દલિત વરરાજાને મંદિરમાં પ્રવેશ ન મળ્યો, ફરિયાદ કરતા સામાજિક બહિષ્કાર કરાયો

દલિત વરરાજા મોટા ઉપાડે હિંદુ હોવાના વહેમમાં પત્ની સાથે મંદિરમાં પૂજા કરવા ગયા હતા. જાતિવાદી તત્વોએ મંદિરમાં પ્રવેશવા ન દીધાં. ફરિયાદ કરી તો સામાજિક બહિષ્કાર કર્યો.
Dalit groom not allowed to enter temple

દલિતોમાં હજુ પણ એક એવો વર્ગ છે, જે પોતાને હિંદુ માને છે અને હિંદુ હોવાના વહેમમાં હિંદુ મંદિરોમાં જઈને પૂજા અર્ચના કરવા જાય છે. પરંતુ જ્યારે તેમને અસલ જાતિવાદી તત્વોનો સામનો કરવાનો આવે છે ત્યારે સમજાય છે કે તેઓ હિંદુ નથી પરંતુ અછૂત છે. આવી જ એક ઘટનામાં એક દલિત વરરાજા મોટા ઉપાડે હિંદુ હોવાના વહેમમાં પોતાની પત્નીને લઈને પૂજા કરવા મંદિરમાં પહોંચ્યા હતા. પરંતુ પૂજારી સહિતના જાતિવાદી તત્વોએ તેમને મંદિરમાં પ્રવેશવા દીધા નહોતા.

આ ઘટના બાદ વરરાજાને જ્યારે પોતે હિંદુ નથી પરંતુ દલિત હોવાનું ભાન થતા તેમણે પૂજારી સહિતના જાતિવાદી તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એ પછી આરોપીઓ જાતિવાદીઓ વધુ ઉશ્કેરાયા હતા અને વરરાજાના પરિવારજનોનો સામાજિક બહિષ્કાર કરાવી તેમના દાણા-પાણી બંધ કરાવી દીધા હતા.

આ પણ વાંચો: પોલીસે દલિત વિધવાને માર મારી વાળ પકડી રસ્તા પર ઢસડી

મામલો જાતિવાદ અને આદિવાસી સમાજ માટે સૌથી વધુ અત્યાચારો માટે કુખ્યાત મધ્યપ્રદેશનો છે. અહીંના ખરગોન જિલ્લાના એક ગામમાં જાતિવાદી તત્વોએ દલિત વરરાજાને તેની નવવધૂ સાથે મંદિરમાં પ્રવેશ કરતા અટકાવવામાં આવ્યા હતા. જેની સામે વરરાજાએ પોલીસ ફરિયાદ નોંધાવતા ઉશ્કેરાયેલા ગામલોકોએ વરરાજાના પરિવારજનોનો સામાજિક બહિષ્કાર કરીને તેમના દાણા-પાણી બંધ કરાવી દીધાં છે. હવે પીડિત પરિવારે ફરી ન્યાય માટે પોલીસના દ્વાર ખટખટાવ્યા છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

દલિત વરરાજાનો પોતે હિંદુ હોવાનો વહેમ ઉતરી ગયો

ઘટનાની વિગત મુજબ, ખરગોન જિલ્લાના એક ગામમાં રહેતા નિર્મલ કનાડે નામના દલિત યુવકના લગ્ન 23 એપ્રિલના રોજ સંપન્ન થયા હતા. લગ્ન બાદ પરંપરા મુજબ નિર્મલ તેની પત્ની સાથે ગામના મંદિરે પૂજા-અર્ચના કરવા માટે પહોંચ્યો હતો. જોકે, ત્યાં હાજર કેટલાક જાતિવાદી તત્વોએ તેમને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા હતા અને મંદિરની બહારથી જ પૂજા કરી લેવા દબાણ કર્યું હતું. આ ભેદભાવનો નિર્મલ અને તેના પરિવારે સખત વિરોધ કર્યો હતો. મામલો ઉગ્ર બનતા પોલીસને જાણ કરવામાં આવી હતી. અહિરખેડા ચોકી પ્રભારીએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મંદિરનું તાળું ખુલવાયું હતું અને પોલીસ રક્ષણ હેઠળ નવદંપતી પાસે પૂજા કરાવી હતી.

આ પણ વાંચો: ‘તમારો વરઘોડો રોકે તો અમને કંકોતરી આપજો, ધામધૂમથી લગ્ન કરાવીશું’

પોલીસની મદદથી મંદિરમાં પૂજા કરવા બદલ ગામના કેટલાક પ્રતિષ્ઠિત ગણાતા લોકો રોષે ભરાયા હતા. આરોપ છે કે આ ઘટના બાદ ગામમાં એક અનૌપચારિક પંચાયત બોલાવવામાં આવી હતી. આ પંચાયતમાં નિર્ણય લેવાયો હતો કે નિર્મલના પરિવાર સાથે કોઈએ સંબંધ રાખવો નહીં. પીડિત યુવકે સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવતા લખ્યું છે કે, “પોલીસ ફરિયાદ નોંધાવવા બદલ ગામલોકોએ અમારા ચાર ઘરોનો સામાજિક બહિષ્કાર કર્યો છે. અમારા દાણા-પાણી બંધ કરાવી દીધાં છે. ગામની કરિયાણાની દુકાનો પરથી અમને જીવનજરૂરી ચીજવસ્તુઓ આપવાની પણ મનાઈ કરી દેવામાં આવી છે.”

પોલીસે મધ્યસ્થી કરાવવા પ્રયાસો શરૂ કર્યા

નિર્મલના મોટાભાઈએ શનિવારે સાંજે આ મામલે પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગામના લોકો દ્વારા કરવામાં આવેલ સામાજિક બહિષ્કારને કારણે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. થાણા પ્રભારી દીપક યાદવે પુષ્ટિ કરી છે કે પીડિત પરિવાર તરફથી ફરિયાદ મળી છે. તેમણે જણાવ્યું કે, “અગાઉ મંદિર પ્રવેશના વિવાદ સમયે પોલીસે દરમિયાનગીરી કરીને પૂજા કરાવી હતી. હવે પરિવારને ચીજવસ્તુઓ ન આપવાની અને સામાજિક બહિષ્કારની ફરિયાદ આવી છે. આ ગંભીર બાબત છે અને હાલ પોલીસની ટીમ બંને પક્ષો સાથે ચર્ચા કરી રહી છે.”

આ પણ વાંચો: બહેરામપુરામાં જય ભીમ યુથ સર્કલ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

ગામમાં સામાજિક તણાવનો માહોલ

આ ઘટનાના કારણે આ વિસ્તારમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. દલિત સંગઠનોએ આ બર્બરતા સામે વિરોધ નોંધાવી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. લોકશાહી અને બંધારણીય અધિકારો હોવા છતાં આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં આવા કિસ્સાઓ પ્રકાશમાં આવે તે ચિંતાનો વિષય છે. પીડિત નિર્મલ કનાડેએ ન્યાયની અપીલ કરતા કહ્યું છે કે તેમને પોતાના જ ગામમાં અજાણ્યા અને અસ્પૃશ્ય જેવો વ્યવહાર સહન કરવો પડી રહ્યો છે. હાલ પોલીસ આ મામલે એટ્રોસિટી એક્ટ અને અન્ય સુસંગત કલમો હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. પોલીસ તંત્રએ ગામમાં શાંતિ જાળવવા માટે વધારાનો બંદોબસ્ત ગોઠવવાની પણ ખાતરી આપી છે.

આ પણ વાંચો: ઉમરગામના મામલતદારે ‘મોટા માથાઓના’ દબાણથી આપઘાત કર્યો?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x