આપણા દેશને આઝાદી મળ્યાને આજકાલ કરતા 78 વર્ષના વાણા વાઈ ગયા છે, પરંતુ આજે પણ દલિત સમાજના લોકો સુધી આઝાદી પહોંચી જ ન હોય તેવી સ્થિતિ છે. દેશભરમાં લાખો એવા ગામો છે, જ્યાં આજે પણ દલિત સમાજના વરરાજા ઘોડી પર બેસીને પરણવા જઈ શકતા નથી. જાતિના મિથ્યાભિમાનમાં રાચતા ચોક્કસ જાતિના ગુંડા તત્વો ઘોડી પર બેસવાને પોતાનો અબાધિત અધિકાર ગણે છે, અને એટલે તેઓ દલિત વરરાજા ઘોડીએ ચઢીને પરણવા નીકળે ત્યારે તેમના પર હુમલો કરે છે. દર વર્ષે લગ્નની સિઝન શરૂ થતાની સાથે જ આવી ઘટનાઓ બનતી હોય છે.
જો કે, મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લા હેઠળની જીરાપુર તાલુકાના લિમ્બોદા ગામમાં સામાજિક પરિવર્તનની એક મોટી ઘટના આકાર લેવા જઈ રહી છે. ગામના ઈતિહાસમાં આઝાદીના 78 વર્ષ બાદ પ્રથમ વખત કોઈ દલિત વરરાજા ઘોડી પર સવાર થઈને પરણવા નીકળશે. આ ઐતિહાસિક ક્ષણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે કન્યાના પરિવારે પોલીસ પ્રશાસન પાસે સુરક્ષાની ગુહાર લગાવી છે.

આ પણ વાંચો: મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર દલિત પ્રોફેસરની સાસરીયાઓએ હત્યા કરી
શું છે સમગ્ર મામલો?
લિમ્બોદા ગામના રહેવાસી હરિસિંહ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, 18 મે 2026 ના રોજ તેમની પુત્રી લક્ષ્મીના લગ્ન પ્રકાશ નામના યુવક સાથે નિર્ધારિત કરાયા છે. લગ્ન પ્રસંગ દરમિયાન વરરાજાનો વરઘોડો ઘોડી પર બેસીને કાઢવાનું નક્કી કરાયું છે. પરિવારનો દાવો છે કે ગામમાં આઝાદી બાદ અત્યાર સુધી ક્યારેય અનુસૂચિત જાતિના કોઈ યુવકે ઘોડી પર સવાર થઈ બારાત કાઢી નથી.
જાતિવાદી ગુંડાઓ હુમલો કરે તેવી આશંકા
પરિવારને ડર છે કે આ પરંપરા તોડવા બદલ ગામના કેટલાક જાતિવાદી ગુંડાઓ વિરોધ કરી શકે છે અથવા લગ્નમાં અવરોધ પેદા કરી શકે છે. આ આશંકાને ધ્યાનમાં રાખીને હરિસિંહે પોલીસ પાસે 17 થી 18 મે દરમિયાન ગામમાં પોલીસ બંદોબસ્ત ફાળવવાની માંગ કરી છે. આવેદનમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લગ્ન પ્રસંગે ‘ભીમ આર્મી ભારત એકતા મિશન’ ના કાર્યકરો પણ પરિવારના સમર્થનમાં હાજર રહેશે.
આ પણ વાંચો: શંખેશ્વરના સીપુરમાં સરપંચે દલિત પરિવારને મારી નાખવાની ધમકી આપી

પોલીસે તૈયારીઓ શરૂ કરી
આ મામલે જીરાપુર પોલીસ સ્ટેશનના પ્રભારી આદિત્ય સોનીએ જણાવ્યું હતું કે, પરિવાર તરફથી સુરક્ષા માટેની અરજી મળી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો ગામમાં કોઈ પણ પ્રકારનો વિરોધ કે તણાવની સ્થિતિ સર્જાવાની શક્યતા જણાશે, તો પોલીસ બળ તૈનાત કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતર્ક છે અને લગ્ન પ્રસંગમાં કોઈ અડચણ ન આવે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
લિમ્બોદા ગામમાં આ લગ્ન હવે માત્ર એક પારિવારિક પ્રસંગ ન રહેતા સામાજિક સમાનતા અને અધિકારોની લડાઈનું પ્રતીક બની ગયા છે. આખા પંથકની નજર હવે 18 મેના રોજ યોજાનાર આ લગ્ન અને વરઘોડા પર ટકેલી છે.
આ પણ વાંચો: શંખેશ્વરના સીપુરમાં સરપંચે દલિત પરિવારને મારી નાખવાની ધમકી આપી











