2 વીઘા જમીન માટે ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં દેવબંદ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લાલવાલા ગામમાં શનિવારે સવારે ઠાકુરો અને દલિતો વચ્ચે ભયાનક હિંસા ફાટી નીકળી હતી. આ અથડામણમાં લાકડીઓ, પથ્થરો અને ધારદાર હથિયારોનો છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં 3 મહિલાઓ સહિત કુલ 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ આ જમીન વર્ષોથી દલિતોની માલિકીની હોવા છતાં માથાભારે ઠાકુર જાતિના લોકો ત્યાં ગેરકાયદેસર કબ્જો જમાવીને તેમના મહાપુરુષોની પ્રતિમા સ્થાપિત કરવા માંગતા હતા. જેની સામે દલિતોએ વિરોધ નોંધાવતા હિંસા ફાટી નીકળી હતી.
મામલો શું હતો?
દલિત પક્ષના નીરજ કુમારનો દાવો છે કે આ જમીન તેમની પૈતૃક મિલકત છે, જ્યારે ઠાકુર પક્ષના રવિન્દ્ર રાણાનું કહેવું છે કે તેમણે આ જમીન કાયદેસર રીતે ખરીદી છે. શનિવારે જ્યારે ઠાકુર પક્ષના લોકો આ વિવાદિત જમીન પર પોતાના સમાજના મહાપુરુષની પ્રતિમા સ્થાપિત કરવા અને કબજો લેવા પહોંચ્યા ત્યારે દલિત સમાજના લોકોએ તેનો સખત વિરોધ કર્યો હતો. સામાન્ય બોલાચાલી જોતજોતામાં પથ્થરમારામાં ફેરવાઈ ગઈ હતી. પરિસ્થિતિ બેકાબૂ બનતા દેવબંદ પોલીસ અને PACની ટુકડીઓએ ઘટનાસ્થળે પહોંચી લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: જાતિગત અપમાનથી કંટાળી દલિત યુવકે ખુદને આગ ચાંપી દીધી
ચંદ્રશેખર આઝાદના ગામ પ્રવેશ પર પ્રતિબંધ
આ ઘટના બાદ ભીમ આર્મી અને આઝાદ સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ ગામમાં ઉમટી પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભીમ આર્મી ચીફ અને સાંસદ ચંદ્રશેખર આઝાદે પીડિતોની મુલાકાત લેવાની જાહેરાત કરી હતી, પરંતુ વહીવટીતંત્રે ચંદ્રશેખર આઝાદને ગામમાં પ્રવેશતા અટકાવવા માટે તેમને નજરકેદ (House Arrest) રાખવામાં આવ્યા હોવાના સમાચાર છે. પોલીસે ગામના તમામ પ્રવેશદ્વારો સીલ કરી દીધા છે.
આ પણ વાંચો: જુનિયર ક્લાર્ક પેપર કૌભાંડના મુખ્ય આરોપીને ભાજપે યુવા મોરચા પ્રમુખ બનાવ્યો
300 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા
ગામમાં હાલ તણાવપૂર્ણ શાંતિ છે. સુરક્ષાના ભાગરૂપે આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને 300થી વધુ પોલીસ જવાનો તેમજ ઉચ્ચ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. એસપી દેહત મયંક પાઠકે જણાવ્યું હતું કે, સ્થિતિ હાલ નિયંત્રણમાં છે અને બંને પક્ષોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પથ્થરમારામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ગામમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી જમીનના માલિકી હક્કનો મામલો કોર્ટ કે મહેસૂલ વિભાગ દ્વારા ઉકેલાય નહીં ત્યાં સુધી કોઈપણ પક્ષને ત્યાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. સહારનપુર પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી છે જેથી અફવાઓ ફેલાતી રોકી શકાય.
આ પણ વાંચો: વિકલાંગ દલિત વરરાજાને જાતિવાદીઓએ ઘોડા પરથી ઉતારી ફટકાર્યા












