કથિત વિશ્વગુરુ આપણા દેશમાં એક દિવસ એવો નથી જતો જ્યારે દલિત સમાજની કોઈ વ્યક્તિ પર અત્યાચાર ન થયો હોય. આવી જ એક ઘટના ગઈકાલે પણ બની હતી. એક દલિત વિદ્યાર્થીને ખાનગી શાળાના એક શિક્ષકે પુસ્તક ન લાવવા બદલ જાતિસૂચક અપશબ્દો કહીને બેંચ સાથે માથું અથડાવી લોહીલુહાણ કરી નાખ્યો. વિદ્યાર્થીની હાલત બગડી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
મામલો ખાપ પંચાયતોના તુઘલકી નિર્ણયો માટે કુખ્યાત હરિયાણાનો છે. અહીંના ગુરુગ્રામ જિલ્લાના સોહના કસબામાં એક ખાનગી શાળામાં શિક્ષકે માનવતા નેવે મૂકીને એક દલિત વિદ્યાર્થીને માત્ર હિન્દીનું પુસ્તક ન લાવવા જેવી સામાન્ય બાબતે જાતિસૂચક અપશબ્દો કહી ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. આ હિંસક હુમલામાં વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સોહનાથી ગુરુગ્રામની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: જુનિયર ક્લાર્ક પેપર કૌભાંડના મુખ્ય આરોપીને ભાજપે યુવા મોરચા પ્રમુખ બનાવ્યો
ઘટનાની વિગતો મુજબ, સોહનાના જાવેદ કોલોનીમાં રહેતા મોહિત સાથે જોગીન્દર હાઈસ્કૂલમાં આ દુર્વ્યવહાર થયો હતો. વિદ્યાર્થીના પિતા કિશનલાલે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમનો પુત્ર મોહિત જ્યારે શાળાએ ગયો ત્યારે ભૂલથી હિન્દીનું પુસ્તક ઘરે ભૂલી ગયો હતો. આ બાબતે ઉશ્કેરાયેલા શિક્ષક સતીશ કુમારે વિદ્યાર્થી પ્રત્યે સંવેદનશીલતા દાખવવાને બદલે તેની સાથે અત્યંત ક્રૂર વર્તન કર્યું હતું. શિક્ષકે વિદ્યાર્થીને જોરથી ધક્કો માર્યો હતો, જેના કારણે તેનું માથું સીધું જ લોખંડની બેન્ચ સાથે અથડાયું હતું.
પરિવારના જણાવ્યા અનુસાર, મોહિત પહેલાથી જ નાદુરસ્ત રહેતો હતો અને આ બાબતની જાણ શાળા સંચાલકોને અગાઉથી કરવામાં આવી હતી. તેમ છતાં, શિક્ષકે તેની સાથે મારપીટ કરી અને તેની અનુસૂચિત જાતિને લઈને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરી તેને માનસિક રીતે પણ હેરાન કર્યો હતો.
આ પણ વાંચો: શિક્ષકોના જાતિવાદથી કંટાળી દલિત વિદ્યાર્થીએ કૉલેજ પરથી કૂદી આપઘાત કર્યો

આ ઘટના બાદ વિદ્યાર્થીની તબિયત લથડતા તેને તાત્કાલિક સોહનાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની ગંભીર હાલત જોતા ડોક્ટરોએ તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ગુરુગ્રામ રિફર કર્યો હતો.
બીજી તરફ, શાળાના સંચાલક તેજપાલ સૈનીએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવતા ફગાવી દીધા છે. તેમણે દાવો કર્યો છે કે શિક્ષક દ્વારા કોઈ જ મારપીટ કરવામાં આવી નથી અને આ મામલાને ખોટી રીતે ચગાવવામાં આવી રહ્યો છે. જોકે, પીડિત વિદ્યાર્થીના પિતાએ સોહના સિટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપીને શિક્ષક વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને મારપીટની કલમો હેઠળ કડક કાર્યવાહીની માંગ કરી છે.
સોહના સિટી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને પક્ષોના નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શિક્ષણ સંસ્થામાં જાતિવાદ અને હિંસાના આ ગંભીર આક્ષેપોએ વાલીઓમાં ભારે રોષ જગાડ્યો છે. પોલીસ તપાસના રિપોર્ટ અને મેડિકલ પુરાવાઓના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: હંગરીનો રોમા સમાજ કેમ ડૉ.આંબેડકરને મુક્તિદાતા માની પૂજે છે?











