આદિવાસી યુવકને પત્ની સામે જ વનકર્મીએ હોકીથી ઢોર માર માર્યો

આદિવાસી યુવક જંગલમાં કામ કરી રહ્યો હતો, વન વિભાગના સુરક્ષાકર્મીએ ત્યાં પહોંચી જઈ કશા જ કારણ વિના હોકી સ્ટીકથી માર માર્યો. વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ.
Tribal youth beaten

આદિવાસી સમાજની સૌથી વધુ વસ્તી મધ્યપ્રદેશમાં છે અને આ રાજ્યમાં જ તેમના પર સૌથી વધુ અત્યાચારો થાય છે. સરકાર તેમના જળ, જંગલ અને જમીનના અધિકારો પર તરાપ મારી રહી છે અને કોઈ તેમની વ્હારે આવતું નથી. પરિણામે દેશનો આદિવાસી સતત અત્યાચારમાં પિસાતો રહે છે.

આવી જ એક ઘટના મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં સ્થિત નોર્ધર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (NCL) ના નિગાહી કોલ હેન્ડલિંગ પ્લાન્ટ (CHP) વિસ્તારમાં સામે આવી છે. અહીં એક આદિવાસી યુવકને સુરક્ષાકર્મી દ્વારા હોકી સ્ટીક વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને ખાસ કરીને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવાનગર પોલીસે વાયરલ વીડિયોના આધારે સિક્યુરિટી ઇન્ચાર્જ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: દક્ષિણ કોરિયામાં દૂતાવાસ ખાતે ડૉ.આંબેડકરની જન્મજયંતી ઉજવાઈ

પત્નીની નજર સામે જ ઢોર માર માર્યો

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સિક્યુરિટી ઇન્ચાર્જ હોકી સ્ટીક વડે બેગા સમાજના યુવક અન્ને લાલ બેગા પર ઉપરાઉપરી હોકીના ઘા કરી રહ્યો છે. આઘાતજનક બાબત એ છે કે આ મારપીટ યુવકની પત્નીની હાજરીમાં જ કરવામાં આવી હતી. યુવક દર્દથી કણસી રહ્યો હોવા છતાં સુરક્ષાકર્મીએ તેના પર દયા દાખવી નહોતી. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના બે મહિના જૂની હોવાનું કહેવાય છે, પરંતુ વીડિયો અત્યારે વાયરલ થતા મામલો ગરમાયો છે.

પોલીસે કાર્યવાહી શરૂ કરી

મળતી માહિતી મુજબ, ઘટના સમયે પીડિત અન્ને લાલ બેગા તેની પત્ની સાથે પ્લાન્ટ વિસ્તારમાંથી લોખંડનો સામાન ઉઠાવી રહ્યો હતો. સુરક્ષાકર્મીઓએ તેમને અટકાવ્યા હતા અને કાયદો હાથમાં લઈને તેની સાથે અમાનવીય વ્યવહાર કર્યો હતો. નવાનગર પોલીસ સ્ટેશનના પ્રભારી અનિલ પટેલે જણાવ્યું હતું કે, “વીડિયો સામે આવ્યા બાદ તાત્કાલિક ફરિયાદ નોંધી લેવામાં આવી છે. જો પીડિત દ્વારા અગાઉ જાણ કરવામાં આવી હોત તો તે સમયે જ કાર્યવાહી થઈ શકી હોત.”

આ પણ વાંચો: દલિત વરરાજાને મંદિરમાં પ્રવેશ ન મળ્યો, ફરિયાદ કરતા સામાજિક બહિષ્કાર કરાયો

આદિવાસી સમાજમાં ભારે આક્રોશ

આ ઘટનાનો વીડિયો જેવો સામે આવ્યો કે તરત જ આદિવાસી સંગઠનો અને સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. પત્નીની સામે જ પતિને જે રીતે પશુની જેમ ફટકારવામાં આવ્યો તેને લઈને લોકો દોષિતો સામે સખતમાં સખત સજાની માંગ કરી રહ્યા છે.

પોલીસે અત્યારે પીડિત યુવકની શોધખોળ શરૂ કરી છે અને આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. ઉચ્ચ અધિકારીઓએ પણ આ મામલે નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે જેથી પીડિત આદિવાસી પરિવારને ન્યાય મળી શકે.

આ પણ વાંચો: આદિવાસી ભાઈએ કબર ખોદીને બહેનનું હાડપિંજર બેંકમાં બતાવવું પડ્યું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x