દલિત મહિલાને મર્યા પછી પણ તેનું ‘દલિત’ હોવું નડ્યું

દલિત મહિલાના નિધન બાદ સ્મશાનમાં ટીન શેડ હોવા છતાં ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી. ગામના સરપંચ અને તલાટી સામે કાર્યવાહીની માંગ ઉઠી.
Discrimination at the funeral of a Dalit woman

ભારતમાં જાતિવાદ દલિતોનો મર્યા પછી પણ પીછો છોડતો નથી. સવર્ણ હિંદુઓ મૃત્યુ પામેલા દલિત સમાજના લોકોને પણ આદરપૂર્વક અંતિમવિધિ કરવામાં અડચણ પેદા કરતા હોય છે. દર વર્ષે આવી સેંકડો ઘટનાઓ બને છે અને આવો તાજો કિસ્સો મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના જૈદા ગામમાંથી સામે આવ્યો છે. અહીં જીવતા તો ઠીક, મૃત્યુ પછી પણ આભડછેટ દલિતોનો પીછો છોડતી નથી.

ગામમાં જ્ઞાતિના આધારે માત્ર રહેણાંક વિસ્તારો જ નહીં, પરંતુ સ્મશાન ઘાટની સુવિધાઓ પણ વહેંચાયેલી છે. એક તરફ સરકાર સમરસતાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ દલિત સમાજને સ્મશાનમાં ટીન શેડ જેવી પાયાની સુવિધાથી પણ વંચિત રાખવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ‘આજે પણ ગામના મંદિરમાં પ્રવેશ નથી મળતો’, ‘પંચાયત’ ના અભિનેતાનું દર્દ છલકાયું

ભેદભાવની પરાકાષ્ઠા

જૈદા ગામના રહેવાસી કાડુલાલ બૈરવાની 28 વર્ષીય પત્ની બબલી બૈરવાનું લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. પરિવારજનો જ્યારે મૃતદેહ લઈને સ્મશાન ઘાટ પહોંચ્યા ત્યારે વાસ્તવિકતા સામે આવી હતી. સ્મશાનમાં કથિત સવર્ણ જ્ઞાતિઓ માટેના અંતિમ સંસ્કારના સ્થળે પાકા ચબૂતરા અને ઉપર મજબૂત ટીન શેડની વ્યવસ્થા છે. જ્યારે દલિત સમાજ માટે ફાળવવામાં આવેલી જગ્યામાં કોઈ પણ પ્રકારનો શેડ નથી. પરિણામે, કાળઝાળ ગરમીમાં ખુલ્લા આકાશ નીચે જ મહિલાના અંતિમ સંસ્કાર કરવાની પરિવારને ફરજ પડી હતી.

ગ્રામ પંચાયત સામે જનઆક્રોશ

અંતિમ સંસ્કારમાં હાજર રહેલા સામાજિક કાર્યકર માન સિંહ બરોદિયા અને ગ્રામજનોએ આ અન્યાય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. બરોદિયાએ આક્ષેપ કર્યો હતો કે ગ્રામ પંચાયતના સરપંચ અને સચિવની લાપરવાહી અને મનમાનીને કારણે આ ભેદભાવ વ્યાપી રહ્યો છે. કથિત સવર્ણ જ્ઞાતિ સમાજના સ્મશાનમાં સરકારી ગ્રાન્ટમાંથી સુવિધાઓ ઊભી કરાય છે, પરંતુ બૈરવા સમાજના ચબૂતરા પર શેડ બનાવવામાં આવતો નથી. જો અંતિમ સંસ્કાર સમયે વરસાદ જેવી સ્થિતિ સર્જાય, તો પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે. આ મામલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી જવાબદારો સામે કડક કાનૂની પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો:  19 વર્ષની આદિવાસી યુવતીએ નક્સલી તરીકે સરેન્ડર કરતા વિવાદ

તંત્રે તપાસના આદેશ આપ્યા

આ ગંભીર ઘટના બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. જનપદ સીઈઓ શ્યામ સુંદર ભટનાગરે સ્વીકાર્યું હતું કે નિયમ મુજબ સ્મશાન ઘાટ જાહેર હોવો જોઈએ અને તેમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. તેમણે જણાવ્યું કે આ પ્રકારની ફરિયાદ પ્રથમવાર મળી છે અને તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે.

તપાસમાં જો પંચાયત સ્તરે ભેદભાવ કે લાપરવાહી સાબિત થશે, તો સંબંધિત સરપંચ અને સચિવને નોટિસ ફટકારીને સખત કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ ઘટનાએ સામાજિક સમાનતાના દાવાઓ વચ્ચે વહીવટી તંત્રની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: સુરતમાં યોગ ગુરુ પ્રદીપ ગુરૂજીના આશ્રમમાંથી નકલી નોટોનું કારખાનું ઝડપાયું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x