Thol Thirumavalavan: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ રાજ્યના રાજકારણમાં નવો અધ્યાય લખ્યો છે. અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી ‘તમિલગ વેટ્રી કઝગમ’ (TVK) 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે, પરંતુ બહુમતીના 118ના આંકડાથી તે થોડી દૂર રહી હતી. આ નિર્ણાયક સમયે ‘વિદુથલાઈ ચિરુથિગલ કાચી’ (VCK) ના અધ્યક્ષ અને સાંસદ થોલ થિરુમાવલવને(Thol Thirumavalavan) બિનશરતી ટેકો જાહેર કરીને વિજય માટે સરકાર બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે.
કોણ છે થોલ થિરુમાવલવન?
1962માં તિરુચિરાપલ્લીના અંગનૂર ગામમાં જન્મેલા થોલ થિરુમાવલવન(Thol Thirumavalavan) તમિલનાડુમાં દલિતોના અવાજ તરીકે ઓળખાય છે. તેમણે ક્રિમિનોલોજી અને લો (કાયદા) નો અભ્યાસ કર્યો છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ ફોરેન્સિક વિભાગમાં સરકારી સેવા આપતા હતા. જોકે, દલિત સમાજ પર થતા અત્યાચારો અને સામાજિક અન્યાય સામે લડવા માટે તેમણે નોકરી છોડી 1990માં VCK પાર્ટીની સ્થાપના કરી હતી. હાલમાં તેઓ ચિદમ્બરમ લોકસભા બેઠક પરથી સાંસદ છે અને રાજ્યમાં ‘ઓનર કિલિંગ’ જેવા સામાજિક દૂષણો સામે હંમેશા અવાજ ઉઠાવતા રહ્યા છે.

આ પણ વાંચો: દલિત નેતાએ મેળાનું ઉદ્ઘાટન કરતા સરપંચના પુત્રે જીવલેણ હુમલો કર્યો
સંઘર્ષ અને રાજકીય સફર
થિરુમાવલવનનો રાજકીય પ્રવાસ અત્યંત સંઘર્ષમય રહ્યો છે. તમિલનાડુના દ્રવિડિયન રાજકારણના ગઢમાં પોતાની અલગ ઓળખ ઉભી કરવી અને દલિત સમાજને સંગઠિત કરવા માટે તેમણે દાયકાઓ સુધી પાયાના સ્તરે કામ કર્યું છે. આ વખતે તેઓ પોતે કટ્ટુમનારકોઈલ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ ગઠબંધનની એકતા જાળવવા માટે તેમણે છેલ્લી ઘડીએ પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. આ ત્યાગ તેમની પરિપક્વ રાજનીતિનો પુરાવો આપે છે.
ગુજરાતની મુલાકાત લેનાર પહેલા દક્ષિણના નેતા
થોલ થિરુમાવલવનની લોકપ્રિયતા માત્ર દક્ષિણ ભારત પૂરતી સીમિત નથી. તાજેતરમાં જ તેમણે ગુજરાતના અમદાવાદની મુલાકાત લીધી હતી, જે રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પ્રથમ વખત દક્ષિણ ભારતના કોઈ મોટા સાંસદે ગુજરાત આવીને અહીંના દલિત સમાજના પ્રબુદ્ધ નાગરિકો, વિચારકો અને સામાજિક કાર્યકરો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે રાષ્ટ્રીય સ્તરે દલિતોની સ્થિતિ અને બંધારણીય અધિકારો અંગે ઊંડી ચર્ચા-વિચારણા કરી હતી. ગુજરાતના દલિત સમાજમાં પણ તેમના વિચારો અને સંઘર્ષની લાંબી અસર જોવા મળી છે.
આ પણ વાંચો: બાલાઘાટમાં બાબાસાહેબ અને ફૂલે દંપતીની પ્રતિમા ઉખાડીને ફેંકી દેવાઈ

TVK સાથેનું જોડાણ કેમ મહત્વનું?
થિરુમાવલવને સ્પષ્ટ કર્યું છે કે તેઓ થલાપતિ વિજયની DMK-AIADMK અને BJPથી સમાન અંતર જાળવવાની રાજનીતિને સમર્થન આપે છે. VCK ના બે ધારાસભ્યોના ટેકાથી TVK હવે સત્તાના આંકડા સુધી પહોંચી ગઈ છે.
રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે આગામી સમયમાં થિરુમાવલવન ત્રિચી ઈસ્ટ બેઠક પરથી પેટાચૂંટણી લડીને રાજ્યના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી શકે છે. આમ, એક ફોરેન્સિક ઓફિસરથી લઈને કિંગમેકર સુધીની થોલ થિરુમાવલવનની સફર ભારતીય રાજનીતિમાં સામાજિક ન્યાય અને વૈચારિક મજબૂતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં VCK કિંગમેકર: દલિત પાર્ટીની નજર ડેપ્યુટી CM પદ પર











