જામનગર: ગુજરાતમાં પંચાયતી રાજના પાયા સમાન સરપંચના પદ પર બેઠેલા અનુસૂચિત જાતિના પ્રતિનિધિઓ સામે જ્ઞાતિગત ભેદભાવ અને અત્યાચારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ ખાતે દલિત સરપંચ હરીશભાઈ ગોવિંદભાઈ સાગઠીયાને જાહેરમાં જ્ઞાતિ વિષયક અપમાનિત કરી, ગંભીર ધમકીઓ આપવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે મુંબઈ સ્થિત મહાજન અગ્રણી કિશોરભાઈ રાયસીભાઈ ગોસરાણી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.
બજાર વચ્ચે બોલાચાલી કરી અપમાન કર્યું
પોલીસ દફતરે નોંધાયેલી વિગતો અનુસાર, આ ઘટના ગત તા. 23 એપ્રિલ 2026ના રોજ બપોરના આશરે 2.00 વાગ્યાના સુમારે બની હતી. ફરિયાદી સરપંચ હરીશભાઈ સાગઠીયા પોતાની કાર લઈને નવાગામના મુખ્ય બજારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આરોપી કિશોરભાઈ ગોસરાણીએ તેમને અટકાવ્યા હતા. જાહેરમાં લોકોની હાજરીમાં આરોપીએ જૂના મનદુઃખને લઈ સરપંચ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. આરોપીએ ઉશ્કેરાઈને સરપંચની જ્ઞાતિ પર નિશાન સાધી અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને બેફામ ગાળો ભાંડી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં દરબાર શખ્સે આદિવાસી પોલીસકર્મી પર જીવલેણ હુમલો કર્યો
જાનથી મારી નાખવાની ધમકી આપી
તપાસમાં બહાર આવ્યું છે કે, અગાઉ સરપંચ દ્વારા આરોપી કિશોરભાઈ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ખોટા સમાચાર ફેલાવવા અને પાયાવિહોણા આક્ષેપો કરવા બાબતે પોલીસમાં અરજી કરવામાં આવી હતી. આ બાબતની દાઝ રાખી આરોપીએ સરપંચને અટકાવી ધમકી આપી હતી કે, “તેં મારી વિરુદ્ધ જે અરજી કરી છે તેનું પરિણામ તારે ભવિષ્યમાં ભોગવવું પડશે, હું તને જોઈ લઈશ.” આ પ્રકારની ધમકીના કારણે સરપંચ અને તેમના પરિવારમાં ભયનો માહોલ સર્જાયો છે.
એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
આ બનાવ અંગે ભોગ બનનાર સરપંચે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી કિશોરભાઈ રાયસીભાઈ ગોસરાણી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ ૩૫૨ (શાંતિ ભંગ કરવાના ઈરાદાથી અપમાન) અને ૩૫૧(૨) (ધમકી) હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમ ૩(૧)(આર), ૩(૧)(એસ) અને ૩(૨)(૫એ) મુજબ કડક જોગવાઈઓ ઉમેરવામાં આવી છે.
આ પણ વાંચો: દલિત મજૂરનું અપહરણ કરી ગળું દબાવી હત્યા કરી દેવાઈ

આરોપી હજુ ફરાર, ધરપકડ નહીં
હાલમાં આરોપી પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. મેઘપર પોલીસે આરોપીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે અને ઘટનાસ્થળના પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જાહેર પદ પર બિરાજમાન વ્યક્તિ સામે આ પ્રકારે જાહેરમાં જ્ઞાતિવાદ અને જોહુકમીની ઘટના બનતા સ્થાનિક દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. દલિત સમાજની વ્યક્તિ જ્યારે સરપંચપદે હોય ત્યારે જાતિવાદી તત્વો દાદાગીરી પર ઉતરી આવતા હોય છે તેનો આ વધુ એક પુરાવો છે.
આ પણ વાંચો: ડૉ.આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી શા માટે જરૂરી છે?











