની ધમકી પણ આપી હતી.
આ પણ વાંચો: એન્જિનિયરીંગ, MBBS સહિત શિક્ષણ ફ્રી કરીશું: ચંદ્રશેખર આઝાદ
જાતિસૂચક ગાળો આપી વિડીયો વાયરલ કર્યો
ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં પીડિત હાથ જોડીને કરગરી રહ્યો છે, છતાં તેની પાસે પુશ અપ્સ અને ઉઠક-બેઠક કરાવવામાં આવી રહી છે. અત્યાચાર દરમિયાન આરોપીઓએ તેને જાતિસૂચક ગાળો આપી હતી અને ઘટના અંગે કોઈને ન જણાવવા ધમકી આપી તેનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. 2 દિવસ સુધી અસહ્ય દર્દ સહન કર્યા બાદ પીડિતે અન્ય વ્યક્તિના ફોનથી પોતાના પિતાને સંપર્ક કરીને આ ખૌફનાક ઘટનાની જાણ કરી હતી.
આ પણ વાંચો: કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચના સમર્થનમાં હજારો લોકો ઉતર્યા

6 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, FIR નોંધાઈ
આ ખૌફનાક કાંડ બાદ પીડિત પરિવાર અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ, SC/ST Act હેઠળ ગુનો નોંધવા અને શાળા પ્રશાસન સામે સખત કાર્યવાહીની માંગ કરી છે. પિતાએ આક્ષેપ કર્યો છે કે ભૂતકાળમાં પણ તેમના પુત્ર સાથે જાતિવાદી ભેદભાવ થયો હતો.
પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ એમડી ઈફ્ફાર અહમદે જણાવ્યું કે 6 વિદ્યાર્થીઓ સામે FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલુ છે. SC/ST Act અંગે તેમણે સ્પષ્ટતા કરી કે આરોપીઓમાંથી 1 વિદ્યાર્થી પોતે પણ દલિત સમાજનો છે. બીજી તરફ શાળા પ્રશાસને કડક વલણ અપનાવીને તમામ 6 આરોપી વિદ્યાર્થીઓને શાળામાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
આ પણ વાંચો: પોલીસ કસ્ટડીમાં થર્ડ ડિગ્રી ટોર્ચરથી દલિતનું મોત, PSI સહિત 6 સસ્પેન્ડ










