વિનીતા સોરેન એવરેસ્ટ સર કરનારી પ્રથમ આદિવાસી યુવતી બની

વિનીતા સોરેન નામની ઝારખંડના અંતરિયાળ ગામની આદિવાસી યુવતીએ સાહસ અને કઠોર પરિશ્રમ થકી વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરી બતાવ્યો છે.
Vinita Soren is the first tribal girl to climb Mount Everest
Vinita Soren is the first tribal girl to climb Mount Everest

વિનીતા સોરેન(Vinita Soren) – આ નામ ભારતના ઈતિહાસમાં કાયમ માટે અંકિત થઈ ગયું છે. ઝારખંડની ધરતી પરથી નીકળીને એક સાધારણ આદિવાસી યુવતીએ વૈશ્વિક સ્તરે ઈતિહાસ રચી દીધો છે. મર્યાદિત સંસાધનો, ગરીબી અને સામાજિક મર્યાદાઓ વચ્ચે ઉછરેલી વિનીતા સોરેને પોતાના દ્રઢ સંકલ્પ અને અદમ્ય સાહસના જોરે વિશ્વના સૌથી ઊંચા પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરી બતાવ્યો (first tribal girl to climb Mount Everest) છે. આ સિદ્ધિ સાથે વિનીતા સોરેન માઉન્ટ એવરેસ્ટ સર કરનારી દેશની પ્રથમ આદિવાસી યુવતી બની ગઈ છે. માત્ર 25 વર્ષની નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલી આ સફળતાએ સાબિત કર્યું છે કે સખત મહેનત આગળ ભૌતિક અને સામાજિક પડકારો ક્યારેય અવરોધ બની શકતા નથી.

સાધારણ પરિવારમાંથી એવરેસ્ટ સુધીની સફર

વિનીતા સોરેનનો જન્મ 21 જૂન 1987ના(આજે વિનીતાનો જન્મદિવસ છે) રોજ ઝારખંડના સેરાઈકેલા ખરસાવાં જિલ્લાના રાજનગર તાલુકાના કેસોરસોરા ગામના એક અત્યંત સાધારણ ખેડૂત પરિવારમાં થયો હતો. ગ્રામીણ અને આદિવાસી વિસ્તારમાં સામાન્ય છોકરીઓની જેમ તેનો પ્રારંભિક જીવનકાળ પણ ખેતરોમાં કામ કરવા, મર્યાદિત શિક્ષણ મેળવવા અને સીમિત ભવિષ્ય સુધી જ નિર્ધારિત હતો. જે વિસ્તારમાં યુવતીઓ માટે માત્ર નર્સિંગ અથવા શિક્ષણ (ટીચિંગ) ક્ષેત્રને જ કરિયર તરીકે સ્વીકારવામાં આવતું હતું, ત્યાં વિનીતાએ પર્વતારોહણ જેવું અત્યંત જોખમી અને સાહસિક ક્ષેત્ર પસંદ કર્યું હતું. નબળી આર્થિક પરિસ્થિતિઓ હોવા છતાં વિનીતાએ મોટા સપના જોવાનું ચાલુ રાખ્યું અને તેના આ નિર્ણયમાં તેના પરિવારે તેના પર સંપૂર્ણ ભરોસો મૂકીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ પણ વાંચોઃ દિવસે ખેતમજૂરી રાત્રે વાંચન કરી આદિવાસી દીકરીએ NEET પાસ કરી

બચેન્દ્રી પાલના માર્ગદર્શન હેઠળ કઠોર તાલીમ લીધી

વર્ષ 2004માં વિનીતા સોરેનની મુલાકાત માઉન્ટ એવરેસ્ટ સર કરનારી દેશની પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ સાથે થઈ હતી. બચેન્દ્રી પાલે વિનીતાની અંદર રહેલા સાહસને ઓળખીને તેને પર્વતારોહણની વ્યવસાયિક તાલીમ આપવાની શરૂઆત કરી હતી. એવરેસ્ટ અભિયાન પૂર્વે વિનીતાએ સતત 7 વર્ષ સુધી કઠોર શારીરિક અને માનસિક શ્રમ કરવો પડ્યો હતો. આ લાંબી તાલીમ દરમિયાન તેણે શીખ્યું કે પર્વતારોહણ માત્ર શારીરિક શક્તિનો ખેલ નથી, પરંતુ તે માનસિક મનોબળ, ધીરજ અને પ્રતિકૂળ સંજોગો સામે લડવાના સંકલ્પની ખરી પરીક્ષા છે. શૂન્યથી પણ નીચેના તાપમાન, હાડ થીજવતી ઠંડી અને ભયાનક બરફવર્ષા વચ્ચે પણ તેણે પોતાની હિંમત ડગવા દીધી નહોતી.

માર્ચ 2012માં યાત્રાનો પ્રારંભ કર્યો હતો

સત્તાવાર અહેવાલો અનુસાર, વિનીતા સોરેને ‘ઇકો એવરેસ્ટ સ્પ્રિંગ’ અભિયાન હેઠળ 20 માર્ચ 2012ના રોજ જમશેદપુરથી પોતાના સાથીદારો સાથે આ ઐતિહાસિક યાત્રાનો પ્રારંભ કર્યો હતો. સતત બે મહિનાથી વધુ સમયની અત્યંત જોખમી ચઢાઈ બાદ, 26 મે 2012ના રોજ વહેલી સવારે 6.50 વાગ્યે વિનીતા સોરેન અને તેના સાથી મેઘલાલ મહતોએ રાજેન્દ્ર સિંહ સાથે મળીને માઉન્ટ એવરેસ્ટના સર્વોચ્ચ શિખર પર ભારતીય ત્રિરંગો લહેરાવીને નવો ઈતિહાસ રચી દીધો હતો.

અન્ય સાહસિક અભિયાનો અને પ્રેરણાનું પ્રતીક

એવરેસ્ટ ફતેહ કરવા ઉપરાંત પણ વિનીતા સોરેને અનેક સાહસિક અભિયાનોમાં સક્રિય ભાગ લીધો છે. તેણે દેશભરમાં સાહસનો સંદેશ આપવા માટે ગુજરાતના ભુજ શહેરથી શરૂ કરીને પંજાબના વાઘા બોર્ડર સુધીની આશરે 2000 કિલોમીટર લાંબી મુસાફરી માત્ર 30 દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. વિનીતાની આ અદભૂત સફળતા માત્ર તેની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ તે દેશની લાખો આદિવાસી મહિલાઓ અને ગ્રામીણ યુવાનો માટે સફળતાનું પ્રેરણાત્મક પ્રતીક બની ગઈ છે.

આ પણ વાંચોઃ મનરેગા મજૂર માબાપની દીકરી રાજ્યની પહેલી આદિવાસી IAS બની

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x